બોલિવૂડ ડાન્સને ‘ફ્રી ફ્લોઇંગ’ ડાન્સ કહેનારી ગોરી મહિલાઓને કહેવાનું મન થાય કે બહેન, અસલી ફ્રી ફ્લોઇંગ ડાન્સ જોવો હોય તો ગુજરાતમાં આવો ! અહીં નવરાત્રિ વખતે જે વિવિધ નર-નારીઓનાં છૂટથી વહેતાં સ્ટેપ્સ જોશો તો તમે મોંમાં આંગળાં નાંખી જશો કે ઓહોહો, ‘ગોર્રબા હેઝ સો મેની સ્ટેપ્સ ?!’
જીહા, માંડ ચાલીસેક વરસ પહેલાં જ્યાં શેરી ગરબામાં બે જ સ્ટેપ હતાં, એક તાળી અને તીન તાળી, ત્યાં આજે સોળ-સોળ અઢાર-અઢાર ફ્રી ફ્લોઇંગ સ્ટેપ્સ થઇ ગયાં છે ! મઝાની વાત તો એ છે કે બાળકથી માંડીને બુઢ્ઢા-બુઢ્ઢી સહિતનાં તમામ લોકોને એક જ ઠેકાણે ‘પોતાને આવડે એવાં’ સ્ટેપ્સ કરવાની છૂટ છે ! (આવું વર્લ્ડના કોઈ બીજા લોકનૃત્યમાં નથી, બોસ.)
આમાં મૂળ કારણ શું, કે ગુજરાતીઓને ગુજરાતી થાળીની ટેવ ! શાક ત્રણ જાતનાં, ફરસાણ બે જાતનાં, મીઠાઈમાં બે ચોઇસ અને રોટલી, ભાખરી, રોટલો ઉપરાંત દાળ, કઢી અને છાશ પણ થાળીમાં જ જોઈએ, એ જ રીતે ગરબામાં પણ એક સાથે અઢાર જાતની સ્ટાઇલો ચાલતી જ રહેવી જોઇએ !
તમે માર્ક કરજો, શરૂઆતમાં માતાજીના બે ગરબા ગવાય ત્યાં લગી બધા ડાહ્યાં ડમરા થઇને એક મોટું કુંડાળું બનાવીને સરખે સરખાં સ્ટેપ કરશે પણ જેવું ઓરકેસ્ટ્રા સ્પીડ પકડે કે તરત એક કુંડાળામાંથી ચાર કુંડાળાં, પછી આઠ ટોળકી અને પછી તો હેય… ને જેને જેમ ફાવે તેમ નાચવાની છૂટ ! બસ, તમારા જેવી ‘એકશન’ કરનારાં મિનિમમ ત્રણ-ચાર જણાં હોય તો ‘જરા સારું લાગે’…
બાકી, એકલા એકલા આખા ગ્રાઉન્ડમાં વગર તલવારે ધીંગાણું કરવા ઉતર્યા હો તેમ તીતીઘોડા-સ્ટેપ જેવાં ઠેકડા મારશો તોય તમને કોઇ રોકશે નહીં ! ઉલ્ટું, તમારો વિડીયો વાયરલ થઇ જશે ! આ તો ઠીક, પણ કોઇ ધોળિયાને તમે કહો કે બોસ, નવરાત્રિના પંદર દહાડા પહેલા અહીં ગરબાના ‘ક્લાસિસ’ પણ ચાલુ થઈ જાય છે તો એ કહેશે ‘વાઉ ! રીયલી ? ધેટ્સ વંડરફૂલ !’
હવે બોલો, દુનિયામાં આજે ‘જીવંત’ હોય એવું આના જેવું બીજું કોઈ ‘લોકનૃત્ય’ છે ખરું ? કમનસીબી માત્ર એટલી જ કે હિન્દી ફિલ્મોના કુરિયોગ્રાફરોએ આ નૃત્યકલાને પુરતો મોકો હજી નથી આપ્યો. (ભૈશાબ, હિન્દી શું, ગુજરાતી ફિલ્મમાં પણ ક્યાં સરખા ગરબા થયા છે ? એક ‘હેલ્લારો’ને છોડી ને !)
બોલિવૂડ ફિલ્મોના ડાન્સની વાત કરીએ તો એનો ઇતિહાસ પણ આપણા ગરબા જેવો જ છે. સાઇગલના જમાનામાં તો હીરો-હીરોઇનો જાતે જ નાકમાંથી ગાતાં અને ઊભાં ઊભાં જરીક હલતાં !
એ પછી જ્યારે પદ્મિની, વૈજયંતીમાલા, વહીદા રહેમાન અને આશા પારેખ જેવા ભરતનાટ્યમ્ જાણનારી હીરોઇનો ફિલ્મોમાં આવી ત્યારે ખાસ એમની નૃત્યકલાનો ઉપયોગ કરવા માટે ફિલ્મમાં એકાદ ‘સ્ટેજ-ગાયન’ આવતું ! એમાં હીરો-હીરોઇનનાં સગાંવ્હાલાં મફતના પાસ લઇને આગળની લાઇનોમાં બેસતા અને હીરોઇન એની સખી સહેલીઓ સાથે વિવિધ વેશભૂષા કરીને સ્ટેજ ઉપરથી નૃત્ય-ગીત રજુ કરતી. (એનાં રિહર્સલો કરવા માટે ઘરેથી મમ્મી અથવા સાસુજીને કહ્યા વિના ક્યારે જતી રહેતી તે આપણને ફિલ્મમાં બતાડતા નહોતા.)
એ જમાનામાં ભલભલા સુપરસ્ટારો હીરો લોગ પણ ઝાઝી કસરત કરવામાં માનતા નહોતા. પેલી નૂતન બિચારી ‘વો ચાંદ ખિલા, વો તારે હંસે…’ એવું ગાતી ગાતી આઘી જાય, પાછી આવે, હિંચકા ઉપર બેસે, ફૂદરડી ફરે, ચોટલો હવામાં ઘુમાવે… છતાં રાજકપૂર સાહેબ માત્ર એક હાથ ઊંચો કરવાની તસ્દી લઇને ફક્ત આટલું જ બોલે ‘ના સમઝે વો અનાડી હૈ !’
એમ તો બધા જ હીરો પૂતળાં-છાપ હતા પણ દિલીપ કુમારે જ્યારે ખરેખર નાચવાનું હોય ત્યારે મહેનત કરવામાં કસર છોડી નહોતી. જેમ કે ‘ગંગા જમના’નું ‘નૈન લડ ગૈ હૈ…’ અથવા ‘સંઘર્ષ’નું ‘મેરે પૈરોં મેં ઘુંઘરું બંધા દે…’
બીજી બાજુ મનોજ કુમારની તો વાત જ નિરાળી હતી. બીજા ડીરેક્ટરો માટે તો એણે થોડું ઘણું બોડી હલાવ્યું હતું પણ પોતે જ્યારથી પ્રોડ્યુસર બની ગયો પછી તો એવી ‘સ્થિર ડાન્સ ભંગિમાઓ’ શોધી કાઢી કે આજે તેની મિમિક્રી પચ્ચીસ વાર જોયા પછીયે હસવું રોકાતું નથી ! બોલો.
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Sahi pakde hai
ReplyDelete