જોવાની વાત એ છે કે છેલ્લા એકાદ વરસથી લોકો ઘરમાં ભરાઇને બેઠા છે છતાં સોશિયલ મિડીયા વડે સૌ ‘જાહેર જીવન’ જીવી રહ્યા છે !
મોબાઇલનાં આ અલગ અલગ એપ્સના યુઝરોનાં પોતપોતાના ખાસ લક્ષણો છે…
***
ટ્વિટરવાળા…
આ લોકો એમ સમજે છે કે રોજના 150 શબ્દો અને 1 મિનિટના વિડીયો વડે તેઓ દેશના તમામ લોકોને સીધા કરી નાંખશે !
***
ફેસબુકવાળા…
આ લોકો એમ સમજે છે કે એમનાં કપડાં, એમનું ખાવાનું, એમની ટેલેન્ટો, એમનાં ઘરો, એમનાં સગાવ્હાલાં અને એમનાં આઉટિંગ્સ જોવા માટે જ હજારો અજાણ્યા લોકો એમના ‘ફ્રેન્ડ્સ’ બની ગયા છે !
***
વોટ્સએપવાળા…
આ લોકોનું માનવું છે કે ગુડમોર્નિંગ, જ્ઞાન, ગાયનો, ગપ્પાં, ગલગલિયાં, ગોટાળા અને ગેલસફ્ફાઇ તો સૌને વહેંચવાથી જ વધે છે !
***
ઇન્સ્ટાગ્રામવાળા…
આ લોકો ઓછા ફેમસ અને ઓછા ટેલેન્ટેડ હોવા છતાં પોતાની જાતને ખુબ જાણીતા અને ખુબ ટેલેન્ટેડ બતાડવાની ‘ફરજ’ સમજીને, રોજ નિયમિતપણે, પોતાની ટેલેન્ટનું ડહાપણભર્યું એકાદ ચબરાકીયું રજુ કરે છે...
...અને પછી રાહ જુએ છે કે પોતાના 'ફિક્સ ડેઈલી ખાસ ફ્રેન્ડ' સિવાય કેટલા લોકોને એમાં રસ પડ્યો છે !
***
ટિક-ટોકવાળા…
આ લોકો તૈયાર જોક્સ, તૈયાર ગાયનો, તૈયાર ડાન્સ-સ્ટેપ, તૈયાર ગિમિક્સ તથા તૈયાર નખરાંની આબેહુબ નકલ કરીને તેમાં તૈયાર હાસ્ય, તૈયાર મ્યુઝિક તથા તૈયાર ઇફેક્ટો નાંખીને પોતાના ઓરિજિનલ વિડીયો ‘તૈયાર’ કરે છે અને ટિક-ટોક બેન થવા છતાં આજકાલ ‘મોજ’માં રહે છે !
***
ઝૂમવાળા…
ઓફિસ-યુઝવાળા તેને ધિક્કારે છે, ભણવાવાળા તેનાથી કંટાળે છે, બર્થ-ડે અને એનિવર્સરીવાળા તેમાં કલબલાટ કરી મુકે છે અને બેસણાવાળાને તેમાં મુંગામુંગા હાથ જોડીને બેસી રહેવું પડે છે, સાલું, ઝટ ઊભા નથી થવાતું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment