કાચબો અને સસલાની વારતા તો તમે સાંભળી જ હશે. એમાં સસલું ઓવર કોન્ફિડન્સમાં રેસની અધવચ્ચે પહોંચીને ઝાડ નીચે ઊંઘી ગયું હતું અને કાચબો ડગુમગુ ચાલતો આગળ નીકળીને રેસ જીતી ગયો હતો. રાઈટ ?
હવે એનું રિ-મિક્સ વર્ઝન પણ સાંભળો…
***
‘મારી સાથે રેસ કર… હું તને હરાવી દઈશ !’
કાચબાએ એકસો ને અઢારમી વખતે સસલાને ચેલેન્જ ફેંકી. સસલું હવે કંટાળ્યું. તેણે બગાસું ખાતા કહ્યું :
‘ઠીક છે, છેલ્લા છ મહિનાથી તું જીવ ખાય છે તો થઈ જાય રેસ !’
રેસ શરૂ થતાં જ સસલું ક્યાંનું ક્યાંય આગળ નીકળી ગયું. કાચબો ચાલતો રહ્યો. તેને સસલાના ઓવરકોન્ફિડન્સ ઉપર ભરોસો હતો.
ખરેખર એવું જ થયું ! આગળ જતાં સસલું એક ઝાડ નીચે પોચા ઘાસમાં ઘસઘસાટ ઊંઘતું દેખાયું. કાચબો ફટાફટ આગળ ચાલવા લાગ્યો.
પણ આ શું ? થોડી વાર પછી સસલાનું મોટું બગાસું સંભળાયું ! તે આળસ મરડીને જાત જાતના અવાજો કરતો હતો !
કાચબાએ ઝડપ કરી. તે પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો છતાં બમણું જોર લગાવીને ચાલતો રહ્યો.
હજી થોડીવાર થઈ ત્યાં તો પાછળથી કંઈ ખખડાટ થયો. જુએ છે તો સસલું અડધી ઊંઘમાં ડોલતું, લથડિયાં ખાતું આવી રહ્યું હતું !
હવે કાચબાએ હતું એટલું જોર લગાવીને દોડવા માંડ્યું. પણ કાચબો દોડી દોડીને કેટલું દોડે ? બિચારો હાંફી ગયો. ટાંટિયા થાકી ગયા, શ્વાસ અધ્ધર ચડી ગયો, ગળું ફેંફે… થઈ ગયું.
છતાં કાચબો દોડતો રહ્યો. ખૂબ દોડ્યા પછી જરીક ધીમો પડીને પાછળ જુએ છે તો સસલું એક છોડના કુમળાં પાંદડાં ચાવતું દેખાયું !
કાચબાને થયું, આ છેલ્લો મોકો છે ! તેણે જાનની બાજી લગાવી દીધી. એનાં ફેફસાં ફૂલીને ધમણ થઈ ગયાં. પગે ગોટલા બાઝી ગયા, આંખે અંધારા આવી ગયાં… છેવટે માંડમાંડ તે રેસની અંતિમ લાઇને પહોંચી જ ગયો !
પણ આ શું ? અહીં તો કોઈ હતું જ નહીં ! બધાં પ્રાણીઓ જઇ ચૂક્યા હતા. એવામાં સસલું પાછળથી આવીને બોલ્યું :
“બેટમજી ! રેસ તો હું ક્યારનો જીતી ચૂક્યો હતો. આ તો તને દોડાવી દોડાવીને તને તારી હેસિયત બતાડવા માટે જંગલમાં પાછો આવ્યો હતો.”
(પ્લીઝ, આ વારતા કોઈ રાહુલ ગાંધીને કહેશો નહીં.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment