આંશિક અન-લોકનાં સત્યો !

આહાહા… ભલે સવારે 9થી બપોરે 3 સુધી બજારો ખુલ્યાં છે પણ કેટલી રાહત લાગે છે ! આ રાહત વચ્ચે અમુક સત્યો પણ આપણને મોડે મોડે સમજાયાં છે…

***

(1) ઘરવાળી ગમે એટલી આદુ-ફૂદીનાવાળી ચા બનાવે પણ કીટલીની ચા એટલે કીટલીની ચા !

***

(2) જોશમાં આવીને ભાજીપાંવ, રગડા પેટિસ કે ભેળપુરી વગેરે બપોરે ખાવા જઇએ તો પૈસા પડી જાય છે !

***

(3) બહેનોને શાકમાં હજી અસલી ટાઇમ જેવો સ્વાદ પાછો નથી આવ્યો કેમકે ભૈયાજીઓ પાણીપુરીના ખૂમચા લઇને શાક મારકેટમાં સાંજે જ ઊભા રહેતા હતા !

***

(4) ટીવીમાં ભલભલા એક્સ્પર્ટો આવીને જાત જાતની વાતો ભલે કહી જાય પણ બોસ, સાચું જ્ઞાન તો પાનના ગલ્લા આગળ જ મળે છે !

***

(5) દાઢી ભલે ઘરે બનાવી લો, પણ આપણે પાછળથી કેવા દેખાઈએ છીએ તે જોવા માટે હેરકટિંગ સલૂનમાં જ જવું પડે છે !

***

(6) લાંબા લોકડાઉન પછી દારૂની દુકાનોની બહાર જેવી લાઈનો લાગી હતી એવી જ લાઈનો આજે બ્યુટિ-પાર્લરોની બહાર લાગી રહી છે ! આ સત્ય છે, બોસ.

***

(7) ફેસબુકમાં હવે વાનગીઓના ફોટા સાથે રાંધનારીઓના ફોટા પણ જોવા મળશે… બ્યુટિ પાર્લરો ખુલી ગયાં ને !

***

(8) બરોબર આંતરરાષ્ટ્રિય ચા દિવસ હતો ત્યારે જ ચાની કીટલીઓ ખુલી ગઈ… હવે દારૂની બાટલીઓ માટે કયો દિવસ છે ?

***

(9) જીવનમાં પોઝિટીવ શી રીતે રહેવું, નાની નાની વાતોમાંથી ખુશી શી રીતે શોધી લેવી… આવાં લાખો ભાષણો અને લેખો પછી એક જ સત્ય સમજાય છે….

...કે અસલી ખુશી તો ખુલ્લા બજારમાં મસ્ત લટાર મારવાથી જ મળે છે ! શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments