Exit પોલની આગાહીઓ સાચી પડે ત્યારે ખરી પરંતુ નવી ટાઈપના લોકડાઉનને લીધે આપણા જીવનમાંથી અમુક સુવિધાઓની Exit થઈ રહી છે !
આની કેવી અસરો થશે ? જુઓ Exit આગાહીઓ…
***
Exit… પાનના ગલ્લા
જો આવનારા 15 દિવસ સુધી પાનના ગલ્લાઓ બંધ રહેશે તો માવા-મસાલાના બંધાણીઓમાં કબજિયાતની લહેર જોવા મળશે ! આ લહેર બહારથી પ્રગટ થવાને બદલ અંદર જ રહીને દિમાગની સત્તા ઉથલાવવા માટે પ્રચંડ જોર લગાવશે !
આના કારણે દિમાગનું સંતુલન હડબડાઈ જશે અને તેણે માવા-મસાલાનો સ્ટોક મેળવવાની ગેર-રીતિઓ અજમાવીને જરૂરી ટેકો મેળવવો પડશે.
***
Exit… બ્યુટિ પાર્લરો
બ્યુટિ પાર્લરો બંધ થવાથી કુંવારી કન્યાઓનાં ‘ગઠબંધન’ ઉપર મોટો ફટકો પડશે. ફેસબુકમાં નવા ફોટા અપ-લોડ ન થવાથી લાઇકની સંખ્યા લઘુમતીમાં આવી જશે.
ફેસ-રેક્ગિનેશન વડે ખુલતા અમુક મોબાઇલો ડિપોઝિટ ગુમાવશે. સૌંદર્યની સત્તા ટકાવી રાખવા માટે કાકડી, ટામેટાં, હળદર તથા મલાઈ જેવી ઘરેલું ચીજોનો ટેકો લેવો પડશે.
***
Exit…. રેસ્ટોરન્ટો
રેસ્ટોરન્ટોની એક્ઝિટ થતાંની સાથે જ ઘરમાં સૌની જીભ ઉપર ગૃહિણીનું રાજ પ્રચંડ બહુમતીથી સ્થપાઈ જશે !
એટલું જ નહીં, પતિઓને સંસાર મોરચાના સાથી-પક્ષ હોવાનો ફાલતુ દરજ્જો આપીને તેમની પાસે રસોઈ સહાયકનાં મામુલી કામો કરાવવામાં આવશે. જેના ઇનામરૂપે ક્યારેક ઓનલાઇન ઓર્ડર કરેલા પિત્ઝા વગેરે ખાવા મળશે પરંતુ તે છતાં સત્તાધારી ગૃહિણીની ખુશામત તો ચાલુ જ રાખવી પડશે.
***
Exit… પાણીપુરીવાળા
આ મુદ્દે ગૃહિણીઓ આખી ચુનાવ પ્રક્રિયામાં ચિટિંગ કરે તેવી શક્યતા છે. પોતે જ્યારે શાકભાજી લેવાને બહાને ઘરની બહાર જાય ત્યારે ચુપચાપ ભૈયાજીની પાણીપુરી ખાઈ લેશે પરંતુ તે અંગત લાભની વાત ઘરના સાથી પક્ષોથી છૂપાવીને રાખશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment