થોડા સમય પહેલાં એક વિડીયો જોવા મળ્યો હતો. વિદેશના એક મોટા શોપિંગ મોલમાં ગ્રાહકો ખરીદીમાં મશગૂલ છે ત્યાં અચાનક સ્પીકરમાં મ્યુઝિક શરૂ થાય છે… મ્યુઝિકનો નાનકડો પીસ પતે ત્યાં તો હિન્દી ફિલ્મનું એક ગાયન શરૂ થઇ જાય છે ! એ જ વખતે મોલના ખુલ્લા વિસ્તારમાં 40-50 જેટલી વિદેશી યુવતીઓ તથા સ્ત્રીઓ હિન્દી ફિલ્મના એ ગાયન ઉપર ડાન્સ કરવા લાગે છે !
ડાન્સના સ્ટેપ પણ હિન્દી ફિલ્મના ગાયનો જેવાં જ છે ! થોડીવાર પછી ગાયન પણ બદલાય છે… એમ કરતાં પાંચેક મિનિટના આ 'ફ્લેશ-મોબ ડાન્સ'માં ત્રણેક હિન્દી ફિલ્મી ગાયનોની મેડલી સાથે તમામ મહિલાઓ રંગેચંગે ‘બોલિવૂડી’ ડાન્સ કરતી રહે છે ! છેલ્લે, તાળીઓનો ગડગડાટ…
આ વિડીયો પાછળ જરીક ખણખોતર કરતાં ખબર પડી કે લંડન, કેલિફોર્નિયા અને ન્યુ યોર્ક જેવા શહેરોની અમુક ડાન્સ સ્કુલોમાં હવે ‘બોલીવૂડ ડાન્સ’ના ક્લાસિસ નીકળ્યા છે ! અગાઉ એક વિડીયોમાં તો રીતસર જુનાં હિન્દી ગાયનો ઉપર એક ડાન્સિંગ કોલેજના યુવક-યુવતીઓએ આખો ડાન્સ-શો રજુ કર્યો હતો ! ટુંકમાં કહેવાનો મતલબ એટલો જ કે આપણે જેને ચાલુ ટાઇપનો ફિલ્મી ડાન્સ કહીને નાકનું ટિચકું ચડાવીને ઉતારી પાડીએ છીએ તેને હવે વિદેશની ડાન્સિંગ સ્કુલો નૃત્યનો એક પ્રકાર માને છે !
આપણી પ્રજાની કમનસીબી હંમેશાં એ રહી છે કે આપણને આપણી જ આસપાસ ધબકી રહેલી કલાઓની ક્યારેય કદર કરતાં આવડ્યું નથી ! (ધોળિયાઓ વાહ વાહ કરે ત્યારે જ આપણી આંખો ખૂલે છે.) અમને આવી ડાન્સિંગ સ્કુલોના સ્ટુડન્ટોના ઇન્ટરવ્યુ પણ અડફેટે ચડી ગયા ! જેમાં અમે એમના મોઢે સાંભળ્યું કે બોલીવૂડ ડાન્સિંગની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં દુનિયાભરના લગભગ તમામ પ્રકારના ડાન્સનું મિશ્રણ બહુ આસાનીથી કરી શકાય છે. એક સ્ટુડન્ટે કહ્યું કે ‘ધીસ ધ મોસ્ટ ફ્રી ફ્લોઇંગ ડાન્સ ફોર્મ !’
વાત પણ સાચી જ છે ને ! આપણી હિન્દી ફિલ્મોના ગાયનોનાં સ્ટેપ મુંબઇની બેસ્ટ ભેળપુરીથી જરાય કમ નથી ! ઘડીકમાં રમ્બા-સામ્બા, ઘડીકમાં રૉક, ઘડીકમાં ભાંગડાના સ્ટેપ તો ઘડીકમાં ગરબાની ઝલક ! સૌથી મઝાની વાત એ છે કે દરેક ગાયનનું મુખડું ગવાતું હોય ત્યારે એના માટેનાં ખાસ ‘સિગ્નેચર સ્ટેપ’ છે ! આવું દુનિયાની કોઈ નૃત્ય શૈલીમાં નથી, બાપા !
‘તેજાબ’નં પેલું ‘એક દો તીન…’ ચાલતું હોય ત્યારે માધુરીએ જે સ્ટેપ કરેલાં એ જ કરવાનાં હોય ! ‘ચલ છૈયાં છૈયાં’ વખતે શાહરૂખ ખાને જે હાથના ઉલાળા કર્યા હોય તે જ એની સિગ્નેચર રહેવાની ! આ સિગ્નેચર સ્ટેપની શરૂઆત કરવા માટે બહુ મોટી ક્રેડિટ આપણે કુરિયોગ્રાફર સરોજ ખાનને આપવી પડે. અમુક મિમિક્રી આર્ટિસ્ટોએ સરોજ ખાનની આ શબ્દોને ડાન્સમાં ‘ભાષાંતર’ કરવાની સ્ટાઇલની મસ્ત પેરોડીઓ પણ કરી છે પરંતુ હવે એ ‘ટ્રેન્ડ-સેટ’ થઈ ગયો છે. (આવું બધું ડાન્સ ક્લાસોમાં ‘થિયરી’ તરીકે ભણાવતા હશે !)
એક જમાનો એવો પણ હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં ગાયનો વખતે બિચારી હિરોઈનો શરીરના તમામ સ્પેરપાર્ટો જુદી જુદી અંગભંગિમા કરીને હલાવ્યા કરે છતાં હીરો લોગ કોઈ વીઆઇપી નેતાની માફક ખાસ હલનચલન કરતા જ નહોતા ! (રાજેન્દ્રકુમાર તો વારાફરતી ડાબો જમણો હાથ ઉપર કરવા સિવાય બીજું કંઇ જ કરતો નહોતો.) આવા સમયે જ્યારે જમ્પિંગ જેક જિતેન્દ્રએ પોતાના સાંધેસાંધા હચમચાવી નાંખતાં ‘વાયબ્રેટિંગ’ ડાન્સ કર્યા ત્યારે બીજા હીરો લોગને પણ નચાવવાની જરૂર પડી.
આ સમયગાળામાં ‘કમલ’ નામના ડાન્સ ડિરેક્ટરે ભલભલા લાકડાનાં પૂતળાં જેવા હિરોને નચાવવાના શરૂ કર્યા. જેમાંથી અમુક સ્ટાર્સને તેમની ‘સિગ્નેચર’ કહી શકાય એવા સ્ટેપ મળી ગયા ! જેમકે રાજેશ ખન્નાની ગરદન ત્રાંસી રાખીને ફીરકી લપેટતા હોય તેમ હાથ ગોળગોળ ફેરવવાની અદા ! અથવા અમિતાભ બચ્ચનને જાણે મણકામાં તકલીફ હોવાથી હંમેશા આગળની તરફ ઝૂકીને નાચવાની સ્ટાઇલ !
આજકાલ તો હીરો લોગને ફાઇટિંગ કરતા હોય એટલી જ મહેનત કરીને નાચવા સિવાય છૂટકો જ નથી ! એમાંય જ્યારથી પ્રભુ દેવા અને રેમો ડિસોઝા જેવા કુરિયોગ્રાફરો આવ્યા પછી તો હીરો લોગનાં બોડીનો અગાઉથી વીમો ઉતરાવી લેવો પડે તેવી સ્થિતિ છે !
જોકે હાલમાં રેમો ડિસોઝા ટીવીમાં જે ડાન્સ હરિફાઈનો શો ચલાવે છે એમાં ડાન્સ ઓછો અને સરકસના ખેલ વધારે હોય છે પણ ચિંતા ના કરો, વિદેશી એને પણ ડાન્સના નવા ‘પ્રકાર’ તરીકે સ્વીકારી લેશે !
(બોલીવૂડ ડાન્સિંગની વધુ રસપ્રદ વાતો આવતા સોમવારે)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
નવા સારા ડાન્સર કલાકારો માં રિતિક રોશન / ટાઇગર ક્ષો્ફ ને યાદ કરવા જરુંરી મિથુન દા , .. રીષિ કપૂર પણ સારો ડાન્સ કરતાં.. હજી હેલન નંબર એક્કો
ReplyDeleteયસ ! આવનારા લેખોમાં એ જ વાતો લખવાની છે !
ReplyDeleteવાત હાવ હાચી ભૈ
ReplyDeleteઈન્ડિયન ફિલ્મોમાં એવું ઘણું બધું છે જે દુનિયાના બીજા કોઈ દેશમાં છે જ નહીં. ફરક માત્ર એટલો છે કે જ્યારે વિદેશમાં એની નોંધ લેવાય છે ત્યારે જ આપણી આંખો ઊઘડે છે !
ReplyDelete