વેક્સિનની આડી આડઅસરો !

શું તમે હમણાં કોરોનાની વેક્સિન લીધી ? લેવાનું વિચારી રહ્યાં છો ? તો સાવધાન ! તમારે આ વેક્સિનની અમુક ખાસ આડઅસરો જાણી લેવી જરૂરી છે…

***

વેક્સિન લેતી વખતે બીજા હાથમાં સતત ચળ આવતી રહે છે કે ‘ક્યારે સેલ્ફી લઉં… અને ક્યારે અપલોડ કરું….’

***

ખાસ કરીને બહેનોને માનસિક તનાવ રહે છે કે વેક્સિન લેતી વખતના ફોટામાં સ્માઈલ તો બરોબર ટકી રહેશે ને ?

***

વેક્સિન લીધેલો ફોટો ફેસબુકમાં મુક્યા પછી કેટલી લાઇક મળી, કેટલી લાઇક વધી અને ફોટો તો બરોબર આવ્યો છે ને… તે વારંવાર ચેક કર્યા કરવાની ચળ આવતી રહે છે.

***

‘મને તો તાવ ના આવ્યો, તમને આવ્યો ?’ આવું અને બીજું સત્તર જાતનું બીજાઓને પૂછ પૂછ કરવાની પણ ચળ આવે છે.

***

વેક્સિન લીધા પછીના ત્રણ ચાર દિવસમાં જો શરીરમાં કંઈ ના થાય તો અચાનક પોતે બહુ ‘પાવરફૂલ’ થઈ ગયા છે એવી ભ્રમણા ઊભી થઈ જાય છે.

***

અન્ય નાની નાની આડ અસરો પણ થવા લાગે છે જેમ કે –

(1) ફોન કરી કરીને બધાને રસી લેવાની સલાહ આપવા મંડે છે.

(2) અમસ્તી આડી-અવળી વાત ચાલતી હોય ત્યાં વચમાં ભજીયું મુકાઈ જાય છે. ‘તમે રસી લીધી કે નહીં ? મેં તો લઈ લીધી.’

(3) રસી લેવા ગયો ત્યારે  કેટલી લાઈન હતી કે નહોતી. મને તો ડર હતો... જરાય ડર નહોતો… કીડી ચટકી એવું લાગ્યું… મેં તો નર્સને ખખડાવી નાંખી… ડોક્ટરે મારી હેલ્થના વખાણ કર્યાં… વગેરે વાતો ડીટેઇલમાં દરેકને સંભળાવવાની ચળ ઉપડે છે.

(4) માસ્ક પહેર્યા વિના છાતી ફૂલાવીને બહાર ફરવા જવાનું જોશ ઉપડે છે.

(5) જુવાનિયાઓની આગળ પોતાની ‘પ્રતિકાર શક્તિ’નાં વખાણ કરવાના લખાયા ઉપડે છે.

***

અને…(6) આ સાલો બ્રિટનવાળો નવો વાયરસ નીકળ્યો છે એની સામે આ વેક્સિન ફેલ તો નહીં જાય ને ?.... એવા વિચારો શરૂ થઈ જાય છે…

- આખરે ફરી એકવાર કાઢા પીવાનું ચાલુ થઈ જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments