સોમવારે કોંગ્રેસની વર્કિંગ કમિટી (વર્કિંગ એટલે ‘કામ કરતી’ હોં !)ની બેઠક મળી, શેના માટે ? પાંચ રાજ્યોની હારનાં ‘કારણ’ તપાસવા ! બોલો.
- અલ્યા, હજી આ લોકો ‘કારણ’ શોધે છે ? એમને રાહુલ ગાંધી દેખાતા જ નથી ?
***
જોકે કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ એ છે કે રાહુલજી છેલ્લા દોઢ-બે વરસથી વધુ ‘મેચ્યોર’ થયા જ નથી !
- અથવા તો દેશના બુદ્ધિજીવીઓ એમની મેચ્યોરીટી માપતાં માપતાં થાકી ગયા છે !
***
જે હોય તે, કોંગ્રેસ આ વખતે બચી ગઈ છે કેમ કે દેશના બુદ્ધિજીવીઓ, સેક્યુલરો અને લિબરલો મોદીજીની ભૂલો શોધવામાં બિઝી છે !
- અને કોંગ્રેસ આમેય ક્યાં નવી નવી ભૂલો કરે છે ? બિચારાઓ જુની ભૂલો વડે જ ગાડું ગબડાવી લે છે.
***
સોનિયાજીએ કોંગ્રેસના અગ્રણી નેતાઓને ‘અંતરખોજ’ કરવાનું કહ્યું છે ! જાણે કે પ્રજા સાથેનું તેમનું અંતર હવે માપવાલાયક પણ રહ્યું હોય.
- વળી, કેટલું સારું છે કે આ અગ્રણી નેતાઓ મોદી વિરોધી હોવાથી કદી ‘આત્મનિર્ભર’ થવાનો તો વિચાર પણ નહીં કરે !
***
બંગાળમાં જે દશા થઈ તેની તો ચર્ચા સુધ્ધાં ના થઈ !
- જરૂર જ ક્યાં હતી ? બધા જાણે છે કે મમતાજીના પગમાં તિરાડ પડી હતી પણ કોંગ્રેસનો ‘હાથ’ તો સાવ જલ ‘કમલ’વત જ રહ્યો છે !
***
હવે કોર કમિટીની રચના થશે. તેમના માથે બહુ ભયંકર જવાબદારી આવવાની છે…. એમણે કોંગ્રેસની હારના કારણો શોધી કાઢવાં પડશે !
- જોકે એ લોકો હજી આઠ મહિના સુધી ઊંઘી શકશે કેમકે છેક ડિસેમ્બરમાં ગોવા વિધાનસભાની ચૂંટણી થવાની છે !
***
અને હા, મેઇન વાત તો રહી જ ગઈ ! બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો કે મોદી સરકારે પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ !
જીહા, તમે બરોબર વાંચ્યું…મોદી સરકારે જ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment