'ઉપર'નું એક દ્રશ્ય !

દસ-પંદર દિવસ પહેલાં જે સ્મશાનોની બહાર લાઇનો લાગી હતી તે બધી આત્માઓ જ્યારે ‘ઉપર’ ગયા હશે ત્યારે ત્યાં પણ ભીડ તો જામી જ હશે ને ? જુઓ એક કલ્પના…

***

‘અલ્યા ભઇ, ધક્કા-મુક્કી ના કરો. બધાનો નંબર આવશે…. સૌ લાઇનમાં રહો ને યાર.’

‘ભૈશાબ, નોટબંધીથી લાઇનોમાં જ ઊભા રહેતા આવ્યા છીએ. હવે તો શાંતિ થાય એવું કરો !’

‘ટોકનો આપી દો, ટોકનો…. એટલે આમતેમ પડ્યા રહીએ.’

‘ટોકનોમાં ય લોચા છે. વહેલા તે પહેલાના ધોરણે આપવામાં પણ ડખા છે.’

‘કેમ ? શું ડખા છે ?’

‘અરે ભઇ, પાડા ઉપર નાંખી નાંખીને લઇ તો આવ્યા, પણ ચોપડે નોંધવામાં બધું ઉપર-નીચે થઇ ગયું છે.’

‘લાગે છે કે અહીં પણ વીઆઇપીની ઓળખાણવાળાઓએ ઘૂસ મારી છે !’

‘ભૈશાબ, મારું તો નામ જ અદલા બદલીમાં અટવાયું છે ! સિવિલમાંથી બોડી કોઈ બીજાની આપી અને નામ મારું લખી નાંખ્યું ! હવે પેલાનું શું નામ હતું એની અહીં કોઇને ખબર જ નથી !’

‘આ લોકોએ બોડીની જોડે જોડે આધારકાર્ડની કોપી પણ મંગાવવી જોઈએ ને ?’

‘અલ્યા, સાંભળ્યું છે કે કોરોનામાં મર્યા હોય એના માટે પહેલી પ્રાયોરીટી છે ?’

‘ઊંધું હશે ભઇલા ! કોરોના વગરના ઓછા છે !’

‘તો આપણે કોરોના વગરની લાઇનમાં ઘૂસો ને ?’

‘પણ અહીં લાઇનો જ ક્યાં છે ?’

‘જોયું ? આને જ સાચી મુક્તિ કહેવાય ! લાઇનોમાંથી પણ મુક્તિ !’

‘અલ્યા આ ધક્કા-મુક્કીને તમે મુક્તિ કહો છો ?’

‘ભાઈ, મારે તો મારા બારમામાં લાડવા ખવરાવવા હતા.’

‘ કાકા, રસની સિઝન હતી. મારી ઇચ્છા તો -’

‘લાડવા અને રસ ભૂલી જાવ ! ધક્કા ખાઓ ધક્કા…’

‘અલ્યા સાંભળો ! કોઈ ખબર લાયું છે કે જે બીજાના પાપે મર્યા હોય એનાં પોતાના માફ કરવામાં આવશે…’

(આ સાંભળતાં જ ચારેબાજુ નવેસરથી અફરા-તફરી મચી જાય છે…)

***

- મન્નુ શેખચલ્લી

Comments