મદદશૂરા ફોરવર્ડીયાને હાકલ !

આ મુશ્કેલ સમયમાં અમુક લોકો જોરદાર મદદ કરી રહ્યા છે… ધડાધડ મદદના મેસેજો ફોરવર્ડ કરીને !

અમદાવાદની એક આરજે એના ઇન્સ્ટા સ્ટેટસમાં નોઈડામાં કોઈને ઓક્સિજનની જરૂર છે તેનો મેસેજ મુકે છે !

બેંગ્લોરનો કોઈ ‘ઇન્ફ્લુએન્સર’ મુંબઈના ભીવંડી એરિયામાંથી ફ્રીમાં ટિફીન સર્વિસ મળશે તેના કોન્ટેક્ટ નંબરો શેર કરે છે !

ત્યાં દિલ્હીમાં બેઠેલા કોઈ સેવાભાવી અંકલ પૂનામાં ક્યાં ક્યાંથી કોવિડ સારવાર ઘેર બેઠાં મળશે તે સંસ્થાઓના નામ અપલોડ કરે છે !

હકીકતમાં, જેને ખરેખર જરૂર છે એવા મેસેજો તો ક્યાંય દેખાતા જ નથી ! જેમ કે…

***

રાજકોટમાં મવડી વિસ્તારમાં 40 જણાને ખેંચ આવવી, માથું ભમવું, ઝાડો સાફ ન આવવો, બેચેની રહેવી જેવા લક્ષણો છે. એમને તાત્કાલિક આવનારા 15 દિવસનો સ્ટોક થાય એટલી સંખ્યામાં માવા (તમાકુના મસાલા)ની તાત્કાલિક જરૂર છે. કેમ કે પાનના ગલ્લા બંધ છે.

***

ધોળકાથી 30 કિલોમિટરના અંતરિયાળ વિસ્તારના બે ગામોમાં 65 જેટલા યુવાનોને તાત્કાલિક મદદની જરૂર છે. અહીં મોબાઈલનું ટાવર પકડાતું નથી. ઉપરથી રિ-ચાર્જ પણ ખતમ થઈ ગયું છે. સેવાભાવી લોકોને વિનંતી છે કે બનતી ઝડપે ત્યાં પહોંચીને સૌના મોબાઈલમાં બ્લુ-ટુથ વડે સારી જોક્સ, સારી વિડીયો ક્લીપ્સ, સારી સારી મુવીઝ તથા સલમાનની લેટેસ્ટ ફિલ્મનું ટ્રેલર અને ગાયન પહોંચતા કરે. દેશના યુવાધનને બચાવો. દેશ તમારો આભારી રહેશે.

***

દયાવાન દાતાઓ, પીડિત પતિઓની વહારે આવો... બહારનું ચટાકેદાર ખાવાનું ખાવા ટેવાયેલા સુરતના સેંકડો પતિઓને આજે પત્નીના હાથનું ફીક્કું બેસ્વાદ ભોજન ખાવું પડે છે. સેવાભાવી સંસ્થાઓને વિનંતી કે એમને ગરમાગરમ ભજિયાં, સમોસા, દાબેલી, દાળવડાં, રગડા પેટિસ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનાં ટિફીનો પહોંચતા કરે.

(ખાસ રિક્વેસ્ટ : દરેક ટિફીનમાં લસણની તીખી ચટણીનાં મિનિમમ અડધો ડઝન પાઉચ મુકશોજી.)

***

મેડિકલ સપ્લાયરો ખાસ ધ્યાન આપે. શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નવરા પડી ગયેલા બેરોજગાર મજદૂરોના ઘરોમાં કુટુંબ નિયોજનનાં સાધનો ખૂટી પડ્યાં છે !

તાત્કાલિક ઘેર ઘેર વહેંચણી શરૂ કરો ! દેશનું ભવિષ્ય સૌએ આજે જ અટકાવવાનું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. રાજકોટના મવડી વિસ્તારના માવા વગર તરફડતા લોકોની વેદનાને વાચા આપવા બદલ સમગ્ર રાજકોટના માવા પ્રેમીઓના સન્માનના અધિકારી બની ગયા છો!!!😊😊😊

    ReplyDelete
  2. Ha ha ha ha 😊😊😊

    Thank you so much !!

    ReplyDelete

Post a Comment