હમણાં જ ઇન્ટરનેશનલ યોગ દિવસ ગયો. પરંતુ આ કોરોનાકાળમાં જે નવાં નવાં યોગાસનો આવ્યાં છે તેની તો વાત જ ના થઈ…
***
થ્રી-લેયર ફિલ્ટરાયામ
પ્રાણની ક્ષમતા વધારવા યોગમાં પ્રાણાયમ કરવામાં આવે છે. પરંતુ કોરોનાકાળમાં પોતાના જ પ્રાણને બચાવવા માટે થ્રી-લેયર માસ્કમાંથી જે આલોમ-વિલોમ કરવું પડ્યું છે તે નવાં પ્રકારનો પ્રાણાયમ છે !
આમાં ‘પ્રાણ’ અને ‘યમ’ વચ્ચે કાપડનાં ત્રણ પડ રાખીને, નાક ઉપર ઢાંકીને, શક્ય હોય એટલો પ્રાણવાયુ હવામાંથી ખેંચવાની જે કસરત છે તેને જ થ્રી-લેયર ફિલ્ટરાયામ કહે છે.
***
મોબાઇલંગૂઠાસન
આ નવું યોગાસન યુવાનોમાં બહુ લોકપ્રિય બની ગયું છે. મોબાઈલને બે હાથમાં ઝાલીને બે હાથના બે અંગૂઠા વડે કલાકો લગી જે ગેમ રમવામાં આવે છે તેમાં અંગૂઠાઓને કસરત મળે છે અને દિમાગની વિચારશક્તિ સામેની ઇમ્યુનીટી વધે છે.
***
ગરદનક્કડાસન
આ આસન ઢીલી પડી ગયેલી ગરદનને અક્કડ બનાવે છે. (ગરદન + અક્કડ + આસન) આ આસન પણ મોબાઇલ વડે જ કરવામાં આવે છે. કલાકો સુધી ગરદનને ઝુકાવીને મોબાઈલમાં મૂવી જોવાથી તથા ગેમ રમતાં રમતાં મોબાઈલંગૂઠાસન કરવાથી ગરદન અક્કડ થઈ જાય છે. અક્કડ થયેલી ગરદન અક્કલ સામે ઇમ્યુનીટી આપે છે.
***
કચરા-પોતાંસન
જ્યારે કામવાળી બાઈનું સોશિયલ ડિસ્ટન્સ વધારે પડતું વધી જાય છે ત્યારે પતિએ આ આસનો કરવાના હોય છે. આનાથી પતિના ઘમંડમાં ઘટાડો નોંધાય છે અને પત્નીના સ્વભાવ સામેની ઇમ્યુનીટીમાં દેખીતો વધારો નોંધાય છે.
***
વાતકુક્કુટાસન
આ આસન ખાસ કરીને નેતાઓમાં બહુ લોકપ્રિય થયું છે. પવનની દિશા જોઈને પાર્ટી બદલવાના આ આસન વડે પ્રજાની લાગણીઓ સામેની ઇમ્યુનીટીમાં ખાસ્સો વધારો થયો છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment