સ્કુલો અને કોલેજોમાં જે સતત ‘ઓનલાઇન’ જ ભણ્યા છે, અને જેનાં બિલકુલ ‘ફ્રી’માં માસ પ્રમોશન થઈ ગયાં છે એ લોકોનાં લક્ષણો જ બદલાઇ ગયાં છે ! જુઓ…
***
કોઈ પુસ્તક હાથમાં આવે તો તેની ઉપર આંગળી સરકાવીને ‘ઓપન’ કરવાની કોશિશ કરે છે !
***
‘પબ્જી’ સિવાયની કઈ કઈ ગેઇમ્સ રમવા જેવી છે તેનો પુરો રિસર્ચ કરીને બેઠા છે !
***
હાથમાં પત્તાં લઈને તીન પત્તી રમવાનું ભૂલી ગયા છે ! એ તો ઠીક, એમને લાગે કે ‘કેરમ’ નામની ગેઇમ મોબાઇલ માટે જ શોધાઈ છે !
***
પાનના ગલ્લે ભેગા થાય તો પણ એકબીજા જોડે ‘ઝૂમ’ અને ‘ગૂગલ મીટ’થી વાતો કરે છે !
***
એમના માટે ‘મલ્ટિ-ટાસ્કિંગ’નો મતલબ છે, ચાલુ ઓનલાઇન લેકચર વખતે ગેઇમ રમવી, ચેટ કરવી, મૂવી જોવી અને સાથે સાથે ફેસબુકમાં જઇને ટિચર માટે ફની કોમેન્ટ પણ કરવી !
***
‘એક્ઝામ લીધી હોત તો મારા 90 પરસેન્ટ આવવાના હતા…’ આવું 90 પરસેન્ટ સ્ટુડન્ટોને લાગે છે !
***
અને બાકીના 10 પરસેન્ટ સ્ટુડન્ટોને લાગે છે કે એમની તો ઈજ્જત લૂંટાઈ ગઈ છે !
***
એક વરસના અનુભવે આ બેચવાળાઓએ શોધી કાઢ્યું છે કે કંટાળાથી બચવાના બે જ શ્રેષ્ઠ ઉપાયો છે.
(1) ઓડિયો મ્યુટ (2) કેમેરા ઓફ !
***
‘તમારી સ્કુલ ક્યાં આવેલી છે ?’ અને ‘તમે સ્કુલમાં શું ભણ્યા?’ આ બન્ને સવાલોના જવાબો પણ લોકો ગુગલમાં જ શોધે છે !
***
- અને એકેએક જણ ભગવાનને પ્રાર્થના કરે છે કે ‘ત્રીજી લહેર’ 2022ના માર્ચ એપ્રિલમાં આવે તો કેટલું સારું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment