આ કોરોના જઇ જઇને પાછો આવ્યો એ જાણે ઓછું હોય તેમ અમુક કમનીસીબીઓ આપણને ક્યારેય છોડતી જ નથી ! એના પણ અમુક નિયમો છે…
***
ઓફિસમાં બહાનાનો નિયમ
જે દિવસે તમે બહાનું કાઢો કે ‘સર, આજે મારી બાઇકમાં પંચર પડી ગયું હતું’ એના બીજા જ દિવસે ખરેખર પંચર પડે છે !
***
જાહેર શૌચાલય (પબ્લિક ટોઇલેટ)નો નિયમ
જ્યારે તમને બહુ જોરથી ‘લાગી’ હોય ત્યારે જ લાઈનો લાંબી હોય ! અને જ્યારે તમે ‘પતાવી’ને નીકળો ત્યારે બધું ખાલી હોય !
***
ઇમ્પોર્ટન્ટ ચીજનો નિયમ
જે વસ્તુને તમે ‘સાચવી’ને બરોબર ‘ઠેકાણે’ રાખી હોય એ ચીજ ખરે ટાઇમે મળતી જ નથી !
***
માસ્કનો નિયમ
બબ્બે કલાક માસ્ક પહેરીને ગુંગળાઈ ગયા પછી થોડી વાર માટે તમે માસ્ક ઉતારો કે તરત જ પોલીસને દેખાઇ જાય છે !
***
મશીન રિપેરિંગનો નિયમ
જ્યારે બન્ને હાથમાં ગ્રીઝ કે ઓઇલ ચોપડાઇ ગયું હોય ત્યારે જ નાક ઉપર ખંજવાળ આવે છે !
***
રોંગ નંબરનો નિયમ
જ્યારે તમે ભૂલથી ખોટો નંબર લગાડો છો… ત્યારે તે કદી ‘બિઝી’ કે ‘આઉટ ઓફ કવરેજ’ નથી હોતો !
***
અજાણ્યા નંબરનો નિયમ
બિઝનેસ મળશે એમ સમજીને સત્તર અજાણ્યા નંબરના ફોન ઉપાડો તો એ ચીટકુ માર્કેટિંગવાળા જ નીકળે છે અને... જે અઢારમો નંબર તમે નથી ઉપાડતા એ જ કોઈ પૈસાદાર ક્લાયન્ટનો હોય છે !
***
બોસના ફોનનો નિયમ
જ્યારે તમે ગરમાગરમ ચાનો કપ લઈને શાંતિથી ચુસ્કીઓ મારીને પીવાના મૂડમાં બેઠા હો ત્યારે આવેલો બોસનો ફોન... ચા ઠંડી પડી જાય ત્યાં સુધી ચાલે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment