'મુન્ની બદનામ' સ્કૂલના અભ્યાસક્રમમાં ?!

હેલન, બિંદુ, જયશ્રી ટી. અને જુના જમાનાની કુક્કુથી લઈને આજની રાખી સાવંત તથા ખાસ કરીને મલાઇકા અરોરાની છાતી ગર્વથી ગજ ગજ ફૂલી જાય એવા સમાચાર છે ! સમાચાર એવા છે કે બ્રિટનની સ્કુલોમાં ઇન્ડિયન મ્યુઝિકનો કોર્સ કરનારા સ્ટુડન્ટોના અભ્યાસક્રમમાં ફિલ્મ ‘દબંગ’નું જગમશહૂર ગાયન ‘મુન્ની બદનામ હુઈ તેરે લિયે’… સામેલ કરવામાં આવ્યું છે !

આમે ય, જ્યાં ‘નાસા’માં આપણો કોઈ દેશી માણસ ભલેને ત્યાં પોતાં મારતો હોય તોય આપણો હરખ ઝાલ્યો ઝલાતો નથી ! પેલી કલ્પના ચાવલાને ‘ગુજર્રાટી’ પણ સરખું બોલતાં નહોતું આવડતું છતાં આપણે સૌ એનાં ‘પિયરીયાં’ હોવાને નાતે એના માટે થેપલાં-ખાખરા અને ગળ્યા શક્કરપારાના નાસ્તા અવકાશયાનમાં પહોંચાડવા માટે કેવા ઘેર ઘેર ડબ્બા બનાવવા મંડી પડ્યા હતા !

આ હિસાબે તો હવે ડાન્સ ઇન્ડિયા ડાન્સ જેવા પ્રોગ્રામોમાં જે માસૂમ બેબલીઓ ‘ચિકની ચમેલી’ અને ‘શીલા કી જવાની’ જેવાં ગાયનો ઉપર ડાન્સ કરવા આવી પહોંચે છે એમનાં મા-બાપોએ તો હવે બસ, સપનાં જ જોવાનાં રહ્યાં કે એક દિવસ એમની બેબલી લંડનની કોઈ સ્કુલના ‘એન્યુઅલ ડે’ના ફંકશનમાં ‘સાંસ્કૃતિક કાર્યક્રમ’ તરીકે ‘મુન્ની બદનામ હઈ…’ની ધૂન ઉપર નૃત્ય કરતી હશે !

અહીં ભારતીય સંસ્કૃતિના રખેવાળોએ એટલા બધા ગુસ્સે થઇ જવાની જરૂર નથી કેમકે એ લોકોએ બેલેન્સ કરવા માટે કિશોરી આમોનકર (એ વળી કોણ?), અનુષ્કા શંકર (અરે સિતારવાદક રવિશંકરની બેબી !) અને એ.આર. રહેમાન (અમેરિકા જઇને ઓસ્કાર જીતી લાવેલો એ !) વગેરેને પણ કોર્સમાં સાથે રાખ્યાં છે. આ બધું બેલેન્સિંગ એટલા માટે હોય છે કે એ ધોળિયાઓ પોતાને સાચા અર્થમાં બિરબલો, સોરી, લિબરલો ગણાવે છે.

ચાલો એ બધું છોડો, જરા વિચારો કે આપણી ‘મુન્ની બદનામ…’નો ત્યાંની સ્કુલોમાં શી રીતે ‘રસાસ્વાદ’ કરાવતા હશે ?

એમને મ્યુઝિક ટિચરો ઠાવકું મોં રાખીને સમજાવશે કે ‘ઇન્ડિયન સિનેમામાં ‘આઇટમ સોંગ’ એ છેલ્લા વરસથી ચાલી આવતી સંગીત-નૃત્ય ‘પરંપરા’ છે ! આ છૂટક ‘આઇટમ’ એવી ડિટેચેબલ અને એટેચેબલ હોય છે કે કોઈપણ ફિલ્મની કોઈપણ સ્ટોરીના કોઈપણ વળાંકની વચ્ચે તેને ‘ફીટ’ કરી શકાય છે ! સાદી ભારતીય ભાષામાં કહીએ તો આઇટમ સોંગ એ વિશિષ્ટ આલુ (બટાકા) છે જે મટર, ભીંડી, પનીર, છોલે, ટીંડે, ગોબી, પાલખ કે ઇવન સેવ-ટામેટાં સાથે ભળી જઈ શકે છે….’

ગીતના શબ્દોનું રસપાન કરાવતાં ટિચર કહેશે ‘લિસન ટુ વર્ડઝ વેરી કેરફૂલી… મુન્ની કે ગાલ ગુલાબી, નૈન શરાબી, ચાલ નવાબી રે… અહીં ગુલાબી, નવાબી, શરાબી વગેરે શબ્દો વડે ભારતના ભવ્ય મુઘલકાળનો વારસો ઝિલાયો છે તો બીજી તરફ ‘મૈં ઝંડુ બામ હુઈ’ જેવા શબ્દો વડે આજના આધુનિક ભારતમાં આયુર્વેદિક પ્રોડક્ટોએ કન્ઝ્યુમર માર્કેટ ઉપર કેવી પક્કડ જમાવી છે તેનાં ‘ગૌરવગાન’ ગવાયાં છે ! (બોલો, આ પહેલાં તમે કદી આ ગાયન આ એંગલથી સાંભળ્યું હતું ? નહીં ને !)’

આગળ સાંભળો… ‘શિલ્પા સા ફિગર, બેબો સી અદા…’ અહીં કવિ કહેવા માંગે છે કે હવે તો શિલ્પા શેટ્ટી અને કરિશ્મા કપૂર જેવી મેઇન હિરોઈનો પણ આઇટમ સોંગ કરે છે ! અગાઉના જમાનામાં જે ‘ડાન્સર’ અને ‘હિરોઇન’ વચ્ચે ઊંચ-નીચના ભેદભાવો હતા તે ખતમ થઈ ગયા છે !

આગળ જતાં કવિ લખે છે કે ‘મૈં ટંકસાલ હુઈ, ડાર્લિંગ તેરે લિયે…’ અહીં કવિ ભારતના વિકસી રહેલા અર્થતંત્ર તરફ ઇશારો કરીને આપણને કહી રહ્યા છે કે એક મામૂલી આઇટમ ડાન્સર પણ નાણાંનો વરસાદ વરસાવી શકે છે. (જે રીતે એક સામાન્ય ચા વેચનારો વડાપ્રધાન બની શકે છે, એ જ રીતે !) વળી ‘સિનેમા હોલ હૂઈ…’ દ્વારા શું કહેવાઈ રહ્યું છે ?

અરે, અહીં જ આખો શબ્દોનો ખેલ છે ! આ માત્ર ‘સિનેમા’ના ‘હોલ’ નથી. આ તો ‘સિને-મા-હોલ’ છે ! મતલબ કે ‘સિનેમા’ આપણી ‘મા’ છે ! સાથે સાથે ‘મા-હોલ’ એટલે કે આખેઆખું ફિલ્મી ‘પર્યાવરણ’ રચાયું છે, સિનેમા થકી ! સમજ્યા ?

યાર, હવે તો કબૂલ કરશો ને કે બિચારી મુન્ની ખામોંખાં બદનામ હુઈ આખ્ખે-આખ્ખા ભારત કે લિયે !

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments