હજી કોરોનાની બીજી લહેર પતી નથી ત્યાં તો સરકાર ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારીમાં છે ! આના માટે અમારી પાસે થોડાં અવળચંડા સૂચનો છે…
***
નેતાઓને કોરોના વોરિયર્સ જાહેર કરો !
શું તમે માર્ક કર્યું છે કે રાજકીય નેતાઓમાં 0.00001 ટકા કરતાંય ઓછાં મોત કેમ નોંધાયાં છે ? કેમકે એમની જાડી ચામડીમાં કંઈક તો પાવર છે જ ! આથી સૌ નેતાઓને પોતપોતાના એરિયાની હોસ્પિટલોમાં ‘પ્રેરણામૂર્તિ’ બનીને બહાર બેસી રહેવાની ડ્યૂટી આપો !
***
વોટ્સએપ ગ્રેજ્યુએટોનું સન્માન કરો
આ મહાન યુનિવર્સિટીમાં જે જ્ઞાનીઓ પેદા થયા છે તેમના ઉપાયોને ‘થિસિસ લેખ’ માનીને તેમનું જાહેરમાં સન્માન કરો !
***
બાબા રામદેવની મદદ લો
ઇન્ટરનેશનલ યોગા દિવસ નજીકમાં જ છે. એ દિવસે બાબા રામદેવ આખા દેશના લોકોને શીખવશે કે હવામાંથી ઓક્સિજન ખેંચીને ફેફસામાં તેનો સ્ટોક શી રીતે કરી રાખવો !
***
આગોતરો સ્ટોક ભરી રાખો
ઓક્સિજન, ઇન્જેક્શનો તથા દવાઓ પછી હવે કઈ ચીજ વસ્તુઓની તંગી ઊભી થવાની છે ? તેનો આગોતરો પ્રચાર કરવા માંડો ! જેથી તંગી ઊભી થાય એ પહેલાં જ નેતાઓ તથા કાળાબજારીયાઓ તેનો સ્ટોક ભેગો કરીને સંઘરવા માંડે !
***
અન્ય સૂચનો
- પોલીસોને નવા ડંડા આપો.
- સ્મશાનોમાં વધુ લાકડા પહોંચાડો.
- ડોક્ટરોને વચમાં નાનું વેકેશન આપો.
- ન્યુઝ ચેનલોમાં નવા નવા હાહાકાર ફેલાવવાની મોટી મોટી હરિફાઈઓ રાખો.
- અને ધર્મસ્થાનો ખોલી નાંખો ! છેલ્લે તો પ્રાર્થના જ કામમાં આવશે ભ'ઈ ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment