સ્કુલ
એવું બંધ રહેતું મકાન જ્યાં 75 ટકા ફી લઈને માત્ર 25 ટકા ઓનલાઇન ભણાવે છે અને 100 ટકા રિઝલ્ટ આપીને સૌને ‘પાસ’ કરી દે છે !
***
કોલેજ
વેબસાઇટના ફોટાઓમાં મસ્ત દેખાતું એવું બિલ્ડીંગ, જ્યાં ફ્રેશર્સ પાર્ટી, વેલેન્ટાઇન ડે કે ફેશન વીક ઉજવાતાં નથી….
છતાં ઓનલાઇન લેકચરોના બહાને છોકરા છોકરીઓ ઓનલાઇન રોમાન્સ કરવાના ચાન્સ મારી લે છે !
***
કોર્પોરેટ હોસ્પિટલ
જ્યાં દરદીને એર-કન્ડીશન્ડ ઠંડકમાં રાખીને બહુ આરામદાયક રીતે તેનાં ખિસ્સાનું ઓપરેશન કરવામાં આવે છે.
***
નર્સ
કોથળા જેવી પીપીઈ કીટમાં જેનું ફીગર કેવું છે તે બિચારા ડોક્ટરો પણ ભૂલી ગયા છે !
***
વીમો
જે ઉતારવાની વાત સાંભળતાં જ એની પાછળ કોઈ કાવતરું હોવાની ગંધ આવવા લાગે છે !
***
ઓફિસ
8 બાય 10 ઇંચનો કોમ્પ્યુટર સ્ક્રીન જેની સામે બેસીને શાક સમારી શકાય છે.
***
કોન્ફરન્સ રૂમ
8 બાય 10નો એજ કોમ્પ્યુટર સ્ક્રીન જેમાં બોસ સ્કુલ-ટિચરની જેમ બધાની હાજરી લે છે અને પછી કોલેજના પ્રિન્સિપાલની જેમ બધાને ખખડાવે છે.
***
ટીવી
જેમાં ન્યુઝ નવા હોવા છતાં એકના એક લાગે છે, સિરિયલો એકની એક હોવા છતાં રાહત આપે છે અને વેબસિરિઝો ‘લો-ટેસ્ટ’વાળી હોવા છતાં ‘હાઇ-ક્લાસ’વાળા લોકો જુએ છે !
***
મોબાઇલ
સંકટ સમયની એકમાત્ર સાંકળ, જેના વિના લાખો લોકોએ કંટાળીને આત્મહત્યાઓ કરી હોત !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment