ઓફિસ... તારી યાદમાં !

જે બિચારાઓ હજી વર્ક-ફ્રોમ-હોમમાં ફસાયા છે એમને તો ઓફિસની કેવી કેવી યાદો સતાવી રહી છે !...

***

ઓફિસનું એ એસી…

સાલું, ભરઉનાળામાં ભરબપોરે જ બગડી જાય ! અને પેલો એસી મિકેનીક… મારો બેટો હંમેશાં કહેતો હોય ‘સાહેબ, ઉનાળામાં તો આ તકલીફ રહેવાની, હોં !’

***

ઓફિસનો એ પટાવાળો…

જે ધોધમાર વરસતા વરસાદમાં રેઇનકોટ લઇને જતો અને સૌએ આપેલા 10-10 રૂપિયાના કોન્ટ્રિબ્યુશન વડે ગરમાગરમ વરાળ છોડતા દાળવડા લઇ આવતો !

***

ઓફિસનો એ ઇડિયટ કર્મચારી…

બિચારાની રોજ સવારથી સાંજ સુધી મજાક ઉડાવાતી હોય… છતાં જે દિવસે એ ના આવ્યો હોય એ દિવસે ઓફિસમાં સુનું સુનું લાગે !

***

ઓફિસની એ મહિલા કર્મચારી…

જેની સાથે ફ્લર્ટ કરવા માટે પુરુષ કર્મચારીઓ કંઈપણ સ્ટુપિડ જેવી વાતો કાઢે કે ‘તમે આજે જે સાડી પહેરી છે ને, બિલકુલ સેમ ટુ સેમ સાડી મારી વાઇફ પાસે છે… પણ તમને વધારે સારી લાગે છે ! બોલો...’

***

ઓફિસનાં એ બહાનાં…

‘આજે ઓફિસમાં મોડું થશે, તું જમી લેજે…’ પત્નીને એવો ફોન કરીને પછી દોસ્તો જોડે બેઠકનો ‘પ્રોગ્રામ’ બનાવવો !

***

ઓફિસનાં એ ટિફિનો…

બધાના ટિફીનમાંથી થોડું થોડું ખાવાને બહાને પેટ ભરીને ખાઈ લેવું અને એ બહાને પત્નીની ભંગાર રસોઈ બીજાને પધરાવી દેવી !

***

અને ઓફિસનો એ બૉસ…

જેના વિશે ભદ્દામાં ભદ્દી છતાં સૌથી ક્રિએટિવ જોક્સ બનાવીને કેન્ટિનમાં બેઠાં બેઠાં સૌની તાળીઓ લેવાનો એ પાશવી આનંદ…

સાલું, આવું બધું ઓનલાઇનમાં ક્યાંથી મળે ?

કોઈ લૌટા દે મેરે ઓફિસ કે દિન…

***

- મન્નુ શેખચલ્લી

Comments