ભલભલાનાં 'આંગન ટેઢા' કરી નાંખતા લક્કડછાપ હીરો !

હોલીવૂડની ફિલ્મોમાં ડાન્સ-ગાયનો કેમ નથી હોતાં ? એ તો લોકો જ જાણે ! પણ ભૈશાબ, જ્યારે ડાન્સની સિચ્યુએશન ઊભી થઈ હોય ત્યારે તો સરખો ડાન્સ કરી લો ? 

પણ ના ! હીરો ‘મિશન ઇમ્પોસિબલ’નો હોય કે ‘જેમ્સ બોન્ડ’ સિરીઝનો, એ સરસ મઝાના બોલ-રૂમમાં મસ્ત મ્યુઝિક વાગી રહ્યું હોય ત્યારે, બધાં કપલિયાંની જેમ પેલી રૂપાળી ઉઘાડા ખભા અને લચીલી કમરવાળી સ્ત્રીનાં અંગો પર હથેળી મુકીને નાચવાને બદલે શી ખબર, શું લેવા, એના કાનમાં મોં ખોસીને કંઈ સિક્રેટ વાતો કરવા મંડતો હશે ?

અલ્યા, ડાન્સનો ચાન્સ મળ્યો છે તો એ પહેલાં પતાવી લે ને ? (પછી તો પેલી રૂપાળી આમેય એની જોડે પલંગમાં સૂવા આવવાની જ હોય, છતાં !)


એની સામે આપણી ફિલ્મોના વિલનોને જુઓ… એક બાજુ હિરોઈનની માને સાંકળો વડે રાખી હોય, બીજી બાજુ હિરોના બાપને ગરમાગરમ તેલમાં તળી નાંખવા માટે ચૂલા ઉપર તેલ ઉકળતું હોય… છતાં એ વિલન પેલાં વેશ બદલીને આવેલાં હીરો-હીરોઈનોનો ડાન્સ જોવા મસ્તીથી બેઠો જ હોય છે ને ?

તમને શું લાગે છે, નકલી દાઢી-મૂછ લગાડીને આવેલા હીરોલોગ અને ઉઘાડાં કેબ્રે-ડાન્સર ટાઈપના વસ્ત્રો પહેરીને સાવ ઉઘાડે મોઢે નાચી રહેલી હીરોઈનોને તે ઓળખી જ નહીં શકતો હોય ?

અરે, એ તો ઠીક, ‘અમર અકબર એન્થની’માં તો ત્રણે હીરો આખા ગાયનમાં છ-છ વાર પોતાનાં નામો ગાઇ વગાડીને સંભળાવે છે ! છતાં વિલનોને ટ્યૂબલાઇટ નહીં થતી હોય ? અરે ભઇ, એમને બધી જ ખબર હોય છે ! પણ શું છે, એ લોકો પણ જાણે છે કે આ ગાયન પતે પછી તો મારામારી કરવાની જ છે, તો એ પહેલાં જરા નાચ-ગાના જોઈને જરા ફ્રેશ ના થઈ જઈએ ?

બોલો, આ છે આપણો નૃત્ય પ્રત્યેનો રાષ્ટ્રિય પ્રેમ ! ‘હમજોલી’ ફિલ્મના ડિરેક્ટરે તો એક આખું ગાયન ફાઇટની સાથે મેચ થાય એવું બનાવેલું ! (ચલ શુરુ હો જા… વન ટુ !) પછી તો અલગ વાત છે કે રોહિત શેટ્ટીની ફિલ્મોમાં તો ફાઇટ પણ ‘કુરિયોગ્રાફ’ થયેલી લાગે છે.

અગાઉની ફિલ્મોના ડાન્સ-ડિરેક્ટરોની વાત કરીએ તો એમણે બિચારી હીરોઈનો પાછળ જ મહેનત કરવાની રહેતી કેમકે હીરો સાહેબ તો ખાસ હલનચલનમાં માનતા જ નહોતા છતાં શમ્મીકપૂરે અનેકવાર ડાન્સ સ્ટેપમાં એક કોમિક ટચ ઉમેરીને પોતાની આગવી સ્ટાઇલ બનાવી હતી.

‘એન ઇવનિંગ ઇન પેરિસ’ના એક ગાયન માટે કહેવાય છે કે પેરિસમાં રાત્રે શૂટ કરવા માટે એક જ રાતની પરવાનગી મળી હતી. શક્તિ સામંત પેરિસની શક્ય એટલી અલગ અલગ ગલીઓમાં શૂટિંગ કરવા માગતા હતા. આવા સમયે ઊંધું થયું ! બિચારી શર્મિલા ખાસ હલ્યા-ચાલ્યા વિના ઊભી રહેતી અને શમ્મીકપૂર જાતે જ બનાવેલાં ડાન્સ સ્ટેપ અને અદાઓ વડે ફટાફટ ‘ઓકે શોટ’ આપતા ગયા !

કંઈક એવું જ ‘છલિયા’માં થયું. ‘છલિયા મેરા નામ…’ ગાયનના શૂટિંગના પહેલા જ દિવસે ડાન્સ ડિરેક્ટર આવ્યો જ નહીં ! મનમોહન દેસાઈએ રસ્તો કાઢ્યો. એમણે રાજકપૂરને એમની જ જુની ફિલ્મોના ગાયનોની અદાઓ (સ્ટેપ્સ) યાદ કરાવતાં કહેવા માંડ્યું. ‘યાદ હૈ, ઉસ ગાને મેં આપ ને જો કિયા થા ? વૈસા હી કુછ કર દિજીયે ના !’ કહેવાની જરૂર નથી કે બીજા બે દિવસ પણ મનમોહન દેસાઇએ ડાન્સ ડિરેક્ટર વિના જ કામ પતાવી દીધું. (ગુજરાતી ખરા ને ? રૂપિયાની કિંમત જાણતા હતા !)

જેના શરીરમાં ડાન્સનો ‘ડ’ પણ નહોતો, છતાં મારી મચડીને જેની પાસે સતત ડાન્સ કરાવવામાં આવ્યો છે એવો એક માત્ર હીરો, મારા હિસાબે બિચારો જિતેન્દ્ર હતો ! તમે છેક ‘ફર્ઝ’થી માર્ક કરજો, એમનાં એકપણ સ્ટેપમાં કદી સરખો ‘સ્ટેટિક પોઝ’ (સ્થિર ભંગિમા) આવી શકતો નહોતો. છતાં જિતેન્દ્રની સ્પર્ધામાં બીજું કોઈ હતું નહીં એટલે, અને ખુદ જિતેન્દ્ર પણ જરાય નખરાં કર્યા વિના ‘જેવું આવડે એવું’ ઇમાનદારીથી નાચી લેતો હતો એમાં જ ‘જમ્પિંગ જેક’ તરીકે હિટ થઈ ગયો.

બાકી, નખરાંની વાત કરો તો ડાન્સ ડિરેક્ટર કમલને રાજેશ ખન્ના સાથે રીતસરનો ઝગડો થઈ ગયો હતો. છેવટે એમણે જ શીખવેલી ગોળ ગોળ હાથ ઘુમાવવાની અદા હિટ થઈ ગઈ ત્યારે રાજેશ ખન્નાએ કમલજીની માફી માગી લીધી હતી.

સાગનાં લાકડાંથી શરીર બનેલું હોય, લોખંડના નટ-બોલ્ટ વડે બનેલા સાંધા હોય અને અંદર સ્હેજ પણ ઓઇલિંગ ના થયું હોય એવા હિરોને નચાવવાનું કામ કેટલું અઘરું છે તે આજના કુરિયોગ્રાફરો પણ જાણે છે એટલે જ જોન અબ્રાહમ, અજય દેવગણ અને સુનીલ શેટ્ટી જવા હીરો માટે ફાઇટિંગમાં નહીં, પણ ડાન્સિંગ માટે ‘બોડી-ડબલ’ વાપરવા પડે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments