ભૈશાબ, હજી કેટલા ટેસ્ટ ?

આજકાલ તો લગભગ બધા જ લોકો ડોક્ટર બની ગયા છે. વાતવાતમાં પૂછે છે RTPCR ટેસ્ટ કરાવ્યો ? CRP ટેસ્ટમાં શું આવ્યું ? D DIMER ટેસ્ટમાં શું લખ્યું છે ? CT-SCAN ટેસ્ટ જ ફાઇનલ કહેવાય… વગેરે.

દોસ્તો, તમને ખબર નથી કે આ સિવાય પણ આપણા જાતજાતના ‘ટેસ્ટ’ થાય છે !

***

BB ટેસ્ટ

પેશન્ટને લઇને તમે હોસ્પિટલમાં પહોંચો કે તરત તમારો આ ટેસ્ટ થઈ જાય છે ! તમે કયા મોડલની કારમાં આવ્યા, તમારાં કપડાં કેવાં છે, હાથમાં વીંટી, ગળામાં સોનાની ચેઇન, તમારી રીતભાત… આના ઉપરથી એ લોકો તરત તમારો BB ટેસ્ટ કરી લે છે.

જી હા, BB એટલે તમારું બેન્ક બેલેન્સ !

***

KOK ટેસ્ટ

મધ્યમ વર્ગના માણસોનો આ ટેસ્ટ થાય છે. જેવું કોઈ બિમાર પડે કે તરત ફાંફા મારવા પડે છે કે K = કોઈ O = ઓળખાણ K = ખરી ? જો બિચારાઓ આ KOK ટેસ્ટમાં પાસ થાય તો જ કોઈ વ્યવસ્થિત હોસ્પિટલમાં વ્યવસ્થિત ભાવે દાખલ થવા મળે છે.

***

LL ટેસ્ટ

આ ટેસ્ટ એ લોકો માટે છે જેઓ બિચારા KOK ટેસ્ટમાં પાસ થઇ શકતા નથી. આ ટેસ્ટનું ફૂલ ફોર્મ છે L = લાઇન L = લગાવો... ! એકસો આઠ માટે લાઇન, દાખલ થવા માટે લાઇન, ઓક્સિજન માટે લાઇન, રેમડેસિવિર માટે લાઇન… છેવટે નસીબ ખરાબ હોય તો સ્મશાનમાં પણ લાઇન.

***

ITKL ટેસ્ટ

મોંઘી ટ્રિટમેન્ટમાં ચીરી નાંખે તેવા બિલોથી માંડીને અહીંથી ત્યાં ધક્કા ખાવાની અંધાધૂંધી સહન કર્યા પછી પણ તમારે છેલ્લે તો થાકી-હારીને આ ટેસ્ટ આપવો જ પડે છે.

T = થાય T = તે K = કરી L = લો !

***

AAS ટેસ્ટ

તમને નવાઇ લાગશે પણ દેશની 99 ટકાથી વધુ જનતા આ ટેસ્ટ વડે જ ટકી રહી છે.

A =અપની A = અપની S = સમાલિયો !

***

- મન્નુ શેખચલ્લી

Comments