કોરોનાની બીજી લહેરમાં હવે દેશી વિડીયો આલ્બમો પણ નવાં નવાં આવી રહ્યાં છે ! આવાં આલ્બમોમાં ક્યારેક અંદર એક સ્ટોરી પણ હોય છે ! જુઓ…
***
કોરોણા શે’રમાં રે…
ગીતા રબારીના આ લેટેસ્ટ વિડીયો ગાયનમાં એક ગામડાની ભોળી સ્ત્રી ખૂબ બધાં સોનાનાં ઘરેણાં પહેરીને શહેરમાં ફરવા જાય છે પણ એને કોરોનાની એવી ઝાપટ લાગે છે કે બિચારીનાં તમામ ઘરેણાં હોસ્પિટલોનાં બિલો ચૂકવવામાં વેચાઈ જાય છે.
***
ચાર સાઈરન વાળી ગાડી...
કિંજલ દવેના નવા સુપરહિટ વિડીયો સોંગમાં કિંજલબેન પોતાના ભાઈને કોરોનાની સ્હેજ અસર લાગી હોવાથી તેને ચાર-ચાર સાઈરનોવાળી VIP ટાઈપની ગાડી લાવી દે છે ! જેથી ભાઈને K M મહેતા હોસ્પિટલમાં ફટાફટ એડમિશન મળી જાય છે !
***
તું ના બોલાવે તો હું શું કરું...
વિક્રમ ઠાકોરનું આ નવું સુપર-ડુપર હિટ રિ-મિક્સ ગાયન છે. આમાં વિક્રમ ઠાકોરની પ્રેમિકા સિવિલ હોસ્પિટલમાં નર્સ છે. વિક્રમને કોઈ અંદર જવા નથી દેતું. એટલે તે 108 બુક કરે છે પણ 108 વાળા સામેથી તેને બોલાવતા જ નથી....
***
ભલા મારી નાંખ્યા ! ભાઈ ભાઈ...
અરવિંદ વેગડાના નવા ગાયનમાં વચ્ચે વચ્ચે ટીવી ન્યુઝની ક્લિપો આવે છે જેમાં ખ્યાલ આવે છે કે ચાંપલું ચાંપલું બોલતા, મીઠું સ્મિત વેરતા, બે હાથ જોડીને સૌને નમન કરનારા ‘બૂરા’ માણસો કોમેડી ફિલ્મના વિલનોની માફક હસતા રહે છે અને ‘ભલા’ માણસો ટપોટપ મરતા રહે છે...
***
તમે ય પોઝિટિવ, અમે ય પોઝિટિવ...
જિગ્નેશ કવિરાજના આ વિડીયો-સોંગમાં તે બિચારો કવિ બન્યો છે. આ જ કારણસર તેની પ્રેમિકાને તેનો બાપ કોઈ બિલ્ડરના દિકરા જોડે પરણાવી દે છે. હતાશ જિગ્નેશ છેવટે હોસ્પિટલમાં નોકરી લઈ લે છે. એક દિવસ ત્યાં તેની પ્રેમિકા કોરોના ‘પોઝિટીવ’ થઈને આવે છે... છેવટે હેપ્પી એન્ડીંગ !
***
ઓક્સિ-જન તો તેને રે કહીએ...
આ સોંગ હવે ઇન્ટરનેશનલ હિટ બનવાનું છે કેમકે કંઈ ભલભલા દેશોથી વિમાનોમાં ઓક્સિજનો આવી રહ્યા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment