લો, હવે IPLની મેચો કેન્સલ થઈ ગઈ. જોકે સરકારને હજી ખબર નથી કે આની પણ કેવી કેવી સાઈડ ઇફેક્ટો થવાની છે…
***
બિચારા ક્રિકેટરસિયા પતિઓ (તથા અન્ય કહેવાતા સુખી પુરૂષો)ની હાલત ખરાબ થવાની છે. સાડા સાત વાગતાં જ બેચેની અકળામણ તથા મુંઝારો શરૂ થઈ જશે… આઠ સાડા આઠ પછી તો ના છૂટકે સિરિયલો (એ પણ રિપીટ) જોવી પડશે. તેના લીધે ઉબકા, ઉલ્ટી તથા ચીડ-ગુસ્સાનાં લક્ષણો પ્રગટ થશે… બહાર કરફ્યુ હોવાથી ઘરમાં ને ઘરમાં આંટા મારતાં મારતાં દિવાલોમાં માથાં પછાડવાના લક્ષણો ઘણાઓમાં પ્રગટ થઈ શકે છે.
***
સિરિયલ રસિયણ પત્નીઓ (તથા અન્ય કહેવાતી દુઃખિયારી મહિલાઓ)ને ઘણી રાહત જેવું લાગશે. ક્રિકેટમેચનો પ્રેક્ષકો વિનાનો ઘોંઘાટ બંધ થશે પરંતુ સિરિયલોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ શરૂ થવાથી કાન તથા મનની સ્થિતિ હતી એવીને એવી થઈ જશે. હા, ઢીલો પડી ગયેલો પતિ સિરિયલ જોતાં જોતાં શાક સમારતાં હતાશામાં ક્યાંક પોતાની આંગળી કાપી ના બેસે તેનું ધ્યાન રાખવું ! નહિતર વાસણ કોણ ઘસી આપશે ?
***
બુકીઓ તથા પંટરોની હાલત અતિશય વકરી શકે છે. મેચનો સ્કોર બંધ થવાથી તેઓ બિચારા કોરોનાના મોતના સ્કોર અથવા વધતા ઘટતા કેસના સ્કોર ઉપર સટ્ટો રમતા થઈ શકે છે.
***
ક્રિકેટરોની પત્નીઓને મિક્સ રિ-એક્શનની અસર થશે. અગાઉ સતત જે પરસેવાથી ગંધાતા અને ગરમીમાં મેચ રમીને થાકેલા પતિઓ મળતા હતા તેના બદલે ફરી ન્હાયેલા ધોયેલા અને ફ્રેશ પતિઓ મળતા થશે... પરંતુ સાવધાન ! નાઇટ કરફ્યુના કારણે વિરાટ કોહલીની જેમ તેઓ પણ અણધાર્યા પિતા બની શકે છે !
***
સૌથી ખરાબ હાલત ક્રિકેટરોની થશે. કેટલા રૂપિયાનો લોસ થયો તે ગણતાં ન આવડવાથી કેલક્યુલેટરો, મોબાઇલો, લેપ-ટોપો તથા ટીવીની તોડફોડ કરી શકે છે....
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment