ચિંતા ના કરો… હજી તમે પુરેપુરા ઘરડા નથી થયા ! કારણ કે હજી તો તમે ‘ઘડપણ શી રીતે એન્જોય કરવું’ તેના ચાંપલા મેસેજો ફોરવર્ડ કરી રહ્યા છો !
જ્યારે ઘોર ઘડપણ આવશે ત્યારે શું શું થશે ? અત્યારથી નોંધી રાખો…
***
ત્યારે તમે ઝુલતી ખુરશી ઉપર બેઠા તો હશો પણ એ ખુરશીને ઝુલાવવાની તાકાત તમારામાં નહીં હોય !
***
તમે વ્હીલચેર ઉપર બેઠાં બેઠાં વિચાર કરતા હશો કે હવે તો એક વ્હીલચેર ચલાવનારો ‘ડ્રાઇવર’ રાખી લેવો જોઈએ !
***
સોફા ઉપર બેઠાં બેઠાં જો તમને વા-છૂટ લાગે તો તમે ત્રાંસા થઈને પાદવાની હિંમત નહીં કરો કેમકે એમ કરવા જતાં ક્યાંક પડી ગયા તો ?
***
તમે સફરજન ખાવા માટે બટકું તો ભરો છો પણ પછી જુઓ છે કે તમારા દાંતનું ચોકઠું તો સફરજનમાં જ રહી ગયું છે !
***
તમને કઈ કઈ વસ્તુઓ યાદ નથી રહેતી એનું લિસ્ટ બનાવવામાં તમે એકની એક વસ્તુઓ છ-છ વાર જણાવો છો !
***
‘તમારી આટલી લાંબી ઉંમરનું રહસ્ય શું છે ?’ એવા સવાલના જવાબમાં તમે માત્ર… ‘હેં ?’ એટલું જ કહી શકો છો !
***
‘100 વર્ષ જીવવાની સોનેરી ચાવી’ નામનું પુસ્તક વાંચતાં વાંચતાં વારંવાર હાથમાંથી પડી જાય છે !
***
દુનિયા કેટલી આગળ વધી ગઈ છે એ જોવા માટે તમારે એમ્બ્યુલન્સમાં જ નીકળવું પડે છે !
***
અને જ્યારે તમારો મિનરલ વોટરનો બાટલો ક્યાં છે તેના કરતાં તમારા ગંગાજળની લોટી ક્યાં મુકી છે તેની ચિંતા કરવા માંડો…
તો સમજવું કે હવે ઘોર ઘડપણનો પણ ઘોર તબક્કો આવી ગયો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment