ડોબા ફોન.. સ્માર્ટ ફોન..

વિચાર કરો, હજી દસ-પંદર વરસ પહેલાં જ આપણે જુના, બ્લેક એન્ડ વ્હાઈટ, નાનકડા નોકિયા ટાઇપના ‘ડોબા’ ફોન વાપરતા હતા ! હવે બધા ‘સ્માર્ટ’ થઈ ગયા છે ! (માણસો પણ.)

***

ડોબા ફોન

એટલા નાનકડા આવતા હતા કે હથેળીમાં સંતાડી શકાતા હતા.

સ્માર્ટ ફોન

એટલા મોટા આવતા થયા છે કે ખોબામાં પણ સમાતા નથી !

***

ડોબા ફોન

એમાં ગેમના નામે પેલું સાપોલિયું જ આવતું હતું.

સ્માર્ટ ફોન

આમાં ગેમ રમતાં રમતાં જુવાનિયાઓ કલાકો લગી પથારીમાં સાપોલિયાંની માફક આળોટતા રહે છે !

***

ડોબા ફોન

100 અક્ષરનો મેસેજ ટાઈપ કરતાં કરતાં તો અંગૂઠા દુઃખી જતા હતા.

સ્માર્ટ ફોન

100 અક્ષરનું એક ટ્વીટર ક્યારેક આખા દેશનો માથાનો દુઃખાવો બની જાય છે !

***

ડોબા ફોન

લેન્ડ-લાઇન ફોનથી મુક્તિ મળી એટલે માણસ હરતો ફરતો થઈ ગયો.

સ્માર્ટ ફોન

હરતા ફરતા માણસો પણ કલાકો લગી સ્માર્ટ ફોનમાં ચોંટી રહે છે !

***

ડોબા ફોન

સારા મોડલમાં પણ ફોટા તો આધાર-કાર્ડ જેવા જ પડતા હતા.

સ્માર્ટ ફોન

આન્ટી પોતે છેક 1955નું મોડલ હોય છતાં સેલ્ફીમાં તો 2021નું મોડેલિંગ કરતા હોય એવા ફોટા પડે છે !

***

ડોબા ફોન

પંદર વરસ પછી પણ નવો જ હોય તેમ ચાલે છે.

સ્માર્ટ ફોન

બે વરસમાં તો ‘જુનો’ થઇ જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments