દિલ્હીમાં થોડી દિવાલો ઉપર થોડાં પોસ્ટરો લાગ્યાં. એ પોસ્ટરો ‘વાંધાજનક’ હતાં એટલે પોલીસે 25 જણાની ધરપકડ કરી.
પછી એ સમાચાર ટીવીમાં આવ્યાં. સોશિયલ મિડિયામાં આવ્યા. સૌએ ‘વાંધાજનક’ પોસ્ટરો બતાડીને ઉગ્ર ચર્ચાઓ, ટીકાઓ, કોમેન્ટો કરી. સરવાળે દેશમાં કરોડો લોકોએ આ ‘વાંધાજનક’ પોસ્ટરો જોયાં !
હવે બોલો, વાંક માત્ર પેલા 25 જણાનો ? આ જ વાત ઉપર અમને પ્રેમચંદજીની એક હિન્દી વાર્તા નવા ટ્વિસ્ટ સાથે યાદ આવી રહી છે….
***
એક ગામમાં એક જુવાન છોકરાએ ખેતરમાં ફરતી એક છોકરીને જોઇને એક ફિલ્મી ગાયન ગાયું.
છોકરીએ એના બાપુને ફરિયાદ કરી. બાપુ વગદાર હતો એટલે એણે ગામની પંચાયત બોલાવી. આખું ગામ ભેગું થયું. પંચે પૂછ્યું ‘અલ્યા, કયું ગાયન ગાયું હતું ? અહીં બધા સામે છોકરી આગળ ગાઈને બતાડ એટલે સજા કરવાની સમજ પડે !’
છોકરાએ છડેચોક છોકરી સામું જોઈને એજ ગાયન બુલંદ અવાજે ગાયું ! પંચ કહે ‘અરેરે ! આટલું ખરાબ ગાયન ? છોકરાને ગામ-બહાર અને નાતબહાર કરો !’
સજા તો થઈ ગઈ. છતાં છોકરીના બાપને સંતોષ નહોતો. તેણે કહ્યું ‘પંચ માઇ-બાપ ! તમારો હુકમ તો આજુબાજુના અઢાર ગામમાં ચાલે છે. આજ પછી આજુબાજુનાં ગામોમાં પણ મારી છોકરીની આ ગાયન ગાઈને કોઈ છેડતી ના કરે એવું કરાવો !’
પંચ પડ્યું વિચારમાં ! ‘અલ્યા, ઢંઢેરો તો પીટાવીએ, પણ કયું ગાયન નથી ગાવાનું, એની શી રીતે ખબર પડે ?’
એટલે પેલા છોકરા પાસે એ ગાયન ‘ટેપ રેકોર્ડર’ સામે ગવરાવ્યું ! પછી અઢાર ગામમાં ઢંઢેરો પીટાવ્યો :
‘સાંભળો, સાંભળો, સાંભળો… ફલાણા ગામના ફલાણાભાઇની છોકરી ફલાણીને જોઈને ફલાણાં જુવાને આવું ખરાબ ગાયન ગાયું હતું…’
એમ કીધા પછી ગાયન વગાડે ! પછી ઢંઢેરો આગળ ચાલે. ‘આ ગાયન ધ્યાનથી સાંભળી લો ! હવે પછી કોઈ ગામનો જુવાન ફલાણાભાઇની દિકરી સામું જોઈને આવું ખરાબ ગાયન ગાશે તેને ગામ-બહાર અને નાતબહાર કરવામાં આવશે ! લો, ફરી એકવાર સાંભળી લો આ ખરાબ ગાયન…’
- તમે જ કહો, પેલા અઢાર ગામના પંચ અને આપણા મિડિયામાં કોઈ ફેર ખરો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment