કોરોનાકાળના નવા દૂહા !

આ કોરોનાકાળમાં બધું બદલાઇ ગયું છે. ફિલ્મો મોબાઈલમાં જોવી પડે છે, ઓફિસ ઘરમાં જ હોય છે અને દસમું તો ભણ્યા વિના પાસ થઇ જવાય છે !

આવા સમયમાં જુના જમાનાના ગુજરાતી દૂહા પણ બદલાઇ ગયા છે ! સાંભળો…

***

શિયાળે શરદી ભલી

ઉનાળે ફ્લુ-તાવ

ચોમાસે મરડો ભલો

કોરોના બારે માસ !

***

વા ફરે, વાદળ ફરે

ફરે નદીનાં પૂર

સરકાર બોલીને ના ફરે

એવું બને નહીં, ચતૂર !

***

ગુજરાતમાં કોક દિ’

ભૂલો પડે ભગવાન

મ્યુકોમાક્રોસિસ થયા વિના

ઓક્સિજન સુંઘાડું શામળા !

***

આંકડા ગણ તો, ભક્ત(ના) ગણ

કાં સાજા, કાં વેક્સિનના

નહિતર કહેજે ‘નો કોમેન્ટ્સ’

મત ઊઘાડીશ જૂઠ !

***

અગ્નિ બાળે અન્નને

ઇર્ષ્યા બાળે સંબંધ

સત્તા બાળે સન્મતિ

પણ કોરોના બાળે ઘમંડ !

***

દેનારાને જશ નહીં

લ્યે તેનું નુકસાન

કોરોના એવો ચેપ, જ્યાં

બન્ને પાર્ટી બદનામ !

***

વ્હાલા લાગે વિરોધીને

જો સ્મશાનના ભડકા

તે દિ’ સાચુ જાણવું

કળિયુગના આ થડકા !

***

માનવમાં દેખાય જો

દાનવના દિદાર

પાડ માન કોરોનાનો

ઊઘાડી તારી આંખ !

***

ચાલુ ગાડીએ સૌ ચડે

પડ્યો એ લાતો ખાય

વોટ્સએપની આ ગંગામાં

બાબા રામદેવ પણ ન્હાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments