જાવેદ અખ્તરને સપનામાં ય કલ્પના નહીં હોય કે બાળમંદિરની કોઈ ટિચર બાળકોને ‘એક દો તીન…’ ભણાવતાં ભણાવતાં કદાચ પોતાના પગારનો ‘ગિન ગિન કે ઇન્તેજાર’ કરતી હોય તેવું ગાયન હિન્દી ફિલ્મોની કુરિયોગ્રાફીના ઇતિહાસમાં એક માઇલસ્ટોન બની જશે !
જીહા, સરોજ ખાન નામની ડાન્સ ડિરેક્ટરે એ ગાયનમાં માધુરી પાસે જે માઇકલ જેકસનની ‘મુનવૉક’ની યે ‘મા’ બને એવું જે સ્ટેપ કરાવેલું તે આજે પણ ભલભલી બોલીવૂડ ડાન્સિંગની સ્કુલોમાં ‘દસમું પાસ’નું સર્ટિફીકેટ ગણાય છે !
સરોજ ખાનની બે મુખ્ય સ્ટાઇલ હતી. એક, તે ગીતના દરેક શબ્દનો ડાન્સની અંગ-ભંગિઓમાં ‘અનુવાદ’ કરીને સ્ટેપ્સ બનાવતી હતી ! અને બીજું, દરેક ગીતના મુખડા માટે ખાસ સિગ્નેચર સ્ટેપ રહેતું ! આજે પણ આ સિગ્નેચર સ્ટેપની પેટર્નમાંથી ભલભલા કુરિયોગ્રાફરો છૂટી શક્યા નથી. એટલી હદે, કે ટીવીમાં જે ડાન્સ શો ચાલે છે એમાં આવા સિગ્નેચર સ્ટેપ બતાડીને તેનું અસલી ગાયન કયું હશે તેની એક ક્વિઝનો રાઉન્ડ રાખી શકાય !
સરોજ ખાને ડાન્સ ડિરેક્ટરોને ઇજ્જત આપવી પડે એટલી ટણી પણ બતાડી. જેનો ફાયદો એની પછીની પેઢીને થયો. ‘દિલ તો પાગલ હૈ’માં શૈમક દાવર નામના કુરિયોગ્રાફરની એન્ટ્રી થઈ. આ ગુજરાતી બોલી શકતો પારસી બાવાજી મુંબઈમાં ઓલરેડી અતિશય મોંઘી ફી લઇને પૈસાદાર નબીરા - નબીરીઓને મોડર્ન ડાન્સ શીખવતો હતો. યશ ચોપરાની ફિલ્મમાં તો બાવાજીનો ખાસ ચમકારો ના દેખાયો પણ એ પછી ‘તાલ’નાં જે બે – ત્રણ ગીતો આવ્યાં ત્યારથી ‘કુરિયોગ્રાફર’ શબ્દની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ.
અગાઉ જે બિચારા ‘માસ્ટરજી’ કે ‘માસ્તરની’ના નામે ઓળખાતા હતા એ લોકો હવે ગાયનની આખી થિમ, કલર-સ્કીમ, કોસ્ચ્યુમ અને સેટ સુધ્ધાં કેવો હશે તે નક્કી કરતા થઈ ગયા ! શૈમક દાવરની પાછળ પાછળ રેમો ફર્નાન્ડીસ, ટેરેન્સ લુઇસ, બોસ્કો માર્ટિસ અને મિનિ પ્રધાન જેવા નવી તરહના કુરિયોગ્રાફરો આવી પહોંચ્યા. એમાંય વળી ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’, ‘નચ બલિયે’ અને ‘ડાન્સ દિવાને’ જેવા ટીવી શો વડે નાચવાનો ક્રેઝ છેક ઘેર ઘેર પહોંચી ગયો.
હા, એ અલગ વાત છે કે ‘ડાન્સ’ને બદલે હવે એમાં ‘સરકસ’નું પ્રમાણ વધતું ચાલ્યું છે. ગુલાંટો મારવી, એકબીજાને ખભે ચડી જવું, લસરપટ્ટી ખાવી અને સરકસની પ્લાસ્ટિક ગર્લની માફક પગના અંગૂઠાને કપાળે અડાડવા તથા દોરડાના ઝૂલા ઉપરથી હવાબાજી કરી બતાડવી એને જ ‘ડાન્સ’ ગણવામાં આવે છે !
મને તો ખરેખર નવાઈ લાગે છે કે એમાં ગીતા કપૂર નામનાં હરીભરી કાયા ધરાવતાં બહેન આમાંનો એક પણ સરકસનો દાવ બતાડ્યા વિના શી રીતે જજ બની ગયાં હશે ? (આવો જ ડાઉટ ફરાહ ખાન નામનાં કોઠીકાય મેડમ માટે થાય છે. ફરાહ આન્ટી નૃત્ય નિર્દેશિકા કરતાં સ્કુલનાં ડ્રીલ માસ્ટર જેવાં વધારે લાગે છે. મિજાજ પણ એવો જ છે ને !)
જોકે આ બન્ને ડાઉટના રહસ્યો પાછળથી એ રીતે ખુલ્યાં કે કુરિયોગ્રાફરો પોતાના માટે યુવાન છોકરા-છોકરીઓને આસિસ્ટન્ટ તરીકે રાખે છે. કુરિયોગ્રાફર મેડમ ખુરશીમાં રંગીન છત્રી નીચે બેસી રહે અને પેલાં જુવાનિયાંઓ હિરો હિરોઇનને રિહર્સલો કરાવે અને સ્ટેપ્સ પણ શીખવાડે ! તમે નહીં માનો પણ ઇન્ડિયન સિનેમાનો માઇકલ જેકસન ગણાતો પ્રભુદેવા બિચારો વરસો સુધી આવો આસિસ્ટન્ટ રહ્યો હતો !
પ્રભુ દેવાની વાત નીકળી છે તો આપણે કાન પકડીને કબૂલ કરવું પડે સાઉથની ફિલ્મોમાંથી આવેલા આ તરવરિયાએ હિન્દી ફિલ્મના હિરોલોગને એવા હચમચાવી નાંખ્યા કે સૌના સાંધેસાંધા છૂટા પડી ગયા. હિન્દી ફિલ્મોમાં ABCD અને ABCD-2 જેવી આઉટ-એન્ડ આઉટ ડાન્સની થિમ ધરાવતી ફિલ્મો આવી અને કોમર્શિયલી હિટ પણ ગઇ તે પ્રભુ દેવા 440 વોલ્ટના કરંટ જેવા ડાન્સિંગ ફોર્સને આભારી છે.
’90ના દાયકામાં જન્મેલી પેઢીને ડાન્સનું કેટલી હદે ઘેલું લાગ્યું તેનો એક જ દાખલો આપું. હું પૂનામાં એક એવા યુવાનને મળ્યો છું જેને માત્ર 21 વરસની ઉંમરે ‘રેમો’ની ડાન્સ એકેડમીમાં મુખ્ય ટ્યુટર તરીકે મહિને એક લાખ રૂપિયાનો પગાર મળતો હતો ! શહેરે શહેરે દસમા-બારમાના ટ્યૂશન ક્લાસિસની જેમ જે ડાન્સના ક્લાસિસ ફૂટી નીકળ્યા છે તેની શરૂઆત 99-2000માં થઈ હતી.
સ્વાભાવિક છે, આની અસર ફિલ્મોમાં દેખાવાની જ હતી. એટલે આજે રણબીર હોય કે રણવીર, કાર્તિક હોય કે ફરદાહાન, સિધ્ધાર્થ હોય કે વરૂણ… સૌએ ફાઇટિંગ કરતાં હોય એટલી જ મહેનતથી ડાન્સો કરવા પડે છે. એમાં ટાઇગર શ્રોફ આ જંગલનો અસલી શેર છે કેમકે એની કિક ખરેખર કપાળ સુધી અડી શકે છે !
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Sarojkhan was best. Dancing ma aavel dharkham ferfar nu sunder vishleshan👌
ReplyDeleteThanks 😊🙏 🙏
ReplyDelete