વાવાઝોડા પછીની વાયડાઈ !

આપણા ગુજરાતમાં વાયડા (દોઢ ડાહ્યા) લોકોની જરાય અછત નથી. આ વાવાઝોડું આવ્યું એ પછી આવા નમુનાઓની વાયડાઈ તમને અચૂક જોવા મળશે…

***

વાવાઝોડું પતી ગયા પછી સ્કુટર લઈને નીકળી પડશે અને દરેક દરેક તૂટી પડેલા ઝાડ આગળ ઊભા રહીને સેલ્ફીઓ લેશે !

***

ઉપરથી નીચે કોમેન્ટ લખશે : ‘ઝાડ પડ્યું ને જગ્યા થઈ !’

***

નાનકડા કુંડામાં પોતે તુલસીનો છોડ રોપતો હોય એવો ફોટો પડાવશે. નીચે લખશે : ‘વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો.’

***

પોતે જ્યોતિષી હોય એમ દાવો કરશે : ‘મેં તો પહેલાંથી જ કીધેલું હતું કે લીલી કેરીઓ ખરી જશે પણ લીલાં બોર બચી જશે !’

***

નવો વિડીયો બહાર પાડશે કે ‘જોયું ? કોરોનાના કેસ ઘટી ગયા ને ? આ તો આપણે અરબી સમુદ્રમાં લાખો કેરબા ભરીને સેનિટાઇઝર નંખાવેલું ને ? એટલે ! .... એ મિક્સ પાણીનાં વાદળ બન્યાં, એનો વરસાદ પડ્યો ! હવે તમે જોજો, કોરોના ફીનીશ !’

***

તલાલા વિસ્તારમાં ખરી પડેલી કેરીઓના ઢગલાનો ફોટો મુકીને નીચે લખશે : ‘વાવાઝોડામાં પડી ગયેલી કેરીઓ સાવ નાંખી દેવાના ભાવે વેચવાની છે. સંપર્ક કરો, ફોન નંબર ફલાણા ફલાણા...’

- એમ કરીને કોઈ ચૂંટણીમાં હારી ગયેલા ભાજપી નેતાનો નંબર લખી નાંખશે !

***

કીચડમાં પડેલા માસ્કનો ફોટો પાડીને નીચે લખશે : ‘વાવાઝોડામાં ઊડી ગયેલું કોઈનું N-95 માસ્ક મળ્યું છે. જેનું હોય તે પોતાના મોઢાના માપની સાબિતી આપીને પાછું લઈ જાય.’

***

અને મોદી સાહેબ હવાઈ નીરીક્ષણ કરવા નીકળશે તો એમનો વિરોધ કરવા માટે નીચે ઊભા ઊભા વિમાનને ફૂંકો મારશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments