'બાલી ઉમર' અને 'બચપન બિદાઈ'નાં ગાયનો !

આપણી હિન્દી ફિલ્મોના ગીતકારો માટે હિરોઈન જવાન થઈ જાય એ પણ ખાસ પ્રસંગ સમાન હોય છે ! જે રીતે બાળકની ગોદભરાઈનાં લોકગીતો હોય, કે કન્યા વિદાયનાં ગીતો હોય એ જ રીતે ફિલ્મી ગીતકારોએ આ નવી ‘બચપન બિદાઈ’ની પરંપરા ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે ! ફિલ્મ ‘જંગલી’માં ખરેખર માત્ર 15 વરસની ઉંમરે હિરોઇન બની ગયેલી સાયરાબાનુએ ગાયું છે :

‘જા જા જા, મેરે બચપન, કહીં જા કે છુપ નાદાન ! યે સફર હૈ અબ મુશ્કીલ, આને કો હૈ તૂફાન !’

બચપણને બાય બાય કરી રહેલી સાયરાને પાકી ખબર હતી કે શમ્મીકપૂર નામનું વાવાઝોડું ‘યા… હૂ… ઉઉઉ’ કરતું ત્રાટકવાનું છે ! એ તો ઠીક પણ એ જ સાયરાબાનું એકત્રીસ વરસના થઈને દિલીપકુમરના ધર્મપત્ની બની ચૂક્યાં હતાં ત્યારે પણ ગાતાં હતાં : (બૈરાગ : 1975)

'છોટી સી ઉંમર મેં યે લગ ગયા રોગ, કહ લગતે હૈં લોગ, મૈં મર જાઉંગી !’

હશે. આપણી પબ્લિક દયાળુ છે. હિસાબમાં ‘ભૂલચૂક લેવી દેવી’ કરીને જતું કરે છે. જુઓને, ‘કર્ઝ’માં ટીના મુનિમ અને રિશીકપૂર કેટલા વરસના હતા ? છતાં બેધડક ગાતાં હતાં મૈં સોલા બરસ કી, મૈં સતરા બરસ કા..’ એમાં વળી શાકભાજીની લારી ઉપર થતા હોય એવા ભાવતાલ પણ થાય છે : ‘સોલા !’ ‘સતરા !’ ‘સોલા !’’ ‘સતરા !’ છેવટે સાડા સોળની રકમ ઉપર સોદો નક્કી થાય ત્યારે ટીના વોર્નિંગ આપે છે કે ‘એક દો બરસ જરા દૂર રહના, કુછ હો ગયા તો ફિર ના કહેના !’

આમાં એક-દો બરસનું ગણિત એવું હશે કે છોકરો અઢાર વરસનો થઈ જાય તો કાનૂનની નજરમાં પરણવાલાયક થઈ જાય ! આ તો અરવિંદ કેજરીવાલનું ધ્યાન છેક હમણાં પડ્યું એટલે જ દિલ્હીમાં દારૂનું લાયસન્સ લેવા માટે 16 વરસની લિમિટ ફાઇનલ કરી નાંખી. (દિલ્હીની છોકરીઓ માટે પણ !)

બીજી બાજુ ‘એક દૂજે કે લિયે’માં રતિબહેન અગ્નિહોત્રી પ્રેમ-બેમ, વિરહ-બિરહ બધું પતાવી દીધા પછી પોતાની ઉંમર જાહેર કરતાં ‘આકાશવાણી’ ગાયન ગવડાવે છે : સોલા બરસ કી બાલી ઉમર કો સલામ…’ બોલો.

આ ‘બાલી ઉમર’ શું ચીજ છે ? એ જાતજાતનાં ગીતો ગવડાવે છે. ‘ગયા બચપન જો આઇ જવાની, ચુનરી પતંગ હો ગઈ…’ અહીં આપણે તો માત્ર કલ્પના જ કરવાની કે બેનની ચૂનરીમાં એવો તે શું પવન ફૂંકાયો હશે કે ગુજરાતના વાયબ્રન્ટ પતંગોત્સવમાં જે ફોરેનની પેરેશૂટ ટાઇપની રંગબિરંગી પતંગો આવે છે એવો આકાર થઇ ગયો હશે ?

બીજા એક ગીતમાં ‘બાલી’ ઉમર પાર કરી જવાની તારીખ નોંધવાની જવાબદારી આપણી ઉપર નાંખતાં બહેન ગાય છે : ‘આજ મૈં જવાન હો ગઈ હું, ગુલ સે ગુલિસ્તાન હો ગઈ હું, યે દિન યે સાલ યે મહિના, ઓ મીઠ્ઠુમિયાં ભૂલેગા મુજ કો કભી ના !’ (આમાં મીઠ્ઠુમિયાં એક પોપટ છે. તેથી તેના કોઈ બીજા અર્થઘટન કરવાનાં નથી.)

આવાં ગીતો માત્ર હિરોઇનો જ ગાય એવું નથી. એક ગાયનમાં હીરો પણ કન્ફ્યુઝ છે એ કહે છે ‘અભી કમસીન હો, નાદાં હો, નાજુક હો, ભોલી હો, સોચતા હું મૈં કે તુઝે પ્યાર ના કરું !’ બોલો, જે દેશમાં બાળવિવાહ ઉપર તો લાંબી લાંબી હજાર એપિસોડની સિરીયલો બની ગઈ ત્યાં આ ભાઇ હજી વિચારમાં હતા કે તુઝે ‘પ્યાર’ કરું કે ના કરું !

હશે, એમને પણ માફ કરો કેમ કે બીજી એક ફિલ્મમાં ઓલરેડી 25-30 વરસનાં દેખાતાં હિરોઇનજીએ નિયમ જાહેર કરેલો છે કે ‘એક કલી જબ તલક ફૂલ બન કે ખિલે, ઇન્તેજાર… ઇન્તેજાર… ઇન્તેજાર કરો !’

મગર ઓબ્જેક્શન મિ લોર્ડ ! આની અગાઉ કુમારી શર્મિલા ટાગોર પોતે બાલી ઉમરમાં જ કહી ચૂક્યા છે કે ‘કાશ્મીર કી કલી હૂં મૈં, મુજ સે ના રૂઠો બાબુજી, મુરઝા ગઈ તો ફિર ના ખિલુંગી, કભી નહીં, કભી નહીં, કભી નહીં….’ મતલબ કે અહીં છોકરાઓએ શું સમજવાનું ? ફક્ત રીસાવાથી કલીઓ મુરઝાઈ જશે ?

કવિશ્રી આનંદ બક્ષીએ તો બાગાયત ખાતાની ફાઈલમાંથી કલીઓનો બગીચો બનાવવાની આખી ફોર્મ્યુલા જ તફડાવી મારી છે : ‘થોડા રેશમ લગતા હૈ, થોડા શીશા લગતા હૈ, હીરે મોતી જડતે હૈં, થોડા સોના લગતા હૈ… કલિયોં કા ચમન તબ બનતા હૈ !’ બોલો, લેડીઝ હોસ્ટેલ કે લેડીઝ સ્પેશીયલ ટ્રેનો પણ હજી કેટલા સસ્તામાં બની જાય છે ?

આનંદ બક્ષીનું બીજું એક ગીત તો આટલાં વરસો પછી પણ ભેજામાં જ નથી ઉતરતું કે 'રેશમા જવાન હો ગઈ... તીર કમાન હો ગઈ..' યાર, તીર અચાનક કમાન ની રીતે બની જાય ? આખો ભૂમિતિનો અઘરો પ્રમેય જેવો દાખલો લાગે છે.

ફિલ્મ 'દસ લાખ'માં અવળી ગંગા વહેતી હતી. બુઢ્ઢો ઓમપ્રકાશ રંગીન ચડ્ડી અને ફુલ ફુલની ડિઝાઇનવાળું શર્ટ પહેરીને ચટ્ટાપટ્ટાવાળું ફ્રોક પહેરીને નાચતી જાડી મનોરમા પાછળ દોડી દોડીને ગાય છે 'તેરી પતલી કમર, તેરી બાલી ઉમર, તેરી તીરછી નજર..!' બોલો, લાખ રૂપિયાની વાત કીધી ને ?

જોવાની વાત એ છે કે ‘સોલવાં સાવન’ નામની ફિલ્મથી શ્રીદેવીની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી થઈ હતી એમાં આવી ‘બાલી’ ઉમરવાળું એકે ગાયન જ નથી. બાકી, ‘સોલવાં સાલ’ નામની જુની ફિલ્મમાં ‘દેખો જી મોરા હાલ, બદલ ગઈ ચાલ, દેખો મોહે લાગા સોલવાં સાલ’ એવું ગાયન બત્રીસ બત્રીસ વરસની એકસ્ટ્રાઓ જ ગાય છે !

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments