સેલ્ફીનો ડાયરો !

આજકાલ તો ડાયરા થઇ શકતા નથી. (અને થાય છે તો પોલીસવાળા કેસ કરે છે !) આવા સમયમાં જો કોઈ ‘ઓનલાઈન ડાયરો’ થાય, અને એમાં કોઈ લોક કલાકાર ‘સેલ્ફી’ વિશે વાતું કરે… તો કેવી હોય ?

***

આ સેલ્ફી અટલે શું ?

(ટુણુંઉંઉ… બેન્જોનું મ્યુઝિક…)

સેલ્ફી અટલે સેલ્ફની હાર્યે જ સેલ્ફનો પરિચય, મારા વ્હાલીડાવ ! કાળા માથાનો માનવી જ્યારે લોકડાઉનમાં એકલો પડે છે… જ્યારે એનું મનડું મનનો મેળ પડે એવા માનવીને ઝંખે છે…. જ્યારે એના દલડાને કોઈ દિલદારની તલબ લાગે છે... ત્યારે બચાડો માનવી પોતાનો જ ફોટો લઈને પોતાના જ મોબાઈલમાં સેવ કરે અને પોતે જ જોઈને બે ઘડી હરખાય… એનું નામ સેલ્ફી !

પણ આ સેલ્ફી કાંઈ એક ફોટો નથી મારા બાપ ! સેલ્ફી ઇ તો સેલ્ફનો ‘સેલ્ફ’ હાર્યે થતો સાક્ષાત્કાર છે ! આ તો તમારા ‘યોરસેલ્ફ’ની ભીતરમાં જે ‘માયસેલ્ફ’ બેઠેલો છે, ઈ તમારા શરીરના ડીએનએના ‘સેલ’ની હાર્યે ભળીને હરુંભરું થાય છે ને, ઈ છે સેલ્ફી, મારા વ્હાલીડા !

(ટુણુંઉઉ….)

જ્યારે તમારા અંદરના 'માયસેલ્ફ' અને બહારના 'યોરસેલ્ફ' હાર્યે જે મનભાવન મેળાપ થાય છે… ઈ જ  છે તારી હાચી સેલ્ફી મારા વ્હાલીડા !

(ટુણુંઉંઉં…)

આજે તમારા ફેસની સેલ્ફી છે ને, ઇને તમારી ફેસની બુકમાં, અટલે કે ફેસબુકમાં મુકો… અને પછી જે તમને બીજાઉંની જે 'લાઇક' મળે ત્યારે તમારો 'માયસેલ્ફ' અને ઓલ્યાવના 'માયસેલ્ફ' મળીને છેવટે ‘અવરસેલ્ફ’ બને છે, બાપ ! અને આ ‘અવરસેલ્ફ’ ઇ જ તો આખા જગતનું સત્ય છે ! ઇ સત્યની શરૂઆત, મારા વ્હાલીડા, થાય છે તારી સેલ્ફીમાંથી !

(ટુણુંઉંઉંઉં…)

તમે જુઓ, આ હંધાય નામું કેવાં એકબીજાને હળીમળીને ભેટી રિયાં હોય એવાં પડ્યાં છે ? કે ‘સેલ્ફી’ લેવા હાટું ‘સેલ-ફોન’ની જરૂર પડે છે ! અને જેનાં ‘બ્લડ-સેલ’ અને ‘સ્ટેમ-સેલ’માં ‘સેલ્ફ-કોન્ફિડન્સ’ વહે છે… ઇને સેલ્ફી લીધા પછી હૃદયની બેટરીમાં જે ‘સેલ’ લાગે છે, ઇનાથી આખું જીવતર ‘સેલ્ફ-સ્ટાર્ટ’ થઈ જાય છે, મારા બાપ !

(ટુણુંઉંઉંઉં)

અટલે મારા વ્હાલીડા... લઈ લે તારી ‘સેલ્ફી’ અને ‘સહેલ’ કર આખી જીંદગી લગી !

***

- મન્નુ શેખચલ્લી

Comments