કહે છે કે સોશિયલ મિડીયામાં સૌથી વધુ યુઝર્સ વોટ્સ-એપના છે. એટલે જ એમાં અમુક મહત્વના સુધારા કરવાની જરૂર છે…
***
ઓટો ગુડ મોર્નિંગ
સવારના પહોરમાં જે ડઝનબંધ ગુડમોર્નિંગના મેસેજો આવી પડે છે એ સૌ મોકલનારા ઉપર દયા ખાઓ ! વોટ્સ-એપમાં એવું ફિચર રાખો કે એમને એની મેળે જ સામો ગુડમોર્નિંગનો મેસેજ સેન્ડ થઈ જાય ! (આપણે છૂટીએ ! અને સામેવાળા ભલે ને રાજી થાય !)
***
ઓટો હેપ્પી બર્થ ડે
ફેમિલી ગ્રુપમાં કોઈની બર્થ-ડે કે એનિવર્સરી વિશ કરવાનું ભૂલાઈ જાય તો સગાંઓનાં મોં કેવાં ચડી જાય છે ? ભૈશાબ, અહીંયા પણ ‘ઓટો-વિશ’નું સેટિંગ કરી આપો ને !
***
ઓટો બ્લુ-ટિક એન્ડ ડિલીટ
અમુક કકળાટિયાં ગ્રુપોમાંથી જો આપણે નીકળી જઈએ તો એમને ખોટું લાગી જાય છે. વળી, મેસેજો ઉપર ઉપરથી જોવા રહીએ તોય સાડા ત્રણ ફૂટની મિનિમમ લંબાઈ ક્રોસ કરવી પડે છે.
એના કરતાં એને ખોલ્યા વિના જ જાણે બધા મેસેજો વાંચ્યાં છે એવું બતાડવા ‘ઓટો બ્લુ-ટિક’ થઈ જાય અને પછી એની મેળે ‘ઓટો ડિલીટ’ વડે કચરો સાફ થઈ જાય તો કેટલું સારું ? (રોજની દોઢ GB સ્પેસ બચે, ભૈશાબ !)
***
ઓટો ડિલે રિસ્પોન્સ
લાંબા લાંબા મેસેજો, આખેઆખા લેખો, અવળચંડી કવિતાઓ, કંટાળાજનક વિડીયો અને જીવન જીવવાની રીતનાં ભાષણોને જોયા કે ખોલ્યા વિના જવાબમાં આપણે વેરી ગુડ, સાચી વાત, અંગૂઠો, અંગૂઠો વત્તા આંગળી, તાળીઓ, ફૂલો, પિપૂડીઓ, સ્માઇલીઓ વગેરે એક જ સેકન્ડમાં મોકલી દઈએ છીએ ને ?
આમાં તો સામેવાળાને ખબર પડી જાય છે કે આપણે અહીં નજર પણ નથી નાંખી ! અમારું સુચન છે કે ઉપરના તમામ રિસ્પોન્સ એની મેળે દસ-પંદર મિનિટ પછી જ જાય એવું ગોઠવી આપો !
***
એક્સ રેટેડ માર્કિંગ (આ જરૂર કરો)
જે મેસેજો ‘સંસ્કારી’ નથી એની ઉપર કંઈક નિશાની આપો ને ? જેથી આપણને ખબર પડે કે એને ક્યારે અને ક્યાં જઈને ‘જોવાના’ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment