કોઈપણ વ્યક્તિ ગમે તેવી હોય છતાં તે કેટલી ખરાબ અને કેટલી સારી દેખાય છે તેનો આધાર ફેસબુકનો ડીપી અને આધારકાર્ડના ફોટા ઉપર હોય છે !
એ જ રીતે ઘણી ચીજોનાં ‘આધાર-ધોરણ’ અલગ અલગ હોય છે ! જેમકે…
***
તમારી માત્ર બે મિનિટ કેટલી લાંબી હોઈ શકે છે તેનો આધાર…
તમે જાહેર શૌચાલયના બારણાની આ તરફ છો કે પેલી તરફ ? તેની ઉપર છે.
***
તમારો એક કલાક કેટલો ત્રાસદાયક હોઈ શકે છે તેનો આધાર…
તમે મોબાઈલમાં સલમાનની ‘રાધે’ જોઈ રહ્યા છો કે મોબાઈલમાં પ્રોફેસરનું ઓનલાઇન લેકચર ભણી રહ્યા છો ? તેની ઉપર છે.
***
એક કિલો રૂનું વજન વધારે કહેવાય કે એક કિલો લોખંડનું વજન વધારે કહેવાય ? તેનો આધાર…
દસમા માળેથી તમારા માથા ઉપર એક કિલો રૂ પડે કે એક કિલો લોખંડ પડે છે ? તેની ઉપર છે…
***
તમે 1 રૂપિયો પણ આપ્યા વિના દોઢ કલાક લાઇનમાં રાહ જુઓ છો ? અને 1000 રૂપિયા આપીને દોઢ કલાક લાઇનમાં રાહ જુઓ છે… એ બેમાં સારી લાઇન કોને કહેવાય ? એનો આધાર…
તમે મફતમાં વેક્સિન લેવા આવ્યા છો કે ‘ડ્રાઇવ-થ્રુ’માં ? એની ઉપર છે…
***
એ જ રીતે તમારી કોરોનાની સારવારનું બિલ 5000 રૂપિયા આવે છે કે 5 લાખનું ? એનો આધાર…
તમે હોસ્પિટલમાં ભાડાની રીક્ષામાં આવ્યા હતા કે કારમાં ? એની ઉપર છે…
***
બાકી, સોશિયલ મિડિયામાં ખરેખર તમારી વેલ્યુ કેટલી છે તેનો આધાર…
તમને નવાઈ લાગશે, પણ તમે કેટલી ગાળો આપી રહ્યા છો તેની ઉપર નહીં, પરંતુ કેટલી ગાળો ખાઇ રહ્યા છો ? તેની ઉપર છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment