હળવા લલિત-નિબંધની બે ત્રણ શરતો હોય છે. એક, તે વાંચવામાં કે સમજવામાં જરાય ‘હલકો’ ન હોવો જોઈએ. બલ્કે, જરા ‘ભારે’ હોવો જોઈએ. બે, તેમાં સીધાસાદા શબ્દોને બદલે ભારેખમ અને સંસ્કૃત જેવા શબ્દો વાપરવાના હોય છે, અને ત્રણ, એમાં જેના વિશે લખતા હોઇએ તેનું નામ લગભગ દર ત્રીજા વાક્યે આવતું જ રહેવું જોઈએ. ઓકે ? તો શરૂ કરીએ ?....
માસ્ક આજકાલ એક એવા ‘થ્રિ-ટાયર’ વસ્ત્રને કહેવામાં આવે છે જે માણસના નાક, મોં તથા દાઢીને છૂપાવીને તેને નરી આંખે ન જોઈ શકાય તેવાં કોઈ ખતરનાક, જાનલેવા તથા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ-પ્રાપ્ત જીવાણુઓ સામે રક્ષણ આપવાનો ભ્રમ પેદા કરે છે. (આવું લાંબુ વાક્ય શરૂઆતમાં જ લખવું પડે) પૌરાણિક કથાઓમાં તથા નાટ્ય-જગતમાં માસ્કનો મૂળ અર્થ ‘મહોરું’ થાય છે. કોઈ ફિલસૂફે કહ્યું છે કે માણસ-માત્ર એક મહોરું લઈને જન્મે છે. તો વળી મહોરાં ઉપર મહોરું ચડાવવાનો શો અર્થ ? (આવું ફિલોસોફીકલ હાસ્ય પણ પીરસવું પડે.)
એક જમાનામાં બીજાની સંપત્તિ લૂંટી લેનારા ડાકુઓ તથા બહારવટિયાઓ મોંઢે બુકાની બાંધીને નીકળતા. ત્યારબાદના જમાનામાં શહેરની યુવતીઓએ બુકાની બાંધીને સ્કુટી ઉપર નીકળવાનું ચાલુ કર્યું. કહેવાય છે કે આ યુવતીઓ યુવકોનાં દિલ લૂંટવા માટે નીકળતી હતી. હાલમાં સ્થિતિ એ છે કે ડોક્ટરો તથા નર્સો માત્ર માસ્ક જ નહીં પરંતુ પુરેપુરી પીપીઈ કીટ પહેરીને દરદીના સગાંવ્હાલાંઓને લૂંટવા માટેની ગેંગ બનાવી રહ્યાં છે. માસ્કથી અડધો ચહેરો ઢંકાયેલો રહે છે પરંતુ નેતાઓ ખુલ્લે ચહેરે ફરતા હોવા છતાં પ્રજા તેમનો અસલી ચહેરો કદી ઓળખી શકતી નથી. (આમાં હસવા જેવું કશું જ નથી છતાં હળવા હાસ્ય-નિબંધમાં આવું બધું ગોળગોળ જ લખવાનું હોય.)
આપણા પૂર્વજો કહી ગયા હતા કે દરેક વાતને સો ગળણે ગાળીને પછી જ સ્વીકારવી જોઈએ પરંતુ સામાન્ય માસ્કમાં તો માત્ર ત્રણ જ ગળણાં હોય છે. શું ત્રણ ગળણે ગાળવાથી વિષાણુઓ ‘ગળાઈ’ જાય ? કે પછી ગળાયા વિના જ ગળામાં ‘ગળાઈ’ જાય ? (જોયું ? આને કહેવાય ચમકારો !) અમને તો શંકા છે કે સરકાર જે આંકડા જાહેર કરે છે તેને પણ સો ગળણે ગાળીને જ સ્વીકારવા જોઈએ પરંતુ એવાં સો ગળણીધારી માસ્ક મળે છે જ ક્યાં ? (આહા ! બીજો ચમકારો !)
આજે તો ચેનલે ચેનલે ગળણીઓ પણ જુદા જુદા પ્રકારની થઈ ગઈ છે. સત્યને કેટલા ગળણે ગાળવાથી સત્યનું સત્વ પામી શકાય ? તે સમજવા માટે માસ્કને સમજવું જોઈએ, તેવું કોઈ ફિલસુફ કહી ગયા છે પરંતુ માસ્કને સમજવા માટેની કોઈ ગાઇડો મળતી નથી અને ગુગલમાં માસ્ક ટાઇપ કરીએ તો સીધી સાદી લંબચોરસ ઝાંખા આસમાની કલરની આકૃતિ જ બતાડે છે જેની આજુબાજુ બે કૌંસ જેવી દેખાતી દોરીઓ વળગેલી હોય છે. (આ બધું આમ તો ભારે છે પણ એટલે જ તેને હળવું હાસ્ય કહેવાય છે.)
માસ્કને કારણે આજે બિચારો માનવી બે કૌંસ વચ્ચે ફસાઈ ગયો છે. પહેલાં આપણું માથું બે કાન વચ્ચે હતું. હવે આપણા બે કાન બે કૌંસ પકડવાની ડ્યૂટીમાં લાગી ગયા છે. કાનને હંમેશાં બીજાં અંગોની નબળાઇની જ સજા ભોગવવી પડી છે. અગાઉ આંખો નબળી પડે તો કાનને ચશ્માનો ભાર વેંઢારવો પડતો હતો. બાળપણમાં હાથ-પગ મારામારી કરે તો પણ શિક્ષક કાનને મચડી નાંખતા હતા. આજે પ્રેમિકાને મનાવવા માટે પ્રેમી પોતાના કાન પકડતો થઇ ગયો છે અને પત્ની પોતાના પતિની કોઈપણ ભૂલ વિના તેને શાબ્દિક રીતે કાન પકડાવે છે તે પણ શાબ્દિક ચાબખાને જોરે, જે સાંભળવા પડે છે તો બિચારા કાને જ ! (આને ‘વિષયાંતર’ કહેવાય ! વાત માસ્કની ભલે ચાલતી હોય પરંતુ ચાલતી ગાડીમાં કાનને બેસાડી જ દેવાના હોય. આમાં આગળ જતાં તમે હોઠ, દાઢી, નાક, ગળું વગેરેને ધસડી લાવો તોય બધું હળવું જ કહેવાશે.)
અંતે એટલું જ કહીશ કે માણસમાત્રએ કેટલા શ્વાસ લેવાના છે તે તો અગાઉથી લખાઇને જ આવે છે પરંતુ તેમાંથી કેટલા શ્વાસ માસ્કના ગળણાં વડે લેવાનાં છે તેની કોઈ સ્પષ્ટતા વિધાતાએ કેમ કરી નથી ? જો મારું મૃત્યુ અધૂરા શ્વાસે કે ખસેલા માસ્કે થાય તો આ પ્રશ્ન મારે ચિત્રગુપ્તને પૂછવો છે.
તમારે બીજું કંઈ પૂછાવવું હોય તો આ ઇમેઇલ આઈડી પર લખી મોકલજો. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
આવડો ભારેખમ હાસ્ય લેખ એનામાંના હળવા શબ્દોને રમૂજી રીતે નીચોવી નીચોવીને અમને ભીનાં ભીનાં કરી દીધાં પછી હવે અમારે કંઈ પૂછવા જેવું રહેતું નથી..અને છતાં અમને અમારી મતિ અનુસાર કંઈ સૂઝે તો એને સમય તો લાગે જ....આને ત્યાં તમે નવું હાસ્ય શસ્ત્ર સજાવીને અમારી સામે આવી જ જવાના છો, લલિતભાઈ ! મૌજ કરાવી દીધી !!
ReplyDeleteખુબ ખુબ આભાર રસેશભાઈ !!
ReplyDeleteChitragupt jode direct dialing thay to puchjo have aa mask kya sudhi pervana che. Lalitbhaii bharekham shabdo ma halvo hasylekh maja aavi gai
ReplyDeleteથેન્ક યુ ! હમણાં તો ચિત્રગુપ્તવાળી લાઈનનું રિ-ચાર્જ પતી ગયું છે 😀😀 હવે તો રુબરુ મુલાકાત થાય ત્યારે વાત !
ReplyDelete