કહે છે કે ભારતમાં વાવાઝોડાની ઝડપે ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટનું નામ B.1.617 છે.
જોકે અમારા હિસાબે દેશમાં એ સિવાય પણ વિવિધ પ્રકારના વાયરસના ખતરનાક વેરિએન્ટો ફરી રહ્યા છે ! જેમકે…
***
Know 1.5
આ વાયરસ તો છેલ્લા 13 મહિનાથી દેશમાં ફેલાઈ ચૂક્યો છે ! ગુજરાતીમાં તેનો અનુવાદ કરીએ તો તેને ‘જાણું-દોઢ’ કહેવાય છે. વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા ફેલાયેલા આ વાયરસની ઝપેટમાં જે આવે છે તે પોતાની જાતને બહુ ડાહ્યા સમજવા લાગે છે પણ હકીકતમાં તેઓ દોઢ ડાહ્યા છે !
***
O2 Black
ઓ-ટુ એટલે ઓક્સિજન. અને Black એટલે કાળા બજાર. આ વાયરસનો છેલ્લા પંદર દિવસમાં ભયાનક વિસ્ફોટ થયો છે. માત્ર ઓક્સિજન જ નહીં, રેમડેસિવિર જેવી દવાઓનાં પણ કૌભાંડો ચાલી રહ્યા છે. આ દવાઓ પણ પ્રાણવાયુ સમાન હોવાથી તેને વાયરસની ‘ઓ-ટુ’ કેટેગરીમાં જ ગણવામાં આવી છે.
***
I.VIP. 1/mn.
આ વાયરસનો ચેપ લાગવાથી માણસ પોતાને VIP સમજવા લાગે છે. જ્યાં ને ત્યાં રૂઆબ છાંટતાં પૂછ્યા કરે છે ‘તને ખબર છે, હું કોણ છું ?’ (આઈ વીઆઈપી !) આના દરદી પોતાને ‘વન ઇન અ મિલિયન’ માનતા થઈ જાય છે. એટલે તેના નામમાં 1/mn. ઉમેરાયું છે. આ વાયરસના ચેપીઓ માટે હોસ્પિટલોમાં ઓલરેડી અમુક બેડ ખાલી રાખવા પડે છે. જેના કારણે વધુ એક વાયરસનો જન્મ થયો છે, જેનું નામ છે…
***
0.Bed
યાને કે ‘ઝિરો-બેડ’ ! હોસ્પિટલોની બહાર બોર્ડ લાગી જાય છે કે એકપણ બેડ અવેલેબલ નથી ! પરંતુ હકીકતમાં અમુક પૈસાદાર પાર્ટીઓ જેને VIP વાયરસ વળગ્યો છે તેમનાં ચામડાં ચીરાઈ જાય એવો ચાર્જ વસૂલીને બેડ આપવામાં આવે છે.
***
Lead.9.2.11
આનું લોંગ ફોર્મ છે ‘લિડર નૌ દો ગ્યારહ !’ ચૂંટણી વખતે જ્યારે વોટ જોઈતા હતા ત્યારે હજારોની સંખ્યામાં મહોલ્લે મહોલ્લે જે નેતાઓ ફૂટી નીકળ્યા હતા તે બધા અત્યારે ગાયબ કેમ છે ? કેમકે એમને બિચારાઓને આ નવો વાયરસ લાગુ પડી ગયો છે ! શું કરીએ ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment