લો સાંભળજો ! કહે છે કે રેમડેસિવિર અને સીટી સ્કેનની પણ ખતરનાક સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે !
જોકે તમને ખ્યાલ નહીં હોય, પરંતુ એ સિવાય પણ ઘણી ચીજોની સાઇડ ઇફેક્ટો છે…
***
માસ્કની સાઇડ ઇફેક્ટ
પહેરેલા માસ્ક સાથે સળંગ ચાર છીંકો આવી જાય પછી સમજાતું નથી કે માસ્ક કાઢી નાંખવું…? કે એ જ માસ્કમાં નાક રાખીને શ્વાસ લેવાનું ચાલું રાખવું ?
***
સેનિટાઇઝરની સાઇડ ઇફેક્ટર
સેનિટાઇઝર વડે હાથ સાફ કર્યા પછી જ્યારે પાકિટમાં બચેલા પૈસા ગણીએ છીએ ત્યારે વિચાર આવી જાય છે કે સાલું, અહીં કોણ હાથ સાફ કરી જાય છે ?
***
ટીવી ન્યુઝની સાઈડ ઇફેક્ટ
સતત ન્યુઝ જોયાપછી કન્ફ્યુઝ થઈ જવાય છે કે હવે યમરાજાને પ્રાર્થના કરીએ કે ભગવાનને ?
***
ઇમ્યુનિટીની દવાઓની સાઇડ ઇફેક્ટ
આમાં પણ એજ કન્ફ્યુઝન થાય છે… આ દવાઓ ટીવી ન્યુઝ જોયા પહેલાં લેવાની ? ...કે ન્યુઝ જોયા પછી ?
***
IPL મેચની સાઇડ ઇફેક્ટ
સેઇમ ટાઇપનું કન્ફ્યુઝન… મેચો જોતાં શરમ નથી આવતી ? કે પછી, હાશ, મેચો પોસ્ટપોન થઈ એટલે બિચારા ક્રિકેટરો તો બચી જશે ?
***
ચૂંટણીના રિઝલ્ટોની સાઇડ ઇફેક્ટ
મિક્સ છે ! અમુક લોકોને અચાનક ખુબ જ ટાઢક થઈ ગઈ છે ! અને અમુક લોકોને હજી બળતરા થાય છે !
***
ઉકાળા – કાઢા પીવાની સાઈડ ઇફેક્ટ
એક જ છે…. સરકારની, હોસ્પિટલોની, ડોક્ટરોની, ફિલ્મ સ્ટારોની, પૈસાદારોની…. ગમે તેની ટીકાઓ કરવા માટે ગળું સરસ ખુલેલું રહે છે !
***
સોશિયલ મિડીયાની સાઇડ ઇફેક્ટ
દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની બધી જ સમજ ઘરના સોફામાં બેઠાં બેઠાં આપણને પડી રહી છે એવો સુપર કોન્ફિડન્સ આવી જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment