તમે માર્ક કરજો. આ ‘પેશન’ નામનો રોગ માત્ર કલાકારો, લેખકો કે સ્પોર્ટ્સ-પરસનોને જ થતો હોય છે. એમના મોઢે તમે વારંવાર સાંભળ્યું હશે ‘બચપન સે મુઝે ફિલ્મેં દેખને કા શૌક થા..’ ‘ક્રિકેટ ખેલને કે લિયે મૈં ઘર સે ભાગ જાતા થા…’ ‘ગિટાર ખરીદવા માટે મેં મારી સ્કોલરશીપના પૈસા વાપરી નાંખ્યા હતા…’ વગેરે.
શું તમે કોઇ એકાઉન્ટન્ટના મોંઢે એવું સાંભળ્યું છે કે, ‘બોસ, બાળપણથી જ મને કેલક્યુલેટર એટલું બધું ગમતું હતું કે હું તેને ઓશિકા નીચે રાખીને સૂઈ જતો હતો…’
શું કોઇ ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ એવું બોલ્યો છે કે ‘હું તો પાંચમા ધોરણમાં હતો ત્યારથી જાણતો હતો કે પપ્પા ઇન્કમટેક્સના રિટર્નમાં કેટલું જુઠાણું ચલાવે છે…’
શું કોઈ સરકારી કર્મચારીને એવું કહેતાં સાંભળ્યો છે કે 'સાહેબ હું તો નાનપણથી જ લાંચ લેતાં શીખી ગયેલો ! પડોશવાળા અંકલ ત્રીજા માળવાળી આન્ટી જોડે ચાલુ હતા એ વાત મારી મમ્મીને ના કહેવા બદલ દર રવિવારે હું એમની પાસે કેડબરી માંગતો હતો..'
અમને તો છેલ્લા પંદરેક વરસથી (જ્યારથી આ પેશનના મોટિવેશનનું ચાલ્યું છે ત્યારથી) સવાલ થયા કરે છે કે અલ્યા, કોઈ દહાડો કોમર્સમાં ભણતા છોકરાંવને આંકડાઓનું પેશન કેમ નથી થતું ?
અગાઉ ડોક્ટરોની વાત તો અમે જ કરી હતી કે ડોક્ટરો ડોક્ટર શી રીતે બને છે ? જવાબ છે, ઢગલાબંધ માર્કસ લાવીને ! એ જ રીતે શું તમે મિકેનિકલ એન્જિનિયરીંગમાં ભણતા કોઇ સ્ટુડન્ટને અમદાવાદના 128 વરસ જુના, ટોટલ લોખંડ વડે બનેલા એલિસબ્રિજ પાછળ પાગલ થયેલો જોયો છે ? ના !
શું કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગના સ્ટુડન્ટને ટોરેન્ટ પાવરના અઢી હજાર કિલોવોટના ટ્રાન્સફોર્મરની બાજુમાં સૂઈને આખી રાત ગુજારતો જોયો છે ? અરે, કોઇ સિવિલ એન્જિનિયરીંગનો એક એવો સ્ટુડન્ટ શોધીને બતાડો જે પેલા સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જ્યારથી બનવાનું શરૂ થયું ત્યારથી મનોમન બાધા રાખીને ત્યાં દર પૂનમે દર્શન કરવા ગયો હોય ?
તમને થતું હશે કે મન્નુભાઈ, આ તો બધા મેડનેસનાં લક્ષણો છે ! તો ચાલો, સિરિયસલી વિચારી જુઓ, શું સિવિલ એન્જિનિયરીંગના સ્ટુડન્ટે માત્ર ચોપડીઓ જ ગોખવાની છે ? દુનિયાભરનું સૌથી ઊંચું સ્ટ્રક્ચર આપણા જ ગુજરાતમાં ઊભું થતું હોય તેના માટે ‘પેશન’ તો છોડો, જિજ્ઞાસા પણ ના હોય ? (જિજ્ઞાસા એટલે ક્યુરિયોસિટી. આવું એમને સમજાવવું પડે, કેમ કે એ તો ઇંગ્લીશમાં જ એન્જિનિયરીંગ કરતા હોય ને !)
આમાં પાછું ‘બાળપણનું સપનું’ એવું બધું મિક્સ-અપ ના કરતા. બાળપણમાં તો બધાને પાયલોટ બનવાનાં સપનાં આવતાં હોય પણ એમ કંઇ ધાબા ઉપર પ્રેક્ટિસ કરવા માટે વિમાનો ફ્રીમાં થોડા મળે છે ? બાળપણમાં તો ડોક્ટર-ડોક્ટર રમતી વખતે છોકરાઓ છોકરીઓને ઇન્જેક્શનો આપતા હોય છે ! (એ વખતે ઇરાદો તો કંઈ બીજો જ હોય !) છતાં એ બાબલાઓ કંઈ ડોક્ટર નથી બની જતા.
એમ તો આજકાલનાં પાંચ-પાંચ વરસના ટેણિયાંઓ પણ લેટેસ્ટ મોડલના મોબાઇલો મચડતાં શીખી ગયાં છે, તો તમને શું લાગે છે, આવનારી પેઢીમાં લાખોની સંખ્યામાં આઇટી એક્સ્પર્ટો નીકળી આવશે ? ના ભઇ ના.
હરીફરીને સવાલ ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ બધાં પેશનો બિચારા એકટરો, ગાયકો, સ્પોર્ટ્સવાળા અને ફિલ્મવાળાને જ કેમ વળગે છે ? પેલા કરસનભાઈ પટેલ એક જમાનામાં સાઇકલ લઇને ઘેર ઘેર વોશિંગ પાવડર વેચતા હતા તે આગળ જઇને નિરમા વોશિંગ પાવડર જેવી મોટી બ્રાન્ડના માલિક થયા એને જો ‘પેશન’ કહેવાતું હોય તો રોજ સવારે આપણી સોસાયટીમાં જે પેલો છોકરો લારી લઇને કેળાં વેચવા માટે બૂમો પાડે છે એને કદી ઇન્ડિયાના ‘બનાના-કિંગ’ બનવાનું સપનું નહીં આવતું હોય ? કે રાજ્જા, આખ્ખા ઇન્ડિયાની બહેનો મારે ત્યાં જ કેળાં લેવા લાઇનો લાગડશે !
સોરી, આ જરા વધારે પડતું થઇ ગયું, પણ શું આજે પાનના ગલ્લે ઊભા રહીને માવાની પિચકારી મારતા કોઇ નવરા ભૂરા કે બકાને એવું પેશન નહીં થતું હોય કે બોસ, એક જમાનામાં આપડી આખા ઇન્ડિયામાં પાનના ગલ્લાની ચેઇનો હોય ?
આપણું માનવું એક જ છે કે આ પેશન-બેશન એવા જ સબ્જેક્ટોમાં થાય છે જેની વ્યવસ્થિત કોલેજો નથી હોતી. એટલે જ તમે જુઓ ને, આ પોલિટીશીયનોનાં કેવાં જોરદાર પેશનો હોય છે ? આપણે તો હજાર રૂપિયાનો દંડ લાગે એ ડરથી માસ્કો પહેરીને ફરતા હોઇએ પણ એ લોકો પેશનના માર્યા કેટલું મોટું રિસ્ક લઇને ખુલ્લાં મોઢે ફરતા હતા ?
- અને સાચી વાત કહું ? નેતાઓમાં આટલું પેશન છે એટલે જ એમાંથી કોઈ ખાસ આવા ખતરનાક કોરોનામાં મરતું પણ નથી ! સો વરસના થજો…
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
😆😆😆
ReplyDeleteMast lavya bapu pilot banva dhaba par viman free male prectice karva🤣🤣
ReplyDeleteThanks for the compliment !
Delete