ના, આ તો સ્હેજ...

આજકાલ દેશની હાલત વિશે ચર્ચા કરતાં કરતાં અમુક લોકો બહુ ઉશ્કેરાઈને લાંબી લાંબી દલીલો કરતા થઈ ગયા છે. જોકે અમને તો સ્હેજ ટકોર કરતાં જ આવડે છે !

***

બંગાળની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસીઓ બહુ ગેલમાં આવી ગયા છે કેમકે ભાજપને માત્ર 77 સીટો મળી છે.

જોકે પોતે એ વાત ભૂલી જાય છે કે કોંગ્રેસને 110 સીટોમાંથી માત્ર ‘શૂન્ય’ સીટ મળી છે ! આ તો સ્હેજ…

***

કંગના રાણાવતનો ટ્વીટર એકાઉન્ટ એટલા માટે બંધ કરવામાં આવ્યો કે તેણે હિંસા ભડકાવે તેવાં નિવેદનો કરતો વિડીયો મુક્યો હતો.

એકાઉન્ટ બંધ થયા પછી એ જ વિડીયો બીજા સોશિયલ મિડીયામાં વાયરલ થઈ ગયો અને કરોડો લોકોએ જોયો ! તો દેશમાં હિંસા ભડકી ખરી ? ના ના, આ તો સ્હેજ…

***

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે નિર્ણયો લેવામાં વિલંબ કર્યો તેથી કોરોનાની સ્થિતિ બગડી છે.

સાચી વાત છે રાહુલજી ! તમારી જ પાર્ટીને પોતાના પ્રમુખ કોને બનાવવા એ નિર્ણય કરતાં ચાર ચાર મહિના લાગી ગયા હતા, એ ભૂલી ગયા ? આ તો સ્હેજ…

***

પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપને ધારી સફળતા મળી નહીં.

એ તો બરોબર, પણ આ વખતે EVM મશીનોમાં ગડબડ થવાના કોઈ આરોપો કેમ નથી થયા ? ના ના, આ તો સ્હેજ…

***

બિલ ગેટ્સના છૂટાછેડા થશે પછી તે સૌથી ધનવાનોનાં લિસ્ટમાં ચોથા સ્થાનેથી સીધા સાતમા સ્થાને ઉતરી જશે.

આ સાંભળીને મુકેશ અંબાણી નીતાભાભીને કમ સે કમ બે વાર તો ‘આઇ લવ યુ’ કહેતા થઈ ગયા હશે, નહીં ? ના ના, આ તો સ્હેજ…

***

- મન્નુ શેખચલ્લી

Comments