હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ ઉપર આધારિત અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બિગ બુલ’ 5.6 મિલિયન વાર ડાઉનલોડ થઈ ! એ જ વાત ઉપર સિનિયર બચ્ચન સાહેબે ટ્વિટ કર્યું કે ‘આઇ એમ પ્રાઉડ ઓફ માય સન…’ આ વાંચીને ‘સ્મોલ બી’ હરખઘેલો થઈને દોડતો ઘરે આવે છે….
‘ઓ ડેડી ! યુ આર ગ્રેટ ! સિમ્પલી ગ્રેટ !’
‘આજે ખબર પડી ?’ બિગ બી બહુ ઠંડકથી પૂછે છે. ‘મસ્કા કેમ મારે છે ? પોકેટમની જોઈએ છે ?’
‘ઓ કમ ઓન ડેડ. પોકેટમની માટે હું તમારી આગળ હાથ લાંબો કરતો હોઈશ ? ઐશ્ર્વર્યા છે ને !’
‘ઠીક છે ઠીક છે. આટલો બધો હરખઘેલો કેમ દેખાય છે ?’
‘ડેડી, આખરે કેટલા વરસે તમે મારા વખાણ કર્યાં ! મારી બિગબુલની એક્ટિંગથી તમે ઇમ્પ્રેસ થઈ ગયા ને ?’
સ્હેજ પણ ભાવ આપ્યા વિના બિગ બી કહે છે ‘બેટા પ્રતીક ગાંધીનું નામ સાંભળ્યું છે ?’ સ્મોલ બી માથું ખંજવાળે છે. ‘પ્રતીક ગાંધી ? કોણ છે એ ? કોઈ શેરબજારનો ખેલાડી છે ? કોઈ મોટો નેતા છે ?’
‘ના.’ બચ્ચનબાપા ગળું ખોંખારે છે. ‘એ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી કે સોનિયા ગાંધીનો કોઈ સગો નથી. ગાંધી સરનેમ એને વારસામાં નથી મળી. એના બાપા પણ કોઈ મોટા ગાંધી નહોતા છતાં એ છોકરો એક્ટિંગમાં તારો બાપ છે.’
સ્મોલ બી હવે પોતાનું સ્મોલ માથું ખંજવાળવા લાગે છે. ‘ડેડી તમે કહેવા શું માંગો છો ?’
‘અલ્યા, તારી પાસે આવડી મોટી બચ્ચન સરનેમ છે. છતાં -’
અભિષેક વચ્ચે જ બોલી ઊઠે છે ‘કમ ઓન ડેડી. રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈં વાળો ડાયલોગ મારે એક હજારને સત્તાવીસમી વખત નથી સાંભળવો !’
‘ઓકે. તો સાંભળ.’ બિગ બી કહે છે. ‘હંસલ મહેતાનું નામ સાંભળ્યું છે ?’
સ્મોલ બી તરત બિગ બત્રીસી બતાડીને બોલી ઊઠે છે. ‘હર્ષદ મહેતા ને ? મેં એનો જ તો રોલ કર્યો હતો ! જોરદાર લાગ્યો ને !’
‘હર્ષદ મહેતા નહીં, હંસલ મહેતા ! જેની વેબસિરિઝ ‘સ્કેમ 1992’ ગયા વરસની નંબર વન બની ગઈ તેના ડિરેક્ટર !’
‘ઓહ.’ સ્મોલ બીનું મોં વધુ સ્મોલ બની ગયું. બિગ બીએ પૂછ્યું ‘અચ્છા, કુકી ગુલાટી કોણ છે ?’
હવે અભિષેકનું માથું ભમવા લાગ્યું. ‘પપ્પા કેમ અઘરા અઘરા સવાલો પૂછો છો ? કુકી ગુલાટી વળી કોણ છે ?’
‘એ તારી જ આ બિગ બુલ ફિલ્મનો ડિરેક્ટર છે ! જોયું ? તું જે ફિલ્મ માટે ફૂલીને ફાળકો થઈને ફરે છે એના ડિરેક્ટરનું નામ પણ કોઈ નથી જાણતું ! અચ્છા, હવે બોલ, સુચેતા દલાલ કોણ છે ?’
અભિષેક હવે માથાના વાળ ખેંચવા લાગ્યો. ‘પ્લીઝ, હવે મને એમ ના કહેતા કે સુચેતા દલાલ શેરબજારના કોઈ મોટા દલાલની દિકરી કે વાઈફ કે સાસુમા છે !’
‘નથી જ! સુચેતા દલાલ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની પત્રકાર હતી જેણે આ આખું હર્ષદ મહેતાનું કૌભાંડ ખોદીને બહાર કાઢ્યું હતું. એણે આ કૌભાંડ ઉપર એક દળદાર પુસ્તક લખ્યું છે ! જે વાંચવાની, સમજવાની કે તેમાં ઊંડા ઉતરવાની તમારા લેખકોએ કોશિશ સુધ્ધાં કરી નથી.’
સ્મોલ બીનું મોં હવે રડવા જેવું થઈ ગયું. ‘કમ ઓન ડેડ, એમાં મારો શું વાંક ? મારી એક્ટિંગ તો બધાને ગમી છે ને !’
‘મણિરત્નમનું નામ સાંભળ્યું છે ?’ બિગ બીના આ સવાલથી સ્મોલ બી ફરી કન્ફ્યુઝ થઈ ગયો.
‘હવે આ કોણ મણિરત્નમ ? કોઈ બેન્ક ઓફિસર હતો ? જેણે હર્ષદ મહેતાને આ સ્કેમમાં મદદ કરી હતી ? ડેડી પ્લીઝ, હું સ્ક્રીપ્ટ કદી ધ્યાનથી વાંચતો નથી. મને ત્રાસ કેમ આપો છો ?’
‘કારણકે મણિરત્નમ એ માણસ છે જેણે આજથી 13 વરસ પહેલાં તને 'ગુરુ' ફિલ્મ માટે જે એક્ટિંગ શીખવાડી હતી એ જ એક્ટિંગની ઝેરોક્સ કોપી તેં આ નવી ફિલ્મમાં મારી છે ! બેટા, પેટ ફૂલાવીને પહોળો ચાલે એને એક્ટિંગ ના કહેવાય !’
‘કમ ઓન, ફિલ્મમાં ચાર વાર હું સળંગ બે-બે મિનિટ સુધી હાહા હાહા કરીને હસું છું ! એને એક્ટિંગ ના કહેવાય !’
બિગ બીના ચહેરા ઉપર બિગ આશ્ચર્ય ઉપસી આવે છે. પછી એ આશ્ચર્ય બિગ હતાશામાં ફેરવાઈ જાય છે. બિગ બી પોતાના બિગ હાથ વડે પોતાનું બિગ કપાળ કુટે છે.
છતાં સ્મોલ બી હિંમત હાર્યો નથી. તે કહે છે. ‘ડેડી જે હોય તે, મારી ફિલ્મ 56 લાખ લોકોએ જોઈ.’
‘બેટા, એ જ સ્કેમ છે…’ બિગ બી શાંતિથી સમજાવે છે:
‘તને માત્ર કોરોના ફળ્યો છે ! જરા વિચાર કર, જો કોરોના ના હોત તો શું તારી ફિલ્મની 56 લાખ ટિકીટો વેચાઈ હોત ખરી ? અલ્યા, વેચાઈ હોત તો પુરા 560 કરોડનો વકરો થયો હોત ! હવે તું જ કહે, શું તારી મુવી 5.6 કરોડને લાયક પણ છે ખરી ?’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
વાહ !!🤪😂👌💕💐
ReplyDeleteThank you so much !
Delete