આજકાલ સમાચારો પણ કેવા ડાહ્યા-ડાહ્યા આવે છે ! ‘બજારો ખુલી ગયાં…’ ‘બસમાં મુસાફરો દેખાયા…’ વગેરે.
અરે યાર, એક જમાનામાં કેવા જોરદાર સમાચારો વાંચવા મળતા હતા ! આહાહા…
***
આજકાલના સમાચાર
બજારોમાં ઘરાકી ખુલી રહી છે. દુકાનો પાસે સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું…
એ જમાનાના સમાચાર
સાડીના સેલમાં જબરદસ્ત ધક્કામુક્કી… ત્રણ બહેનોને ફ્રેક્ચર થયાં… 139 બહેનોની બંગડીઓ તૂટી ગઈ… સાત પર્સ હજી લાપતા… આહાહા… !
***
આજકાલના સમાચાર
શરૂ થયેલી સિટી-બસ સર્વિસમાં 50 ટકા મુસાફરોના નિયમના લીધે પેસેન્જરોને હાલાકી…
એ જમાના સમાચાર
12 સીટના છકડામાં ભરેલા 32 પેસેન્જરો સાથેનો છકડો રસ્તે રઝળતી ગાય સાથે ભટકાતાં પલ્ટી ખાઈ ગયો… ગાયના માલિક તથા છકડાના ડ્રાઈવર વચ્ચે મારામારી… 45 મિનિટ સુધી ટ્રાફિક જામ… આહાહા… !
***
આજકાલના સમાચાર
સતત ઘરમાં રહેવાના કારણે પરિણીત દંપતીઓ વચ્ચે ઝઘડાનું વધી રહેલું પ્રમાણ…
એ જમાનાના સમાચાર
પુત્રી સાથે દુર્વ્યવહાર કરનાર જમાઈને સસરાએ ચાર રસ્તે મળવા બોલાવી ઢોર માર મારતો વિડીયો ઉતાર્યો… જમાઇએ નોંધાવી ફરિયાદ… વિડીયો થયો વાયરલ… આહાહા !
***
આજકાલના સમાચાર
બગીચાઓ ખુલતાં લોકો હરતા ફરતા, જોગિંગ, કસરતો કરતા દેખાયા…
એ જમાનાના સમાચાર
બગીચામાં ખૂણે ખાંચરે બેસીને પ્રેમલીલા કરી રહેલાં કપલિયાં સાથે તોડ કરવા જતાં નકલી પોલીસો અસલી પોલીસને હાથે ઝડપાયા… તોડના પૈસા અસલી પોલીસ પાસેથી પાછા માંગતાં વકરેલો વિવાદ… ત્રણ મહિલા પ્રેમિકાઓએ એક કોન્સ્ટેબલને જાહેરમાં ઝૂડવા માંડતાં ટોળાં ભેગાં થઈ ગયાં… આહાહા… આહાહા… આહાહા… !
- આને કહેવાય સમાચારો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment