સેકન્ડ વેવનાં સાત સત્યો !

કોરોનાની બીજી લહેરમાં જેટલી સરકાર સ્તબ્ધ છે એટલા જ ચાંપલા ચિંતનકારો પણ ડઘાયેલા છે ! એક વરસ પહેલાં જે ઉપદેશો આપી દીધા તે હવે ફરીથી કોઈ સાંભળવા નવરું નથી. 

યાર,જે બિચારાઓ પોતાના સ્વજનને દાખલ કરાવવા માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે દોડાદોડી કરી રહ્યા હોય એને ઊભા રાખીને તમે કહેવા માંડો કે ‘મિત્ર, આ કોરોનાએ જ આપણને અંગત સ્વજનની જે હૂંફ છે, તેની ‘સાચી કિંમત’ સમજાવી છે… ભલે મંદિરો બંધ છે પણ ઘર એ જ ‘સાચું મંદિર’ છે…. ‘સાચી પ્રાર્થના’ કદી એળે નથી જતી….’ વગેરે વગેરે.’ તો પેલો સામેથી એક ‘સાચી’ અડબોથવાળી ના ફટકારે ?

એટલે જ અમે આ સેકન્ડ વેવમાં સાંપડેલા સાત ‘સાચાં’ સત્યો શોધીને તમારી આગળ પ્રસ્તુત કરી રહ્યા છીએ…

(1) બર્મુડા જ બેસ્ટ છે !

આમેય ઉનાળો આવ્યો છે. ચપોચપ જિન્સ (ભલે ફાટેલાં હોય તોય) પહેરવાથી હવા ટાઈટ થઈ જાય છે. નવી સ્ટાઈલનાં ટ્રાઉઝરો તો દેશી ચોયણા જેવા નીકળ્યા છે. એને પહેરવા અને કાઢવામાં જ એટલી કસરત થાય છે કે પરસેવા છૂટી જાય છે. એના કરતાં ગયા વરસવાળા વર્ક ફ્રોમ હોમના બર્મુડા જ બેસ્ટ છે. હજી લોકડાઉન નથી લાગ્યું ત્યાં સુધી તો તમે ચડ્ડો અને સ્લીપર પહેરીને પાનના ગલ્લે માવો ખાવા પણ જઈ શકો છો.

(2) ઘર કી દાલ મુરગી બરાબર

ફરી એકવાર આપણે રેસ્ટોરન્ટના દાલ-તડકા તડકે મુકીને ઘરની ગુજરાતી દાળને શરણે આવી ગયા ને ? આમાં વાત માત્ર ઘરની દાળની નથી. ઘરની પત્ની, ઘરનો પતિ, ઘરની સાસુ અને ઘરની પાડોશણ પણ આજની તારીખે શ્રેષ્ઠ જ માનવી પડશે.

જે રીતે ઘરની જ રસોઈ બેસ્ટ છે અને પાડોશણની વાટકીમાં ફાંફાં નથી મારવાનાં એ જ રીતે ઘરની પાડોશણ ઘરમાં વાટકી વ્યવહાર કરવા માટે કંઈક નવી વાનગી લઈને આવે તો પતિઓએ માસ્ક પહેર્યા વિના મોઢાંની બત્રીસી અને બર્મુડાનાં ઉઘાડાં ઘૂંટણ બતાડવા માટે ધસી આવવાનું નથી ! સમજ્યા ?

(3) કુદરતનો ઓક્સિજન ફ્રી છે !

બોલો, હવે તો કુદરતની મહેરબાનીનો એહસાસ થયો ને ! જ્યારે 80 રૂપિયે લીટરનાં પેટ્રોલો બાળીને અહીંથી ત્યાં દોડાદોડી કરવા છતાં, 8000 રૂપિયા ચૂકવવાની તૈયારી હોવા છતાં, ઓક્સિજનનો એક બાટલો પણ ના મળ્યો ત્યારે જીવનનું સત્ય આપણને કોરોનાની બીજી લહેરે સમજાવ્યું !

બકા, કુદરતનો ઓક્સિજન આટલાં વરસ લગી ફ્રીમાં વાપર્યો છે એના માટે તેં કદી એક નાનકડું ‘થેન્ક યુ’ પણ કીધું છે ખરું ? તો ચાલો, ઊંડા શ્વાસ લો (કુદરતી ઓક્સિજનવાળો) અને બોલો, ‘થેન્ક યુ’…

(4) નેતાઓને બધી જ ખબર છે

આ સત્ય તમને કડવું લાગશે પરંતુ અમે શોધી કાઢેલું આ સૌથી મજબૂત સત્ય છે ! જી હા, નેતાઓને પાક્કી ખબર હોય છે કે કોરોના ક્યાં અને કેટલા જોરમાં ફેલાયો છે.

તમે માર્ક કરજો, જ્યારે આખી દુનિયામાં કોરોનાનો હાહાકાર ફેલાયો હતો ત્યારે આપણો એકેય નેતો જાહેરમાં પ્રજા વચ્ચે દેખાયો હતો ? ના ! એ આખી પ્રજાતિ કોણ જાણે કયા ભોંયરામાં છૂપાઈને બેઠી હતી ! પરંતુ જ્યારે કોરોનાનો સપાટો પતી ગયો ત્યારે ચૂંટણીઓ ગોઠવીને આ પ્રજાતિના સભ્યો બિન્દાસ માસ્ક વિના હજારોની ભીડ વચ્ચે ઘુમી રહ્યા હતા ! શું એ વખતે એમને કોઈ બીક નહોતી ? ના ! કેમકે એમને પાકી ‘ખબર હતી’ કે કોરોના નથી !

છેક હમણાં સુધી બંગાળમાં પણ હજારો-લાખોની ભીડ વચ્ચે એ લોકો ખુલેઆમ ફર્યા છે પણ જેવા કેસ વધવા લાગ્યા કે તરત વાવટા સમેટીને સૌ કેવા ઘરભેગા થવા માંડ્યા છે !? ટુંકમાં, માનો યા ના માનો, વૈજ્ઞાનિકો અને ડોક્ટરો કરતાં આ નેતાઓ પાસે કોરોના વિશે વધારે ઊંડી જાણકારી છે.

(5) મોબાઈલ હી જીવન હૈ !

કોરોનાની આ સચ્ચાઈ છે : ઓક્સિજન પછીની સૌથી મહત્વની ચીજ કોઈ હોય તો તે મોબાઈલ ફોન છે !

જસ્ટ, કલ્પના કરો, આ રમકડું ના હોત તો દેશની 63 કરોડ જનતા પાગલ થઈ ગઈ હોત કે નહીં ? તમારી પણ ડાગળી ચસકી ગઈ હોત કે નહીં ? ઉપરથી પોલીસે જો સહેજ ખસી ગયેલું માસ્ક જોઈને હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોત તો તમે એના જ ડંડા વડે એને ફટકાર્યો હોત કે નહીં ?

જો આ દેશમાં લોહિયાળ ક્રાંતિ કરાવવી હોય તો એક જ શસ્ત્ર છે : બધાં નેટવર્કોને બોમ્બથી ઉડાવી દો !

(6) બધો વાંક આપણો જ છે !

અત્યારે તમારે સરકારો, નેતાઓ, ડોક્ટરો, હોસ્પિટલો, ટીવી ચેનલો, ચીન, પાકિસ્તાન કે સેક્યુલરો / ભક્તોનો વાંક કાઢવો હોય એટલો કાઢી લો... પણ છેવટે તો તમે જ કબૂલ કરશો કે યાર, બધો વાંક આપણો જ છે ! જોજો.

(7) છાપાંઓથી કોરોના નથી ફેલાતો

આટલી સીધી સાદી વાત ભણેલા ગણેલા, બંગલા ગાડીવાળા, ધનવાન બુધ્ધુઓને સમજતાં પૂરા છ-છ મહિના ગયા ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment