શરમ તો આવવી જ જોઈએ !

એક ક્રિકેટર, નામે એન્ડ્રુ ટાઈએ, બળાપો કાઢતાં કહ્યું છે કે ભારતમાં જ્યાં લોકો મરી રહ્યા છે ત્યાં IPLની ટીમોના માલિકો મેચો રમાડી રહ્યા છે એ શરમની વાત નથી ?

પહેલાં તો અમને થયું, હા બોસ, વાત તો સાચી. પછી થયું, બોસ, જો આ મેચો ના રમાડી હોત તો શું લોકો મરતાં બચી જવાના હતા ? કંઇક તો લોજિકવાળી વાત કરો ?

હમણાં હમણાં લોકો એવું પણ કહી રહ્યા છે કે દેશમાં કોરોના ફેલાઈ રહ્યો હતો ત્યારે મોદી સાહેબ દાઢી વધારી રહ્યા હતા ! લો બોલો. શું મોદી સાહેબે દાઢી કપાવી નાંખી હોત તો કોરોના અટકી જવાનો હતો ? યાર, કેવી વાત કરો છો ?

પેલા નવાઝુદ્દીન સિદ્દકી નામના એકટરે પણ કોમેન્ટ કરી છે કે બોલીવૂડના ફિલ્મસ્ટારો જે વિદેશમાં વેકેશન માણવા ગયા છે એમણે પોતાની તસવીરો સોશિયલ મિડીયામાં મુકીને બિચારા સામાન્ય લોકોને જલાવવા ના જોઈએ !

અમને ફરીથી થયું કે યાર, વાત તો સાચી છે. પછી વિચાર આવ્યો કે નવાઝુદ્દીનને આ ફોટાની ખબર ક્યાંથી પડી હશે ? હકીકતમાં એ ભાઈ ઘરમાં બેઠાં બેઠાં ત્રણ દહાડાથી વધેલી દાઢી ખંજવાળતાં કંટાળ્યો હશે ત્યારે એને થયું હશે કે અલ્યા, પેલાં મસ્ત કપલિયાં ફોરેનમાં ફરવા ગયાં છે એ શું કરે છે ? જરા જોઈએ તો ખરા ? ભાઈએ ફોટા જોયા જ ના હોત (અને પોતે જલ્યા ના હોત) તો કદાચ એમને ‘જલન’વાળી કોમેન્ટ સુઝી ના હોત ને ?

તમે કહેશો કે મન્નુભાઈ, જ્યાં લોકો મરી રહ્યા છે ત્યાં આપણે આવા જલ્સાઓ તો ના કરવા જોઈએ ને ? વાત સાચી, પણ મારા સાહેબો, આખો દહાડો ટીવી ન્યુઝમાં ટિટિયારો કરતી ન્યુઝ-કાબરો અને ખબર-કાગડાઓની ચીસો સાંભળીને કાન પાકી ગયા હોય ત્યારે સાંજે માંડ બે ચાર કલાક મેચ જોવાથી મનને થોડી ‘ત્રાસ-રાહત’ થતી હોય તો IPLની મેચોમાં ખોટું શું હતું ?

હા, આ તો ખુદ ક્રિકેટરોના પગ નીચે કોરોનાનો રેલો આવ્યો એમાં આઇપીએલ કેન્સલ થઈ ગઈ. આમાં પેલા શરમ કરાવનારા ક્રોધિત લોકોને તો 'કવિન્યાય' દેખાતો હશે કે જોયું ? આપણે કેવી મેચો બંધ કરાવી દીધી !

આવા લોકો મોલ બંધ થવાથી, રેસ્ટોરન્ટો બંધ થવાથી, કોલેજો બંધ થવાથી તથા ફિલ્મો રિલીઝ ન થવાથી સૌને પોતાના દુઃખમાં ઢસડી લાવવાનો હરખ મનાવતા હશે, નહીં ?

રહી વાત બીજાના મરણમાં સમદુઃખિયા થવાની, તો ભાઈ, જ્યારે પોતાનું સ્વજન મરી જાય ત્યારે સામે બત્રીસ પકવાન પડ્યાં હોય તોય કશું ભાવતું નથી. છતાં જો આપણા વડીલ પુરું જીવન જીવીને ગયા હોય તો બારમાના દિવસે સૌને લાડવા ખવરાવવાનો રીવાજ છે કે નહીં ? ભૈશાબ, એ રીવાજનો હેતુ જ એ છે કે જનારા હતા તે ગયા, હવે એમનો શોક પુરો કરો અને પોતાની જિંદગીમાં પાછા ફરો ! જિંદગીની મીઠાશ માણો !

પણ ના ? અમુક લોકોને સ્મશાનના ડાઘુ જેવું મોં લઇને જ આખું આયખું કાઢવું છે. એમને તો થતું હશે કે આ મન્નુડામાં સંવેદના જેવું કંઈ છે કે નહીં ? માણસમાં શ્યુગર કેટલું છે, પ્રેશર કેટલું છે એ માપવાના ટેસ્ટ છે પણ સંવેદના માપવાના ટેસ્ટો હજી શોધાયા નથી. (આવું કોઈ ચિંતનકારે લખ્યું હોય તો બધા વાહ વાહ કરે !)

જોકે પોતાની જાતને દુઃખી કરીને બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં ગાંધીજી ચેમ્પિયન હતા. યાદ કરો, નોઆખલિમાં કોમી રમખાણો ફાટી નીકળેલાં ત્યારે ગાંધીજીએ શું કરેલું ? આમરણાંત ઉપવાસ ! અને બોસ, રમખાણો ખરેખર બંધ થઈ ગયેલાં !

અમને પણ થયું કે ગાંધીજીમાંથી અમારે પ્રેરણા લેવી જોઈએ. જેમ કે, દેશમાં આજે લાખો લોકોને કોરોનાની અસરથી જીભમાં સ્વાદ નથી આવતો ત્યાં અમે ઘરમાં બેસીને સ્વાદિષ્ટ દાળ-ભાત રોટલી-શાક ઝાપટીએ છીએ તે કંઈ સારું લાગે છે ? શરમ આવવી જોઈએ !

અમે તરત નિર્ણય લઈ લીધો. પત્નીને કહ્યું, મારી રસોઈમાં મીઠું, મરચું, મસાલો, ખાંડ, ગોળ કશું નાંખવાનું નહીં ! આજે અમારા આ મોળા સત્યના પ્રયોગના પાંચમો દિવસ છે. જોઈએ, દસેક દિવસમાં તો પાંચેક હજાર લોકોનો સ્વાદ પાછો આવી જ જશે !

એ જ રીતે અમે વિચાર્યું, અરેરે, જ્યાં લાખો લોકોને નાકમાં ગંધ નથી આવતી ત્યાં અમને નાકમાંથી ગૂંગા કાઢતાં શરમ નથી આવતી ?

અમે તાત્કાલિક નિર્ણય લીધો. લસણ, ડુંગળી, બટાકા, વાલની દાળ એવા ગંધ પેદા કરતાં પદાર્થોનો ત્યાગ ! નાકમાં રૂનાં પૂમડાં ખોસીને ઉપર બબ્બે માસ્ક પહેરીને ટાઇટ મફલર બાંધીને બેસી રહેવાનું ! લાખો લોકોનાં નાકનો સવાલ છે ભાઈ !

ઇન ફેક્ટ, અમને લેટેસ્ટ શરમ એ વાતની આવી રહી છે કે જ્યાં દેશમાં હજારો લોકો ઓક્સિજન માટે ટળવળી રહ્યા છે ત્યાં અમે સોફામાં બેઠાં બેઠાં શ્વાસ શેના લઈ રહ્યા છીએ ? એ પણ ઓક્સિજનવાળો ? શરમ આવવી જોઈએ !

બસ, હવે અંદરથી એક પ્રેરણાનો જબરદસ્ત ધક્કો લાગે એટલી જ વાર છે, અમે શ્વાસ લેવાનું પણ બંધ કરી દેવાના છીએ.

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. અનહદ રીતે આપણી સંવેદનાઓ બુઠ્ઠી થઈ જ ગઈ છે. તમે આટલું સચોટપણે વ્યક્ત કર્યું તો આ તમારી ૧૦૦% પ્રામાણિક વાતમાંથી એકપણ જણ આમાંથી ધડો લઈને પોતાનાં વિચારો અને વર્તન સુધારે તો તમારો આ અજંપો લેખે લાગે, લલિતભાઈ !

    ReplyDelete

Post a Comment