નેતાઓને આંશિક અન-લોકની સુચનાઓ !

ગુજરાતમાં જે આંશિક લોકડાઉન હતું તેમાં આંશિક અનલોક થયું છે. તેની સુચનાઓ પબ્લિક માટે તો જાહેર થઈ છે પણ નેતાઓ (ખાસ કરીને ભાજપી નેતાઓ) માટે શું સુચનાઓ છે ?...

***

મહેરબાની કરીને હજી પણ ઘરમાં જ રહો. એમાં જ સલામતી છે.

***

સવારે 9 થી બપોરે 3 દરમ્યાન દુકાનો ખુલે ત્યારે ત્યાં જઇને ઉદ્‌ઘાટનો કરવાનાં નથી.

***

વાળ કપાવવા માટે સલૂનમાં જાવ ત્યારે સેલ્ફી લઈને ‘કેશકર્તન ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું’ એવી પોસ્ટો મુકવાની નથી.

***

મોટા મંદિરો તો હજી બંધ છે પણ નાનકડા મંદિરમાં જાઓ ત્યારે ચહેરો ઓળખાય નહીં એ રીતે માસ્ક બરોબર ઢાંકેલું રાખવું કેમકે મંદિરની બહાર દર્શનાર્થીઓનાં ચંપલો છૂટ્ટાં પડ્યાં હોય છે.

***

ટીવીમાં ઇન્ટરવ્યુ આપવાનો હોય તો ઘેરબેઠાં ઓનલાઇન જ આપજો. કેમકે ટીવીવાળા તમારી સુરક્ષાની જવાબદારી લેશે નહીં.

***

જાહેરમાં માસ્ક વિના પકડાઇ જાવ તો ‘ઓળખતો નથી, હું કોણ છું ?’ એવી ડંફાશો મારતા નહીં. કેમકે આજુબાજુની પબ્લિક સાંભળી જશે તો ભાગવાનું ભારે પડશે.

***

જાહેરમાં પાર્ટીના ખેસ, ટોપી, બિલ્લા વગેરે પહેરવાનું ટાળો. વાહનો ઉપરથી પાર્ટીના સ્ટિકરો ઉખાડી નાંખો. હા, સાહેબના ફોટાનો વાંધો નથી. (‘ભક્ત’માં ખપી જશો !)

***

અને કોંગ્રેસી નેતાઓ ધ્યાન આપે…. હજી 2022ના ડિસેમ્બર સુધી ઊંઘતા રહેશો તો ચાલશે. (ચૂંટણીઓ એ પહેલાં નથી.)

***

- મન્નુ શેખચલ્લી

Comments