કોરોનાકાળની એક (અ)બોધકથા !

એક ધનવાન બાપનો નબીરો હોટ-એર-બલૂન લઇને હવામાં ઉડવા નીકળી પડ્યો. એની પાસે બલૂન ઉડાડવાની આવડત પણ નહોતી અને લાયસન્સ પણ નહોતું.

થોડી વાર પછી બલૂનમાંથી હવા ઓછી થઈ ગઈ અને તેનું બલૂન એક સાવ અજાણ્યા વિસ્તારમાં હવામાં લટકવા લાગ્યું. એવામાં તેને નીચે એક માણસ દેખાયો. તેણે પૂછ્યું :

‘હું ક્યાં છું ?’

‘વેલ, તમે જમીનથી 1250 ફૂટ ઊંચે, આટલા અક્ષાંશ અને આટલા રેખાંશ વચ્ચે તમારા હોટ-એર-બલૂનમાં છો. હવાની ગતિ માંડ 1.5 કિલોમીટર છે અને તમારું બલૂન ઉત્તર-પૂર્વ દિશાથી પશ્ર્ચિમ – દક્ષિણ દિશામાં માત્ર 500 મીટરની ગતિએ ખસી રહ્યું છે.’

નબીરાએ કહ્યું ‘શું તમે કોઈ સરકારી ખાતાના એક્સપર્ટ સલાહકાર છો ?’

પેલાને નવાઈ લાગી ‘હા ! પણ તમને શી રીતે ખબર પડી ?’

‘કેમકે તમે આપેલી માહિતી અને આંકડા ભલે સાચા હોય પરંતુ તે મને કંઈ  જ કામના નથી !’

'અને તું કોઈ પૈસાદાર બાપનો નબીરો છે અને તારી પાસે આ બલૂન ઉડાડવાનું લાયસન્સ પણ નથી. રાઈટ ?'

નબીરાને નવાઈ લાગી. 'તમને શી રીતે ખબર પડી ?'

'કારણ કે તું હવામાં છે અને તારાથી નીચેનાને હંમેશા તૂચ્છ સમજે છે. તું અત્યારે જે હાલતમાં ફસાયો છે તેને માટે તારી બેદરકારી, લાપરવાહી અને તારો ફાંકો જવાબદાર છે છતાં તું વાંક તો સરકારી તંત્રનો કાઢી રહ્યો છે !'

નબીરો ચૂપ થઈ ગયો.

એવામાં ત્યાંથી બીજો એક માણસ નીકળ્યો. તેની પાસે એર-ગન હતી. તેણે એક જ ગોળી છોડી અને બલૂનમાં પંચર પડી ગયું !

બલૂન ઉડતું ઉડતું એક સરોવરમાં જઈને પડી રહ્યું હતું ! પેલા નબીરાએ બૂમ પાડીને પૂછ્યું :

‘શું તમે કોઈ મોટા સરકારી અધિકારી છો ?’

એર-ગનવાળાએ કહ્યું ‘હા, પણ તને શી રીતે ખબર પડી ?’

‘કેમકે તમે કંઈક કરી બતાડવાના જોશમાં જે વગર વિચાર્યે પગલું ભર્યું એમાં હું ઉલમાંથી ચૂલમાં ફસાઈ ગયો છું !’

એર-ગનવાળાએ સ્મિત કરીને કહ્યું ‘મિત્ર, મારું પગલું વગર વિચાર્યું નહોતું.’

‘શી રીતે ?’

‘હમણાં થોડી જ વારમાં એક હોડીવાળો આવશે. એ તને ડૂબતો બચાવીને કિનારે લાવવાના 50,000 રૂપિયા માગશે !’

નબીરો કહે ‘આ તે કંઈ રીત છે ?’

અધિકારી કહે ‘તમને લોકોને વાંધો શું છે ? તમારો જીવ બચે છે, હોડીવાળાને રોજી મળે છે અને સરકાર મને શાબાશી આપે છે ! આ જ સિસ્ટમ છે !’

- બોલો, કેવી લાગી વારતા ?

***

- મન્નુ શેખચલ્લી

Comments