વીસ વરસ પછી...

એક બહુ મોટા બિઝનેસમેનને એક કાર એક્સિડેન્ટ થયો. એ કોમામાં જતા રહ્યા. એ વાતને વીસ વરસ થઈ ગયાં…

એક દિવસ એમની આંખ ખુલી ગઈ ! આજુબાજુ કોઈ હતું જ નહીં ! સગાંઓ કંટાળીને આવતાં બંધ થઈ ગયાં હતાં અને હોસ્પિટલના સ્ટાફને ખાસ પરવા નહોતી.

બિઝનેસમેન તો પોતાનાં ઓરીજીનલ કપડાં પહેરીને હોસ્પિટલની બહાર નીકળી ગયા. નજીકમાં જ એક ખુલ્લા પ્લોટમાં એક ‘કાર-મેળો’ ચાલી રહ્યો હતો. એમણે જઈને પૂછ્યું :

‘ભાઈ, આ ‘ઓલ્ટો’ કેટલામાં આપવાની છે ?’

પેલાએ મોં બગાડીને કીધું ‘પંદર હજાર. પણ અહીંથી લઈ જવાની જવાબદારી તમારી.’

બિઝનેસમેનને નવાઈ લાગી. કાર કંઈ એવી ભંગાર હાલતમાં નહોતી. છતાં બીજી એક કાર બતાડીને પૂછ્યું :

‘આ ફોર્ડ આઇકોન કેટલાની છે ?’

‘ખાલી ટાઇમપાસ ના કરો. લેવાની હોય તો જ વાત કરો.’

‘હા હા, લેવાની જ છે.’

‘તો…. જાવ સત્તાવીસ હજારમાં આપી.’

બિઝનેસમેનને ખરેખર નવાઈ લાગી. સાલી કાર તો નવી નક્કોર લાગે છે ! છતાં રૂઆબ બતાડવા બીજી કારના ભાવ પૂછવા માંડ્યો.

‘આ હોન્ડા એકોર્ડ કેટલાની છે ?’

‘ત્રીસ હજાર.’

‘અને આ ઓડી ?’

‘એમાં સાઇડ મિરર નવો નાંખવાનો છે. છતાં ચલો, બત્રીસ હજાર.’

એવામાં બિઝનેસમેનની નજર એક ચકાચક અને બ્રાન્ડ ન્યુ જેવી લાગતી મર્સિડીઝ ઉપર ચોંટી ગઈ. એમણે મર્સિડીઝની લીસ્સી બોડી ઉપર હાથ ફેરવતાં પૂછ્યું :

‘આ મર્સિડીઝ કેટલામાં આપવાની છે ?’

‘એના ચાલીસ હજાર થશે. કેશ આપો તો આડત્રીસ હજાર.’

‘કેશ નથી. હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીશ. તમે આપવાનો ભાવ બોલો.’

છેવટે રકઝક કરતાં બિઝનેસમેને પેલી મર્સિડીઝ ફક્ત છત્રીસ હજારમાં ખરીદી લીધી. સામે જ પેટ્રોલ પંપ હતો. જઈને કીધું :

‘ચલ, ફટાફટ ટાંકી ફૂલ કરી દે.’

ટાંકી ભરાઈ ગઈ એટલે બિઝનેસમેને પૂછ્યું ‘કેટલા થયા ?’

‘બે લાખ પાંસઠ હજાર… બોલો, ઓનલાઇન પેમેન્ટ કરો છો કે લોન લીધેલી છે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments