અન્ય 'આંશિક' રાહતો !

કોરોનાના દૈનિક કેસો એક સમયે જે ચાર લાખ હતા તે ઘટીને સવા ત્રણ લાખ જેવા થયા છે તેને ‘આંશિક’ રાહત કહેવામાં આવે છે ! જોકે આવી આંશિક રાહતો બીજી જગ્યાઓએ પણ થઈ છે…

***

આંશિક લોકડાઉનમાં પાનના ગલ્લાઓ બંધ હોવા છતાં માવા, ગુટખા તથા પાનમસાલાના બંધાણીઓની દયા ખાઈને પોલીસવાળા ગલ્લાઓને ‘આંશિક’ રીતે ખુલ્લા રાખવા દે છે !

***

એ તો ઠીક, બહારના રાજ્યોમાંથી જે બૂટલેગરો દારૂ લઈને આવે છે એમનાં RTPCR ટેસ્ટનો આંશિક આગ્રહ પણ રાખવામાં આવતો નથી !

***

પત્નીના હાથની રસોઈ ખાવી જ પડે એવી મજબૂરી વચ્ચે આંશિક રાહત એ છે કે ઓનલાઇન ઓર્ડર કરીને રેસ્ટોરન્ટનું ભોજન મંગાવી શકાય છે.

***

એ તો ઠીક, ‘ઓફિસોમાં 50 ટકા હાજરી ભરવી પડે છે’ એવું બહાનું કાઢીને પતિઓ ઘરની બહાર આંશિક રીતે ભટકવા માટે પણ જઇ શકે છે !

***

અગાઉના કપરા દિવસોમાં હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઇનો લાગતી હતી. આજે ડ્રાઈવ-થ્રુ વેક્સિન માટે સરસ મઝાની કારોની લાઇનો લાગે છે ! બોલો, આંશિક રીતે સારું ના કહેવાય ?

***

પેટ્રોલ-ડિઝલના ભાવ ફરી આસમાને જઈ રહ્યા છે પણ ‘આંશિક’ રાહત એ છે કે કામધંધા જ ઠપ છે ત્યાં જઇ જઈને જવું ક્યાં ? જોયું ? આ જ છે આંશિક રાહત !

***

સૌથી મોટી આંશિક રાહત એ છે કે ચૂંટણી વખતે ઠેર ઠેર દેખાતા નેતાઓ હવે ગામો અને શહેરોમાંથી ગાયબ થઈ ગયા છે ! ...હાશ !

***

અને હા, રેમડેસિવિરનાં નકલી ઇન્જેક્શનો વેચનારાઓ પકડાઈ રહ્યા છે એ તો મોટી રાહતના સમાચાર છે જ પણ આંશિક રાહત એ છે કે...

...જેણે આ નકલી ઇન્જેક્શનો લીધાં છે એમને એની ખબર જ નથી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments