મોદી સાહેબને બારમાવાળાનો પત્ર !

હજી પાંચ દિવસ પહેલાંની જ વાત છે. બિચારા બારમા ધોરણવાળાની આગળ-પાછળના ધોરણવાળા બીજા સ્ટુડન્ટો મફતના ભાવે એક્ઝામો આપ્યા વિના માસ—પ્રમોશનમાં પાસ થઇ ગયા ! અને આ બિચારા બારમાવાળાને માથે પરીક્ષાની લટકતી તલવાર હતી ! શું ભણી ગયા એની જ હજી ખબર નહોતી ત્યાં શું ગોખવાનું એ ય સમજાતું નહોતું !

આવા જ એક દુઃખિયારા બારમાવાળાએ દિલની દાઝ કાઢવા માટે મોદી સાહેબને એક પત્ર લખી નાખ્યો હતો. કહેવાય છે કે આ પત્ર વાંચીને જ મોદી સાહેબે બારમાની પરીક્ષા રદ કરવા માટેનો નિર્ણય લીધો હતો !


(એની ગુજરાતી જોડણી સુધારતાં બિચારા પીએમ ઓફિસના કર્મચારીઓ થાકી ગયા હતા ! છતાં અમુક ભૂલો તો રહી જ ગઈ છે.)

***

માનનીય મોદી સાહેબ,

અતિયારે રાતના બે વાગિયા છે. મોબાઈલમાં ચાર ચાર ગેમ રમિયા પછી આંખો અને આંગળાં દુઃખે છે. માથું ભમે છે. છતાં વાંચવાનું મન થતું નથી. એટલે મગજની ફરી ગયેલી પથારીની કરચલીઓ સરખી કરવાની કોસિસ કરીને તમને કાગર લખવાનું મન થયુ છે.

મેઇન વાત સુ છે કે અતિયારે કોઈ બી ઓક્સિજન વગર તડપતા કોરોનાના પેસન્ટ હોય એનાથી બી ખરાબ હાલત બારમાવાળાની થઈ ગઈ છે. એક તો આખા વરસમાં કોઈએ કંઈ હરખું ભણાયું જ નથી ને ઉપરથી મા-બાપે ઘરની બહાર બી ના નીકરવા દીધા એટલે હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે.

સોપારી પરથી યાદ આયુ કે ચંદુલાલના પાનના ગલ્લે મારી બારસો ને સત્તાવીસ રૂપિયાની ઉધારી બોલે છે એટલે એ સાઈડે આંટો મારવા જવાનું બી જોખમ છે કેમકે મારા એક ભાઈબંધને તો ખાલી સાતસો ને પિસ્તાલીની જ ઉધારી છે તો બી એને મારવા લીધેલો. પણ સુ કરીએ. એક્ઝામનું વાંચવા માટે કાચી સોપારી 130 લવલીનો માવો તો ખાવો જ પડે ને. એટલે બીજા એક પાનના ગલ્લે ઉધારી ચાલુ કરી છે.

બાપાને હજી ખબર નથી. એક્ઝામમાં પાસ થઈ જઈસુ તો બાપા કનેથી પાર્ટી કરવાના બહાને રૂપિયા માગીને હિસાબ પતાઈ દઈસ. જોકે પાસ થવાના બી ફાંફાં જ છે. કેમકે અગિયારમા વખતે તો ટુસન ક્લાસમાંથી બી કંઈ પેપરની તૈયારી કરાવતા હતા. આ ફેરી તો ટુસન ક્લાસ જ બંધ.

ભણવાનું તો ખાડામાં ગયુ. પણ સાહેબ, ક્લાસમાં છોકરીઓ આવતી હતી એમની જોડે માંડ માંડ સેટિંગ ગોઠવાયેલુ એ બી તૂટી ગયુ. જેમ તેમ પટાઈને ફોનનંબરો લીધેલા પણ સાલીઓ ફોન જ ઉપાડતી નથી. મેસેજ કરુ તો જવાબમાં ઊંધો અંગૂઠો મોકલે છે.

એમાંની એક તો મારા જેવી જ ઠોઠ હતી. અગિયારમા વખતે મેં એની જોડે પ્રોમિસ લીધેલું કે બારમામાં આપડે રાતે જોડે બેસીને વાંચીસુ. પણ હવે સુ કંકોડા જોડે બેસે ? રાતે નવ વાગે તો કરફ્યુ પડી જાય છે. આ તો એ સવારે સાક લેવા નીકડે ત્યારે જરીક સ્માઇલો જોવા મલે છે. સાલો, સાકવાલો એની જોડે મારા કરતાં વધારે વાતો કરે છે.

બાપા કહે છે કે ફેલ થઇસ તો સાકની લારી કરી આપીસ. સાલા, સાક વેચી ખાજે. બોલો સાહેબ, દેસના યુવાનોનું આમાં સુ ભવિસ્ય બાકી રયુ ? મારે સાકની લારી કરવાનો ય વાંધો નથી પણ યાર, હજુ સરવાડા બાદબાકીમાં જ ભૂલો પડે છે તો સુ કરવાનું. મેથ્સ ફાવતુ જ નહીં.

પેલા સાયન્સવારાને સારુ છે કે એક્ઝામમાં પચાસ માર્ક તો એમસીક્યુના રાખ્યા છે. સાલું અટ્ટે-ગટ્ટે જવાબ આલે તો બી 20-25 માર્ક આઇ જાય. અમારે કોમસવારાને તો લાંબુ લાંબુ ગોખવુ જ પડે. સાયન્સવારાને જો સેટિંગ પાડવા મલે તો એ લોકો મુતરડીમાં બી દિવાલ ઉપર એમસીક્યુના જવાબ લખી સકે. અમે કોમસવારા ક્યાં જઇએ ?

આ ફેરી એક્ઝામ હોલમાં માસ્ક એલાઉ છે એટલે મારો વિચાર છે કે માસ્કની અંદર જ જવાબો લખીને જ. પણ એમાં બી કેટલુ સમાય ? બૂચ વાગી ગયો છે મોટા સાહેબ.

અતિયારે દસમાવારા અને અગિયારમાવારાને જલસા કરતા જોઉં છું તો જીવ બરી જાય છે. ગઇ ફેરી હું અગિયારમામાં જ હતો. ફેલ જ થવાનો હતો પણ મારી ટુસનવારી છોકરી પાસ થઈ જાય તો હું રઈ જઈસ એમ કરીને મેં મહેનત કરી. બાકી, ના કરી હોત તો આ ફેરી વગર એક્ઝામે પાસ થઇ જાતને. પછી આવતા વરસે તો મારાવારી છોકરીને ટુસનમાં પકડી જ પાડત ને. કેમ કે એ બી આ ફેરી તો ફેલ જ થવાની.

સાલુ, મારે સાક વેચવાનો વારો આવસે અને એ જ સાક લેવા આઈ તો ? મારી સી દસા થસે. તમારી સરકારને મારા જેવા પ્રેમીની હાઈ લાગસે. બીજું તો સુ લખુ. જોડની સુધારી વાચજો. કેમકે ગુજરાતીમાં તો હું છેક પાચમાથી ફેલ થઉ છુ પણ એ લોકો જ પાસ કરી દેતા હતા. ચલો, આવજો અને મને બેસ્ટલક કહેજો. ઓકે.

લિ. બિચારો બારમાવારો.

***

જોયું ? આવો ઈમોશનલ પત્ર વાંચીને ભલભલાનાં હૈયાં પીગળી જાય કે નહીં ? અમને લાગે છે કે સાહેબને પણ આ પત્ર વાંચીને હૈયે રામ વસ્યા હશે એટલે તરત જ બારમાની પરીક્ષા રદ કરી દીધી હશે. શું કહો છો !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Bhasha nu murder thai gayu sache aapni education system j bekar 6 ema j dharmul thi ferfar ni jaroor che

    ReplyDelete
    Replies
    1. આ પત્ર ગામડાના અથવા શહેરી સરકારી શાળાની ગુજરાતી ભાષામાં લખાયો છે. શહેરના ઈંગ્લીશ મિડિયમ ગુજરાતીની તો વાત જ કરવા જેવી નથી.

      Delete
  2. અલ્યા ભઇ!! આ બાળકનો મોદી સાહેબ
    ને પત્ર નું ગુજરાતી ખુબ સારું !!??
    આજના ગરબડ દાસ વિધ્યાથિઁ નું ગુજરાતી
    તે પોતેજ વાંચી શકે કે કેમ ??
    તારું લખાણ મારા જેવા બહેનપણી ને જોઇ
    ને જ થોડું ભણતા જેથી પાસ થવાય!!

    ReplyDelete

Post a Comment