બિલ ગેટ્સને પત્ર !

ડિયર બિલભાઈ !

યાર, તમે અમારા ગુજરાતીઓના ‘ગ્લોબલ આઇડોલ’ છો. (ઇન્ડિયન આઇડોલ તો અંબાણી, અદાણી અને હર્ષદ મહેતા છે.) પણ યાર, તમે આ શું માંડ્યું છે ? મેલિન્ડાભાભીને છૂટાછેડા આપવાના છો ?

ભૈશાબ, આનો કંઈ રસ્તો કાઢો ! મેલિન્ડાભાભીને તકલીફ શું છે ? એમને જુદા રહેવું છે ? તો યાર, તમારી કને તો ડઝનબંધ શાનદાર બંગલાઓ છે. બે-ચાર ભાભી માટે કાઢી આપો ? એમાં વળી ડિવોર્સ લેવાની ક્યાં જરૂર છે ?

અચ્છા, ભાભીને પૈસા જોઈએ છે ? તો બોસ, એમના નામે પાંચ-દસ કંપનીઓ ખોલી નાંખો ને ? ધંધો કરતા હોય એમ કર્યે રાખવાનો પણ નામ ભાભીનું ! એમાં શું ? અમારા ઇન્ડિયામાં તો બધા બિઝનેસમેનો આવું જ કરે છે.

ધારો કે મિલિન્ડાભાભીને ખરેખર પોતાની રીતે કોઈ બિઝનેસ ‘જાત્તે જ’ ચલાવવો છે ? તો બે ચાર ફૂટબોલ ટીમો કે રગ્બી ટીમો ખરીદીને ગિફ્ટમાં આપી દો ! અમારા ઇન્ડિયામાં પણ બધા આવું જ કરે છે !

શું ભાભીને કોઈ પૈસા કમાવા સિવાયની 'એક્ટિવીટી' કરવી છે ? તો દસ બાર એનજીઓ પકડાવી દો ! તમે તો યાર, ઇન્ટરનેશનલ પાર્ટી છો. ધારો તો આફ્રિકા, નાઇજિરીયા, ઇજિપ્ત, બાંગલાદેશ, બ્રાઝિલ… એવા ભિખારી દેશોમાં 500 એનજીઓ ખોલી શકો છો !

અહીં ઇન્ડિયામાં પણ બહુ ગરીબો મળશે. અહીં તો જથ્થાબંધના ભાવે ગરીબો સપ્લાય કરતા એજન્ટો પણ છે ! જતે દહાડે ભાભીને ઇલેક્શનમાં ઊભા રહેવું હોય તો બી જોરદાર સ્કોપ છે !

પણ છૂટાછેડા ? બોસ, કંઈક તો વિચારો ?

અચ્છા, તમારું કે ભાભીનું કોઈ અલગ અલગ લફરં તો નથી ને ? તમારા બન્નેના ડાચાં અને બોડી જોતાં એવું લાગતું તો નથી.

બાકી બિલભાઈ, એક વાત ઉપર અમે માની ગયા ! તમે કઈ જાતનું એડવાન્સ પ્લાનિંગ કરેલું કે ભાભીને તમારી મિલકતના માંડ વીસ ટકા જ હાથમાં આવશે ?

યાર, આ અમારા બિઝનેસમેનોને શીખવાડોને ? તમે કહેતા હો તો ઇન્ડિયામાં આ કોર્સના ક્લાસ ચાલુ કરાઈ દઈએ ! શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments