એક વાચક મિત્રએ સુચન મોકલ્યું છે કે આ કોરોનાની સેકન્ડ લહેરમાં પોઝિટીવ અભિગમવાળો એકાદ હાસ્યલેખ આપો ! લો બોલો.
અલ્યા ભઈ, જ્યાં હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઇનો લાગી છે અને સ્મશાનોમાં મડદાંઓ વેઇટિંગમાં સૂતાં છે ત્યાં ‘પોઝિટીવ’ વળી ક્યાંથી લાવવું ?
શું આપણે એમ્બ્યુલન્સમાં તરફડી રહેલા પેશન્ટને અમિતાભના ઘોઘરા અવાજમાં એવું કહેવાનું કે ‘યે ભી ગુજર જાયેગા…?’ બિચારો એમ્બ્યુલન્સમાં જ ગુજરી જાય ને ? અને પેલા સ્મશાનની બહાર પ્રાયવેટ ટેમ્પોમાં જે વેઇટિંગમાં સૂતું છે તેને શું કહેવાનું ? HORN OK PLEASE, TATA, ફિર મિલેંગે ?
યાર, આટલી બધી પોઝિટીવિટીઓ કાઢવી ક્યાંથી ? એક્ચ્યુલી બોસ, થયું છે શું કે આપણે ૨૦૨૦માં જ બધી પોઝિટીવીટીનો સ્ટોક વાપરી નાંખ્યો છે. આપણા ચિંતન કોલમિયાઓએ આપણને સમજાવી દીધું કે આપણા સંબંધોનાં તાંતણાઓ જ માસ્કના થ્રી લેયર ફેબ્રિક જેવાં છે ! વડીલોએ જુનિયર ડૂડ્સને શીખામણ આપી દીધી કે ધરતીનો છેડો ઘરની બેટરીના રિ-ચાર્જરમાં જ છે ! પત્નીએ પોઝિટીવીટી શીખવાડી દીધી કે ચપ્પુએ માર્યાં કાંદા ભલે છૂટાં પડતી વખતે રડાવે પણ તમારે મારા વેણથી (કે વેલણથી) જરા રડવાનું નથી, સમજ્યા ?
હદ તો ત્યાં થઈ ગઈ કે આપણે દસ કિલોમીટર દૂરથી નહીં આંખે દેખાતા પેલા કચરાના ડુંગરને ‘પોઝિટીવ’ સમજી બેઠા હતા ! અલ્યા, આપણા જ મળમૂત્ર અને બગાડને આપણે ‘શુધ્ધ પર્યાવરણમાં’ જોઈને હરખાઈ રહ્યા હતા !
આજે દશા એવી છે કે કિચનમાં થાળી અને વેલણ જોડેજોડે પડેલાં જોઈને માથામાં મંજીરા વગાડવાનું મન થઈ આવે છે ! અલ્યા, શું સમજીને આપણે ધાબે ‘ટનટન ટનટન’ કરવા માટે ચડી ગયા હતા ? નેગેટિવીટી એટલી હદે વ્યાપી ગઈ છે કે કોઈ જ્યોતિષી પણ ભૂલેચૂકે એવી આગાહી નથી કરી રહ્યો કે નવ તારીખે નવ વાગીને નવ મિનિટ નવ ગ્રહમાંથી બારમો ગ્રહ નવ અંશના ખૂણેથી નવ વાર પસાર થશે તે વખતે જેણે નવ દિવડા સળગાવીને યથાશક્તિ પોતાની દાઢીના સફેદ વાળને દિવડાની જ્યોત વડે દઝાડ્યા હશે…. તેને 108માંથી સામેથી ફોન આવશે કે MAY I HELP YOU?
સોરી, આ છેલ્લી પોઝિટીવીટી જરા વધારે પડતી ‘રેપિડ’ થઈ ગઈ પણ કહેવાનો મતલબ એ છે કે હજી કેટલા પોઝિટીવ થવાનું છે…. યાઆઆઆર ?
જોકે સિરિયસલી, અમુક બાબતોમાં શાંતિ છે. જેમકે આપણે આ વખતે માવા ગુટખાનો સ્ટોક બરોબર ભરી લીધો છે કેમ કે ‘લોકડાઉન નથી થવાનું’ એવી જાહેરાત રૂપાણી સાહેબે વેલ ઇન એડવાન્સ કરી દીધી. બીજું, આ વખતે પોલીસના ડંડા પણ નહીં ખાવા પડે કારણ કે મની માઈન્ડેડ ગુજરાતીઓએ લગભગ 100 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે ભરીને યુદ્ધવિરામની સફેદ ધજા પણ ફરકાવી લીધી છે.
હવે જો બાકી બચેલી પોઝિટીવીટી ટકાવી રાખવી હોય તો અમારા તરફથી કેટલીક સલાહો છે, તેને અમલમાં મુકી શકો છો.
(1) ટીવીમાં કોરોના વિશે ન્યુઝ ચાલુ થાય કે તરત ચેનલ બદલી નાંખો. મેન્ટલ ડિસ્ન્ટન્સ વધારો. સાસુ-વહુની સિરિયલો જુઓ. નાગ-નાગિનની સિરિયલો જોવાથી પણ મેન્ટલ ઇમ્યુનિટી વધે છે.
(2) છાપામાં કોરોનાના આંકડા ક્રિકેટમેચના સ્કોરની જેમ ના વાંચો. આ ડેથ-ઓવર્સ નથી ચાલી રહી. હજી આપણી પાસે 134 કરોડ 99 લાખ 999 વિકેટો બાકી છે. અને હા, છેલ્લા નવ મહિનામાં ઘણા નવા ખેલાડીઓ પણ ઉમેરાયા છે.
(3) ઘરમાં પોતાના બેડરૂમમાં પોસ્ટર લગાડો… ‘દો ગજ કી દૂરી, જીને કે લિયે જરૂરી’ ચપ્પુ ઉપર સ્ટિકર લગાડો... ‘જૈસે ભીંડી કટ રહી હૈ વૈસે જિંદગી ભી કટ જાયેગી.’ બાળકોની નોટમાં લખાવડાવો... ‘બડા હો કર મૈં નેતા બનુંગા, કોરોના તૂ ક્યા કર લેગા ?’
અને (4) સોનેરી ભવિષ્યનો વિચાર કરો… જ્યારે તમે ઘરડા થશો ત્યારે તમારાં પૌત્ર-પૌત્રીઓ આગળ કેવાં ભવ્ય ગપ્પાં મારતા હશો ! સ્વસ્થ રહો. મસ્ત રહો. પોઝિટીવીટી ગઈ તેલ લેવા.
***
-મન્નુ શેખચલ્લી
e-mail. : mannu41955@gmail.com
Comments
Post a Comment