કેમિસ્ટ્રી લૅબમાં કયામત !

આજકાલ હોસ્પિટલોમાં કંઈ ભેદી રીતે શોર્ટ-સર્કીટો થઈ જાય છે. એમાંય વળી જ્યાં ઓક્સિજનના બાટલા હોય ત્યાં તો સ્થિતિ સ્ફોટક બની જાય છે.

આ હિસાબે જરા વિચારો, જ્યાં લેબોરેટરીમાં જાતજાતના રસાયણો સાથે અખતરા થઈ રહ્યા હોય ત્યાં કેવી દુર્ઘટનાઓ બનતી હશે ? અને એની પાછળનાં કારણો શું હશે ?

અમને મળેલી ગુપ્ત વિડીયો ટેપમાં આવી આવી ઘટનાઓ નોંધાયા પછી જ દુર્ઘટનાઓ બની છે ! સાંભળો…

***

એક જુનિયર સાહેબ તેના પટાવાળાને કહી રહ્યા છે :

‘તેં આ કાચના ચંબુને હલાવેલો? …. નહોતો હલાવ્યો ? અરે, એનાં રસાયણોને બરોબર મિક્સ કરવા માટે ચંબુને હલાવવો પડે. જો, આ રીતે….’

(પછી ધડામ્‌ !!!)

***

એક ધૂની વૈજ્ઞાનિક એના નવા નવા સહાયકને ખખડાવતાં કહી રહ્યા છે :

‘શું તું એમ કહેવા માગે છે કે તેં હમણાં જ શોધેલો આ વાયુ એકદમ સ્ફોટક અને ખતરનાક છે ? બેટમજી, હમણાં જ ખબર પડી જશે. લાવ, પેલી માચિસ આપ તો..’

(અને પછી ધડામ્‌ !!!)

***

આખી લેબમાં અંધારું છે. ત્યાં બે માણસોના આકાર આવતા દેખાય છે. એમાંનો એક કહે છે :

‘સાલી, લાઇટ ગઈ એ પહેલાં અમુક ટાંકીની ચાકીઓ બંધ કરવાની રહી ગઈ હતી. હવે શી રીતે ખબર પડશે કે કઈ ચાકીઓ ખુલ્લી રહી ગઈ ? એક કામ કર… જરા લાઇટર સળગાવ…’

(પછી ધડામ્‌ !!!)

***

જોકે દર વખતે લેબોરેટરીમાં ‘ધડામ’ ના પણ થતું હોય ! ક્યારેક જુદું બને છે. જુઓ…

એક સિનિયર સાહેબ તેના જુનિયરને કહી રહ્યા છે :

‘અલ્યા, તેં ઉદરડા મારવાની દવાની શોધ તો કરી, પણ ધારો કે એ દવાનો સ્વાદ જ ઉંદરોને નહીં ભાવે તો ? લાવ, મને ચાખી જોવા દે…’

(પછી…? ઓમ શાંતિ શાંતિ શાંતિ…)

***

- મન્નુ શેખચલ્લી

Comments