ચાર-ચાર ખાન બરોબર એક હૃતિક રોશન !

ફક્ત હિંદી ફિલ્મમાં જ એવું બને કે પાંચ કઢંગા નાચનારા હિરો કોઇ ઇન્ટરનેશનલ ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવાના બહાને કરોડો રૂપિયાના ડાયમન્ડઝ્ ચોરવાનો પ્લાન બનાવે અને સ્પર્ધા જીતી પણ જાય ! હદ તો ત્યાં થાય કે એ ફિલ્મની મહિલા દિગ્દર્શક (ફરાહ ખાન) પોતાની કેરિયરની શરૂઆતમાં ડાન્સ ડિરેક્ટર હોય !

જી હા, એ ફિલ્મનું નામ ‘હેપ્પી ન્યુ યર’ હતું. બિચારા પ્રેક્ષકો પણ હેપ્પીલી એ વાતને ગળે ઉતારી લે કે હશે ભઈ, સ્પર્ધાના જજો પણ આપણા જેવા જ ડફોળ હશે !

શાહરૂખ ખાન સહિતના ત્રણે ‘સુપર-ખાન’ હિરો ડાન્સના નામે ઝિરો છે (શાહરૂખે તો ‘ઝિરો’ નામની ફિલ્મ પણ બનાવી નાંખી !) છતાં એમાં શાહરૂખ એવો નફ્ફટ નીકળ્યો કે પોતાને નાચતાં નથી આવડતું એવાં સ્ટેપ તે જાણી જોઈને ગાયનોમાં કરતો ! યાદ કરો, ‘બાજીગર’ના એક ગાયનમાં શિલ્પા શેટ્ટી તેને નાચતાં શીખવાડે છે છતાં શાહરૂખ તેની સ્ટુપિડ અને હાસ્યાસ્પદ પેરોડી કરી બતાડે છે !

આમ છતાં તે જ્યારે જ્યારે એવોર્ડ ફંકશનો કે સ્ટેજ શોમાં ભાગ લેતો ત્યારે તે પોતાની ‘બ્રાન્ડ’ બની ગયેલી ડાન્સ અદા (કાલ્પનિક ધોતિયાના બે છેડા પકડીને જાણે વહાણનું ષઢ બનાવવાનો હોય એ રીતે હાથ ફેલાવવાની અદા)ને જાણે પોતે બહુ મોટો કુરિયોગ્રાફર હોય એ રીતે પ્રેક્ષકોમાંથી કોઇને સ્ટેજ ઉપર બોલાવીને ધરાર શીખવાડતો હતો !

બીજી બાજુ આમિર ખાને શરૂઆતની ફિલ્મોમાં થોડો ડાન્સ કરી જોયો (ખંભે જૈસી ખડી હૈં, પટ્ટાખેં કી લડી હૈ) પછી સમજાઈ ગયું કે આપણને શાહરૂખની જેમ ડાન્સની કોમેડી કરતાં પણ નથી આવડતું એટલે નાચવાનું કામ હિરોઇનને સોંપીને પોતે સરકારી ખાતાનો કોઈ સુપરવાઇઝર હોય તેમ આસપાસ આંટા મારવાનું જ ચાલુ રાખ્યું.

આગળ જતાં એ પણ ના ફાવ્યું એટલે ‘ગજની’માં સ્પેશીયલ ઇફેક્ટો વડે બોડી ફૂલાવીને પોતે ‘સ્ટેચ્યુ’ થઈ ગયો અને બિચારી હિરોઈનને કમર હલાવવા દીધી. જોકે આમિર એટલો ચાલાક તો ખરો જ કે પોતે નાચવામાં ઢગો છે એ વાત બહાર ન પડી જાય એ ટાઇપનાં જ ગાયનો પિક્ચરાઇઝ કરાવતો.

રહી વાત સલમાન ખાનની, તો પહેલી જ ફિલ્મમાં કુરિયોગ્રાફરને સમજાઈ ગયું હશે કે આ બાબો જતે દહાડે એકશન હિરો જ બનશે એટલે તેને બે હાથ અને બે પગ વડે ગુંલાટો ખાતાં શીખવાડી દીધું. જોકે સલમાને સુપરસ્ટાર થવાની સફર દરમ્યાન પોતાની ખાસ ‘બ્રાન્ડ’ જેવી અદા ડેવલપ કરી નહીં એટલે આજે પણ બિચારા કુરિયોગ્રાફરો આ ગેંડા જેવી મજબૂત કાયા પાસે કેવાં સ્ટેપ કરાવવાં તેની મુંઝવણમાં હોય છે.

સરવાળે કુરિયોગ્રાફરોએ શોર્ટ-કટ એવો કાઢ્યો કે સલમાનભાઈની પાછળ ચાર-પાંચ ડઝન એકસ્ટ્રાઓનું ઝુંડ નચાવ્યે રાખવું ! સલમાને પણ પોતાનો શોર્ટ-કટ શોધી કાઢ્યો કે નાચતાં પહેલાં કે નાચતી વખતે શર્ટ કાઢીને ફેંકી દેવું જેથી આ ડાન્સ છે કે પહેલવાની, એ સમજવામાં પ્રેક્ષકો ગોથાં ખાતા રહે !

આ બધામાં સાઇડમાં રહી ગયેલો ચોથો ખાન, નામે સૈફ અલી ખાન, શરૂઆતમાં ‘સેફ’ રમીને શશીકપૂર જેવો સુંવાળો લુક અપનાવીને થોડું ઘણું નાચ્યો પણ પછી જેમ જેમ એની બોડીના મસલ્સ ફૂલવા માંડ્યા તેની સાથે સાથે તેનું નાક અને કપાળ પણ ફૂલી ગયું ! એટલે હવે તેણે નાચવાનું નેવે મુકી દીધું છે અને અન-રોમેન્ટિક હિરો અથવા ચસકેલ ખોપડીના વિલનનાં જ પાત્રો ભજવવાનું રાખ્યું છે.

આ ‘ખાન-મારકેટ’ની વચ્ચે સન ૨૦૦૦માં એક જેન્યુઇન ડાન્સિંગ હિરો આવ્યો, તે હૃતિક રોશન ! ‘કહો ના પ્યાર હૈ’માં તેણે બોલીવૂડની ભીડથી ભરેલી બસમાં હાથ વડે ધક્કો મારતો હોય એવી ડાન્સ એકશનથી જ પોતાની જગા બનાવી ! સંગીતકાર રોશનના આ પૌત્રના એકેએક અંગમાં સંગીતની લય છે. ફિલ્મ ‘લક્ષ્ય’માં તેણે યુવાનોની હતાશા દર્શાવતા ગાયન ‘મૈં ઐસા ક્યું હું’માં જે અદ્‌ભુત ડાન્સ કર્યો તે જોઇને આપણને થાય કે બકા, તું શા માટે આ ફિલ્મમાં સોલ્જર બનવા માટે નીકળ્યો છે ? ડાન્સર જ બન ને !

‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ની એક સિઝનમાં જ્યારે હૃતિક જજ તરીકે આવ્યો ત્યારે એકેએક સ્પર્ધક માટે જે કોમેન્ટ અને સુચનો કરતો હતો તે સાંભળીને જ એમ થતું હતું કે એની ડાન્સ વિશેની સમજ કેટલી પરફેક્ટ છે ! હજી સુધી હૃતિક રોશન માટે આઉટ-એન્ડ-આઉટ ડાન્સિંગથી ભરપૂર હોય તેવી ફિલ્મ બનાવવાનું કોઇને સુઝ્યું કેમ નથી એ ખરેખર નવાઇની વાત છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. આ જ ઋતિકે જ્યારે ફિલ્મમાં ડાન્સ કરવાનું વિચાર્યું ત્યારે એ કળાની એબીસીડી પણ એ જાણતો નહોતો ! એના પપ્પાનું સતત પ્રોત્સાહન કામ કરી ગયું અને એનામાં આત્મવિશ્વાસ ઊગ્યો. એણે સખ્ખ્ખ્ત મહેનત કરી અને ઠીકઠીક સમયમાં એક્સપર્ટ થઈ ગયો.

    ReplyDelete
  2. માત્ર ડાન્સ નહીં, કહેવાય છે કે હૃતિક રોશન કીશોર વયનો હતો ત્યારે સાવ પાતળો સરખો હતો અને બોલતાં તોતડાતો હતો પરંતુ ફિલ્મ સ્ટાર બનવાની જીદ પૂરી કરવા માટે તેણે સખત કસરત અને સ્પીચ થેરાપી કરીને આ ગ્રીક દેવતા સમાન શરીર બનાવ્યું છે.

    ReplyDelete
  3. શાહરુખ કી્કેટસઁ યુવરાજ સિંહ.. વીરેન્દ્ સહેવાગ ને ડાન્સ સીખવાડે… તે એક કાયઁક્મમાં ટાઈમપાસ કોમેડી બની..
    બાકી ના ખાન રિતિક ના ડાન્સ ની તોલે ન આવે.. હા !! થોડો ટાઇગર ક્ષો્ફ નજીક .
    તું જબરું શોધી કાઢે છે.. હસતા હસતા..
    શેરડીના સાંઠા થી ફટકારે છે..

    ReplyDelete

Post a Comment