ભાજપના થોડા નેતાઓ અને થોડા કાર્યકરો એક ઠેકાણે ભેગા થયા હતા. ચર્ચા આગામી વિધાનસભાની ચૂંટણીની ચાલી રહી હતી.
એવામાં એક કાર્યકરે જોશમાં આવીને મુદ્દો ઉઠાવ્યો. ‘ચુંટણીમાં જે થવાનું હોય તે થાય પણ હવે પછીના મુખ્યમંત્રી તો પટેલ જ હોવા જોઈએ !’
આ સાંભળીને બીજા એક કાર્યકર્તા ઉશ્કેરાયા ‘શા માટે પટેલ ? અમે કંઈ ઓછી મહેનત કરીએ છીએ ? હવે પછીના મુખ્યમંત્રી કોળી સમાજમાંથી જ આવશે ! પતી ગઈ વાત !’
‘શેની પતી ગઈ ?’ ત્રીજા કાર્યકરે બાંયો ચડાવી. ‘તમને શું લાગે છે, પટેલો અને કોળીઓ જ ભાજપમાં પોતાનું ધાર્યું કરશે ? અરે, અમારા વોટને ભૂલી ના જશો. નવા મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી જ આવશે !’
એવામાં વધુ એક કાર્યકરે ઝંપલાવ્યું. ‘તો શું અમે અહીં મંજીરા વગાડવા આવ્યા છીએ ? નવા મુખ્યમંત્રી દલિત સમાજના જ હોવા જોઈશે.’
‘અચ્છા, એટલે પ્રજાપતિ સમાજની તો કોઈ ગણત્રી જ નહીં એમને ?’ અન્ય એક કાર્યકરે ચર્ચામાં ઝુકાવ્યું.
‘અને સવર્ણોનું શું ?’ વધુ એક કાર્યકરે ટોપિકમાં ઉમેરો કર્યો.
‘લોહાણા સમાજનો મુખ્યમંત્રી કેમ નહીં ?’
‘બ્રાહ્મણોને તો ભૂલી જ જાઓ છો !’
શોરબકોર વધી ગયો. સૌ પોતપોતાની જ્ઞાતિ માટે બૂમો પાડવા લાગ્યા…
‘પટેલ મુખ્યમંત્રી જોઈએ !’ ‘ના, કોળી મુખ્યમંત્રી !!’ ‘ઠાકોર મુખ્યમંત્રી જ જોઈએ !’ ‘દલિત મુખ્યમંત્રી વિના નહીં ચાલે !’
ઘોંઘાટ એટલો બધો વધી ગયો કે એક નેતાએ મંચ ઉપર ચડીને ‘ભારત માતા કી જય…’નાં સુત્રો પોકારવા પડ્યાં. છેવટે સુત્રોચ્ચાર કરતાં કરતાં સૌ શાંત પડ્યા ત્યારે નેતાએ કહ્યું :
‘જુઓ સાંભળો… હમણાં જ હિન્દુ એકતા વિશેના ચાર પાંચ સરસ મેસેજો આવ્યા છે. આપણે ગ્રુપમાં મુકી દીધા છે ! સૌએ તેને સેંકડોના હિસાબે ફોરવર્ડ કરવાના છે ! સમજી ગયા ?’
મઝાની વાત એ થઈ કે સૌ કાર્યકરોએ એ મેસેજો ફોરવર્ડ પણ કરવા માંડ્યા…
ચેક કરજો, તમારા મોબાઇલમાં પણ મેસેજ આવ્યા જ હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment